કામરેજ: સોનગઢ (Songadh) ખાતે રહેતા ત્રણ મિત્રો મોટરસાઈકલ લઈને કીમ (Kim) -દરગાહ પર દર્શન કરી ઘરે જતાં ધોરણપારડી (Dhoranpardi) પાસે ગુટખા ખાવા માટે ઊભા રહેતા અજાણ્યા વાહનચાલકે બે મિત્રોને અડફેટે લેતાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત (death) નીપજ્યું હતું. જ્યારે એકને ઈજા થઈ હતી. સોનગઢ ખાતે રહેતા અને શાકભાજીનો ધંધો કરતા સિદ્દીક નાસીર બાગવાન શનિવારે હિરો સ્પ્લેન્ડર મોટરસાઈકલ નં.(જીજે 5 એડી 0598) લઈને સુરત (Surat) ના માંગરોળના કીમ પાસે કોઠવા દરગાહ ખાતે મિત્ર તોહિદ લીયાકત મન્સુર (ઉં.વ.20) તેમજ રહીમ અકબર શેખ ગયા હતા.
દરગાહ પરથી પરત ઘરે જતા હતા. ત્યારે રાત્રિના 10 કલાકે કામરેજના ધોરણપારડી ગામની સીમમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નં.48 પર તોહીદને ગુટખા ખાવા માટે મોટરસાઈકલ હાઈવે પર ઊભી રાખી હતી. સીદ્દીક મોટરસાઈકલ પર બેસેલો હતો. તોહીદ અને રહીમ રોડની બાજુમાં ઊભા હતા. ત્યારે અમદાવાદ તરફથી એક અજાણ્યા સફેદ રંગના વાહનના ચાલક સાઈડમાં ઊભેલા બે મિત્રોને અડફટે લેતાં તોહીદને માથામાં ઈજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રહીમને ઈજા થતાં 108માં સારવાર માટે કામરેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો. જે અંગે કામરેજ પોલીસમથકમાં અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.
નિઝરના કાવઠા પુલ પર ટેમ્પાએ અડફેટે લેતાં બાળકનું મોત
વ્યારા: નિઝરના કાવઠા પુલ પર પૂરપાટ ઝડપે જતા ટેમ્પોએ રોડ ક્રોસ કરી રહેલા ૪ વર્ષિય બાળકને અડફેટે લેતાં તેનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. ટેમ્પોચાલક અકસ્માત કરી ભાગી છૂટ્યો હોવાથી પોલીસે ગુનો નોંધી વધુમાં તપાસ હાથ ધરી છે. નિઝરના કાવઠા ગામે વેલ્દા-કુકરમુંડા રોડ ઉપર દિલીપ વરન્યા ગાવીત (હાલ રહે.,ઔઠીપાડા, ગ્રામ પંચાયત ઓફિસ પાસે, તા.નવાપુર, જિ.નંદુરબાર) પરિવાર સાથે દેવમોગરા ખાતે દર્શન કરવા જતા હતા. કાવઠા પુલ ઉપર તાપી નદીના દર્શન કરવા ઊભા હતા.
ત્યારે તા.૨૩મી જાન્યુઆરીએ સવારે ૭:૪૫ વાગે રોડ પુલ ઉપર ક્રોસ કરી રહેલા ૪ વર્ષના બાળક અમલ ગાવીતને આઇશર ટેમ્પો નં.(MH 23 W 2521)ના ચાલકે અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં તેને માથાના તથા ચહેરાના ભાગે તથા ડાબા હાથે તથા શરીરે નાની મોટી ઇજા થતાં ઘટના સ્થળે જ બાળકનું મોત નીપજ્યું હતું. અકસ્માત કરી ટેમ્પોચાલક પોતાનો ટેમ્પો સ્થળ ઉપર મૂકી નાસી છૂટ્યો હતો.
અંત્રોલી ગામે ટ્રક અડફેટે આધેડનું મોત
પલસાણા: પલસાણાના અંત્રોલી ગામે ભુરી ફળિયામાં રહેતા શંકર છના રાઠોડ ગતરોજ અંત્રોલી ગામે ભૂરી ફળિયા નજીક શૌર્યા મિલની સામેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે એક અજાણ્યા ટ્રકચાલકે અડફેટે લેતાં શંકરભાઈનું મોત થયું હતું.