આજકાલ ભારતમાં બાળકોને કોડિંગ શીખવવાનો ક્રેઝ ચાલુ થયો છે, તેની પાછળ કોડિંગના જોબમાં થતી લખલૂંટ કમાણી છે. દક્ષિણ ગુજરાતના નાના શહેરનો ૨૧ વર્ષનો યુવાન આઇ ટી એન્જિનિયર બન્યા પછી કોડિંગ શીખ્યા તો અમેરિકાની કંપનીએ તેને માસિક ૩.૫ લાખ રૂપિયાના પગારે નોકરીમાં રાખી લીધો છે. આ કોડિંગ શીખનારા યુવાનો હેકિંગની ટેકનિક શીખી જાય છે, પણ તેનો ઉપયોગ હેકિંગથી બચવા માટે પણ કરી શકાય છે. મોટી બેન્કો તેમના ગ્રાહકોને ઓનલાઈન ફ્રોડથી બચાવવા માટે હેકિંગ જાણનારા યુવાનોને ઊંચા પગારે નોકરીમાં રાખતા હોય છે. હેકિંગ અને ડાર્ક વેબના માધ્યમથી દુનિયામાં સમાંતર અર્થતંત્ર ચાલે છે. તેને સમજવા માટે તાજેતરનો કિસ્સો જાણવા જેવો છે.
અમેરિકાના ફેડરલ રિઝર્વની ગુપ્તચર શાખા જેવા આઇઆરએસ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશને મૂળ ચીનના મનાતા જેમ્સ ઝોંગ નામના વ્યક્તિ પાસેથી સિલ્ક રોડ નામની ડાર્ક વેબસાઇટ પરથી ચોરાયેલા ૩.૪ અબજ ડોલરના ૫૦,૦૦૦ બિટકોઇન જપ્ત કર્યાં છે. ઝોંગે સિલ્ક રોડ નામની બદનામ ડાર્ક વેબસાઇટ પર ૨૦૧૨માં ખાતું ખોલાવ્યું હતું. તેણે ડાર્ક વેબ ઉપર બનાવેલા એકાઉન્ટમાં જેટલા બિટકોઈન જમા કર્યા હતા તેના કરતાં વધુ સિક્કા કોઈક રીતે ઉપાડી લીધા હતા.
ડાર્ક વેબ ઇન્ટરનેટની એક એવી દુનિયા છે, જેના પર કોઈ દેશની સરકારનો અંકુશ નથી. તેનો ઉપયોગ બે નંબરનાં નાણાં, આતંકવાદ, કેફી દ્રવ્યો, દાણચોરી, ગેરકાયદે શસ્ત્રોનો વેપાર વગેરે કામો માટે થાય છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના કહેવા અનુસાર, સિલ્ક રોડ પરથી ૫૦,૦૦૦થી વધુ બિટકોઇન્સ ચોર્યાના નવ વર્ષ પછી, જેમ્સ ઝોંગ નામના જ્યોર્જિયને સોમવારે ઓનલાઈન છેતરપિંડીનો ગુનો કબૂલ્યો હતો. ઝોંગે તેની સામેના કેસની માંડવાળના સોદાના ભાગ રૂપે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસને તે જંગી રકમના બિટકોઈન સુપરત કર્યા હતા. આ બિટકોઇન્સ પોપકોર્નના ડબ્બામાં સિંગલ-બોર્ડ કોમ્પ્યુટરમાં છૂપાવીને રાખવામાં આવ્યા હતા.
