Madhya Gujarat

કપડવંજ પાસે કાપડની ૪ લાખની ગાંસડી ચોરાઇ

નડિયાદ: કાપડના પાર્સલ ભરીને સૂરતથી અંબાલા જવા માટે નીકળેલા કન્ટેઇનરનું સીલ તોડીને ભાલેજથી કપડવંજની વચ્ચે કોઇ અજાણ્યા તસ્કરો રૂ. ૪ લાખની કિંમતની ગાંસડીઓ ચોરી જતાં આ મામલે કપડવંજ રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાજસ્થાનના અલવર ખાતેના માંડનમાં રહેતા કુલદીપસીંગ રોશનસીંગ રાજપુત ચૌહાણ ગત તા. ૨૪ ઓગસ્ટના રોજ સૂરતથી કાપડના પાર્સલ ભરીને અંબાલા જવા માટે નીકળ્યા હતા.

તેઓ ભાલેજ ટોલ ટેક્ષ પર ચા – પાણી કરવા રોકાયા બાદ કપડવંજની હોટલ પર રોકાયા હતા. આ સમયે કન્ટેઇનરનું સીલ તોડી કોઇ અજાણ્યા તસ્કરોએ પાર્સલની ચોરી કરી હોવાનું ધ્યાને આવતાં કુલદીપસીંગ દ્વારા કંપનીમાં જાણ કરવામાં આવી હતી. જેથી કંપનીના માણસોએ આવીને તપાસ કરતાં ૨૫ જેટલાં પાર્સલ ચોરી થયા હતા. એક પાર્સલની કિંમત રૂ. ૨૦ હજાર લેખે રૂ. ૪ લાખની કિંમતના પાર્સલ ચોરાતાં આ મામલે કપડવંજ રૂરલ પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ આપવામાં આવી હતી. જે સંદર્ભે હાલમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ચાલુ ગાડીએ ૨૫ જેટલાં પાર્સલોની ચોરી ?

પોલીસને આપેલી ફરિયાદમાં કુલદીપસીંગે ચાલુ ગાડીએ ૨૫ પાર્સલોની ચોરી થઇ હોવાની કેફીયત રજૂ કરી હતી. જોકે, એકાદ બે પાર્સલની ચોરી થાય તો કદાચ માન્યમાં આવે પરંતુ ૨૫ પાર્સલની ચાલુ ગાડીએ ચોરી થવાની વાત પોલીસને પણ ગળે ઉતરતી નથી. હાલમાં માર્ગ પરના સીસીટીવી ફુટેજ ચકાસવાની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ભાલેજ ટોલટેક્ષ પર સીલ ચેક કર્યું હતું

કરજણ ટોલ ટેક્ષથી નીકળ્યા બાદ કુલદીપસીંગ વડોદરા એક્સપ્રેસ હાઇવે થઇને ભાલેજ ટોલ ટેક્ષ પાસે આવેલી ચા ની લારીએ ઉભા રહ્યા હતા. જ્યાં ચા-પાણી કરીને તેઓએ ટાયર તેમજ દરવાજાનું સીલ ચેક કર્યું હતું. જે બરાબર હતું. જોકે, જ્યારે તેઓ કપડવંજ પાસેની હોટલે ઉભા રહ્યા ત્યારે સીલ તૂટેલું હતું અને દરવાજો ખોલીને પાર્સલની ચોરી કરવામાં આવી હોવાનું માલુમ પડ્યું હતું.

Most Popular

To Top