વડોદરા : દિવાળીના તહેવાર ટાણે શહેરમાં દારૂનો જથ્થો પૂરો પાડવા કન્ટેનરમાં સ્ટીલની આડમાં છુપાવી ઘુસાડવામાં આવતો વિદેશીદારૂનો જથ્થો શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. વિદેશી દારૂના જથ્થાનું કટિંગ થાય તે પહેલા જ ત્રાટકેલી પોલીસે કન્ટેનરના ચાલકને ઝડપી પાડી પુછપરછ હાથ ધરી છે. જેમાં શહેરના બુટલેગર જગદીશે વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કન્ટેનર, વિદેશી દારૂનો જથ્થો, મોબાઈલ ફોન સહિત રૂ.31.77 લાખ નો મુદ્દામાલ કબ્જે કરી કન્ટેનર ચાલકની ધરપકડ કરી દારૂ મંગાવનાર બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીઓ વિદેશી દારૂની હેઅફેરીના નેટવર્કને નાબૂદ કરવાના અભિયાન અંતર્ગત પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. ત્યારે તેમને બાતમી મળી હતી કે, રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો ભરેલું ટેન્કર વડોદરામાં પ્રવેશ્યું છે. અને દશરથ બ્રિજ સ્મશાન પાસે કન્ટેનર પાર્ક કરી દારૂનું કટિંગ થવાનું છે. જેથી પોલીસે મળેલ બાતમીના આધારે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કન્ટેનર ચાલક લક્ષ્મણસિંહ રાવતને દબોચી લઇ પોલીસે પુછપરછ હાથ ધરી હતી.
જેમાં મૂળ રાજસ્થનનો વતમી અને વડોદરામાં રહેતા બુટલેગર જગદીશે વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. તેમજ રાજસ્થાનના ડુરેન્દ્રસિંહ રાવતે વિદેશી દારૂનો જથ્થો મોકલ્યો હતો. પોલીસે કન્ટેનરની તપાસ કરતા સ્ટીલના બોક્સની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે 3.95 લાખની મતાનો વિદેશી દારૂનો જથ્થો, કન્ટેનર, મોબાઈલ અને અન્ય માલ સામાન મળી કુલ રૂ. 31.97 લાખનો મુદ્દામાં; કબ્જે લીધો હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ કન્ટેનર ચાલક લક્ષ્મણસિંહ રાવતની ધરપકડ કરી હતી. તેમજ બુટલેગર જગદીશ અને રાજસ્થનના સુરેન્દ્રસિંહ રાવતને વોન્ટેડ જાહેર કરી વધુ તાપસ હાથ ધરી છે.