તાજેતરનો કિસ્સો ફેડરલ રિઝર્વની આઇઆરએસ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન્સ શાખા માટે બીજી મોટી સિદ્ધિ દર્શાવે છે. તેણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ક્રિપ્ટોકરન્સી ટ્રેસિંગ ટેકનિકોનો ઉપયોગ કરીને રેકોર્ડબ્રેક પ્રમાણમાં ગેરકાયદેસર રીતે મેળવેલા બિટકોઇન સહિત કથિત હેકર્સ અને મની લોન્ડરર્સને પકડી પાડ્યા છે. આ ગુપ્તચર સંસ્થા બ્લોકચેન એનાલિસિસ માટેની ખાનગી કંપની ચેઈનલિસિસ સાથે ભાગીદારીમાં કામ કરે છે. વાસ્તવમાં, જેમ્સ ઝોંગ બીજો સિલ્ક રોડ હેકર છે જેણે આઇઆરએસ-સીઆઇને એક અબજ કરતાં વધુ ડોલરના બિટકોઈન સિક્કાઓ સોંપ્યા છે. તે અગાઉ એક અનામી ઇસમ ડ્રગ માર્કેટમાંથી ચોરી કરેલા લગભગ ૭૦,૦૦૦ બિટકોઇન્સ સુપરત કરવા માટે એક વર્ષ પહેલાં સંમત થયો હતો. આ રેકોર્ડ-બ્રેકિંગ બિટકોઈનનો જપ્ત કરાયેલો જથ્થો બિટકોઇનના નીચા વિનિમય દરો સમયે પણ એક અબજ ડોલરનું મૂલ્ય ધરાવતો હતો.
બિટકોઈનનો વેપાર કરતા બિટફાઇનેક્સ એક્સચેન્જમાંથી ૪.૫ અબજ ડોલરની ક્રિપ્ટોકરન્સીની ચોરી કરવાના આરોપમાં ન્યૂયોર્કમાં બે કથિત મની લોન્ડરર્સ સામે આઇઆરએસ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન્સ શાખા દ્વારા આ વર્ષની શરૂઆતમાં કેસ કરવામાં આવ્યો તેમાં તે બંને રેકોર્ડને તોડી નાખવામાં આવ્યા હતા. તેનો યશ અત્યાધુનિક ક્રિપ્ટોકરન્સી ટ્રેસિંગ ટેકનિકને ફાળે જાય છે. ફેડરલ રિઝર્વની ગુપ્તચર શાખાએ ગુનાઇત આવકનો આ ચોંકાવનારો કેસ શોધી કાઢ્યો હતો. કોર્ટમાં આ કેસ લડનારા સરકારી વકીલ દમિયન વિલિયમ્સ કહે છે કે “આ કિસ્સો બતાવે છે કે અમે ડાર્ક વેબ ઉપર લેવડદેવડ માટે વપરાતા બે નંબરના નાણાંનો પીછો કરવાનું બંધ કરીશું નહીં, ભલે તે ગમે તેટલી ચાલાકીથી પોપકોર્ન ટીનના તળિયે સર્કિટ બોર્ડ સુધી પણ છૂપાવાયેલા હોય.’
જેમ્સ ઝોંગે તે ડાર્ક-વેબ માર્કેટમાં એક નબળાઈ શોધી કાઢી હોય તેવું લાગે છે. ૨૦૧૨ માં તેણે પોતાનાં ખાતામાં જેટલા સિક્કા મૂક્યા હતા, તેના કરતાં વધુ સિક્કા બહાર કાઢવાની મંજૂરી ફ્રોડ કરીને મેળવી લીધી હતી. આઇઆરએસ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન્સ શાખાની એફિડેવિટમાં તેણે સિલ્ક રોડ પરથી ૫૦,૦૦૦ થી વધુ બિટકોઈન્સ કેવી રીતે ચોર્યા તેના દસ્તાવેજી પુરાવા આપવામાં આવ્યા છે. એફિડેવિટની વિગતો મુજબ તેણે વેબસાઈટ પર “thetormentor” અને “dubba” જેવાં નામો સાથે શ્રેણીબદ્ધ એકાઉન્ટ્સ માટે સાઈન અપ કર્યું હતું. દરેક ખાતાંના બિટકોઈન વોલેટમાં સિક્કા જમા કરાવ્યા પછી એક જ સેકન્ડમાં ત્યાં રહેલી સંપૂર્ણ રકમો વારંવાર ઉપાડી લીધી હતી.
