પાર્લ, તા. 21 : અહીં રમાયેલી બીજી વન ડેમાં દક્ષિણ આફ્રિકાન ટીમે ફરી એકવાર પોતાની સર્વોપરિતા સાબિત કરીને ભારતીય ટીમને રમતના દરેક પાસામાં પછાડીને 48.1 ઓવરમાં જ મેચ 7 વિકેટે જીતવાની સાથે જ ત્રણ મેચની સીરિઝમાં 2-0ની અજેય સરસાઇ મેળવી લીધી હતી. ભારતે મુકેલા 288 રનના લક્ષ્યાંક સામે દક્ષિણ આફ્રિકાને ક્વિન્ટન ડિ કોક અને યાનેમન મલાને મળીને આક્રમક શરૂઆત અપાવી હતી અને બંને વચ્ચે 132 રનની ભાગીદારી થઇ હતી ત્યારે ડિ કોક 78 રન કરીને આઉટ થયો હતો. જો કે તે પછી મલાન સાથે જોડાયેલા કેપ્ટન તેમ્બા બવુમા વચ્ચે 80 રનની ભાગીદારી થઇ હતી ત્યારે મલાન 91 રને આઉટ થયો હતો તે પછી તરત બવુમા પણ 35 રન કરીને આઉટ થયો હતો. જો કે તે પછી એડન માર્કરમ અને રસી વાન ડેર ડુસેને મળીને બાકીનું કામ પુરૂ કર્યું હતું. બંનેએ મળીને નોટઆઉટ ભાગીદારી કરી હતી.
આ પહેલા ટોસ જીતીને પહેલા દાવ લેવાનો નિર્ણય કરનારી ટીમ ઇન્ડિયાને શિખર ધવન અને કેએલ રાહુલે મળીને સારી શરૂઆત અપાવી હતી. જો કે ધવન અને તે પછી વિરાટ કોહલી ઝડપથી આઉટ થયા હતા, પણ રાહુલની સાથે જોડાયેલા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે આક્રમક બેટિંગ કરતા બંને વચ્ચે 115 રનની ભાગીદારી થઇ હતી. રાહુલ 55 રન કરીને આઉટ થયા પછી પંત પણ તરત જ આઉટ થયો હતો. શ્રેયસ અને વેંકટેશ બંને આક્રમક બની શક્યા નહોતા પણ શાર્દુલે ફરી એકવાર 40 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી. તેની સાથે અશ્વિન પણ 25 રને નોટઆઉટ રહ્યો હતો અને ભારતીય ટીમે 6 વિકેટે 287 રન બનાવ્યા હતા.
બીજી વન ડે 7 વિકેટે જીતી દક્ષિણ આફ્રિકાની અજેય સરસાઇ
By
Posted on