નડિયાદ: ખેડા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે પોલીસની ટીમે ખેડા તાલુકાના કનેરા ગામની સીમમાં આવેલ બ્રિજ નજીક વોચ ગોઠવી, રીક્ષામાં સંતાડી લઈ જવાતાં ૪ કિલો ગાંજાના જથ્થા સાથે અમદાવાદના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યાં હતાં. તેઓ આ ગાંજાનો જથ્થો પેટલાદના એજાજ પાસેથી લાવ્યાં હોવાનું પોલીસ પુછપરછમાં બહાર આવ્યું છે. આ મામલે પોલીસે ગાંજાનો જથ્થો ઉપરાંત રીક્ષા, મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ.૧,૨૬,૫૬૦ નો મુદ્દામાલ જપ્ત કરી, કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદથી અમદાવાદ તરફ જતી સી.એન.જી રીક્ષા નં જીજે ૨૭ ટીએ ૨૩૧૧ માં ગાંજાની હેરાફેરી થતી હોવાની બાતમી ખેડા એસ.ઓ.જી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે શુક્રવારના રોજ રાત્રીના સમયે ખેડા તાલુકાના કનેરા ગામની સીમમાં આવેલ બ્રિજ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન રાત્રીના આઠ વાગ્યાના અરસામાં બાતમી મુજબની સીએનજી રીક્ષા આવતાં પોલીસે તેને રોકી હતી અને તેમાં સવાર બસીરખાનઉર્ફે કાળીયો વાહીદખાન પઠાણ, હસન ગુલામહુસેન શેખ તેમજ નસરૂદ્દીન ઉર્ફેનાસીર મયુદ્દીન શેખ (ત્રણેય રહે.શાહઆલમ, અમદાવાદ) ની પોલીસે અટકાયત કરી હતી.
જે બાદ પોલીસે રીક્ષાની તલાશી લેતાં ડ્રાઈવરની સીટ નીચે સંતાડેલા ખાખી કલરના બે બોક્ષ મળી આવ્યાં હતાં. તે ખોલીને જોતાં તેમાંથી ૪.૧૫ કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો જથ્થો કિંમત રૂ.૪૧,૫૦૦, ત્રણ મોબાઈલ કિંમત રૂ.૪૦૦૦, રોકડા રૂ.૧૦૬૦ તેમજ રીક્ષા કિંમત રૂ.૮૦,૦૦૦ મળી કુલ રૂ.૧,૨૬,૫૬૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ પુછપરછમાં આ ત્રણેય જણાં પેટલાદના એજાજ પાસેથી ગાંજાની ખરીદી કરી હોવાનું બહાર આવ્યું છે. જેના આધારે પોલીસે પકડાયેલાં ત્રણેય શખ્સો ઉપરાંત ગાંજાનો વેપલો કરનાર પેટલાદના એજાજ સામે નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ ૮(સી), ૨૦(બી), ૨૯ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તેમના રિમાન્ડ દરમિયાન ચરોતરના ગાંજાનું નેટવર્ક બહાર આવે તેવી શક્યતા મળી રહી છે.