આ માટે જેમ્સ ઝોંગે કથિત રીતે સિલ્ક રોડના વાયરસનો ઉપયોગ કર્યો હતો, જેણે માગવામાં આવેલા બિટકોઈન વપરાશકર્તાના ખાતામાં હજી પણ હાજર છે કે નહીં? તેની ખાતરી કર્યા વિના તેના એક કરતાં વધુ વખતના ઝડપી ઉપાડની મંજૂરી આપી હતી. આ રીતે જેમ્સ ઝોંગે છેતરપિંડી કરવા માટે ખોલાવેલાં ખાતાંઓનો ઉપયોગ કરીને સિલ્ક રોડમાંથી ઓછામાં ઓછા ૫૦,૦૦૦ બિટકોઈનને માત્ર થોડા જ દિવસોમાં ચોરી લીધા હતા. જેમ્સ ઝોંગે તે પછીનાં નવ વર્ષોમાં ચોરીના બિટકોઈન પોતાના બાથરૂમમાં છૂપાડી રાખ્યા હતા, કારણ કે તેને ડર હતો કે તે જો બજારમાં તેને વેચવા જશે તો પકડાઇ જશે. જો કે આઇઆરએસ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન્સના જાસૂસો ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ પર જેમ્સ ઝોંગના બિટકોઈન્સને તેના એકાઉન્ટ્સ સાથે લિંક કરવામાં સક્ષમ હતા.
બિટકોઈનની ચોરી કરતાં પકડાઈ ગયેલા જેમ્સ ઝોંગની પરિસ્થિતિ અગાઉના સિલ્ક રોડ હેકર જેવી જ છે, જેને કોર્ટ કેસમાં ફક્ત મિસ્ટર ‘એક્સ’ તરીકે ઓળખવામાં આવે છે. તેણે સિલ્ક રોડ ડાર્ક વેબસાઇટ પરથી લગભગ ૭૦,૦૦૦ બિટકોઇન્સ ચોરી કરવા માટે અને સાત વર્ષથી વધુ સમય સુધી સંગ્રહ કરવા માટે હેકિંગની સમાન ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. જો કે, બિટકોઈનના મોટા ગેરકાયદે ભંડોળ બાબતમાં જાહેર ચર્ચા શરૂ થઈ જવાના ભયથી મિસ્ટર ‘એક્સ’ સામેના કોઈ આરોપો જાહેર કરવામાં આવ્યા નથી. તેનાથી વિપરીત, જેમ્સ ઝોંગ હાલમાં ઓનલાઈન છેતરપિંડીનો દોષિત સાબિત થયા પછી ૨૦ વર્ષ સુધીની જેલની સજા ભોગવી રહ્યો છે.
હકીકતમાં ૨૦૧૩ ના અંતમાં ગુપ્તચર સંસ્થાના મોટા ઓપરેશન દ્વારા સિલ્ક રોડને બંધ કરવામાં આવ્યા પછી ડાર્ક વેબસાઇટના નિર્માતા રોસ ઉલ્બ્રિચની ધરપકડ કરવામાં આવી હતી. રોસ ઉલ્બ્રિચને આજીવન કેદની સજા મળી હતી અને તેને વળતરમાં ૧.૮૩ કરોડ ડોલર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જો કે, ઘટનાઓના અન્ય એક અસામાન્ય વળાંકમાં, મિસ્ટર એક્સ દ્વારા સિલ્ક રોડ પરથી જપ્ત કરાયેલા બાકીના ૭૦,૦૦૦ બિટકોઈનમાંથી કોઈ પણ પર દાવો ન કરવાના કરારના બદલામાં રોસ ઉલ્બ્રિચનો દંડ સંપૂર્ણપણે માફ કરવામાં આવ્યો હતો. તે બહુ વિચિત્ર લાગે છે કે કોઈ વ્યક્તિ સિલ્ક રોડના શોધકને તેની જ વેબસાઇટ પરથી જપ્ત કરવામાં આવેલા બિટકોઇન્સ વડે દંડની ચૂકવણી કરવામાં મદદ કરશે. આજકાલ અમેરિકામાં બિટકોઈન્સની ચોરી પકડાઈ જવાને કારણે આઇઆરએસની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન્સ શાખાના જાસૂસો દ્વારા કરાતી ક્રિપ્ટોકરન્સીની જપ્તી નિયમિતપણે અમેરિકાની તિજોરી માટે અબજો ડોલરની ભેટ લાવે છે.- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.