Vadodara

રાયોટિંગના આરોપીઓના કેસને 23 વર્ષે ચુકાદો : તમામનો નિર્દોષ છુટકારો

વડોદરા: વર્ષ 1999માં ગાંધીનગર ગૃહ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય નારીનું અપમાન ગણાવી બજરંગ દળ તથા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ભારે તોડફોડ કરતાં પોલીસે તમામ આરોપીઓ સામે રાયોટીંગનો ગુનો નોંધ્યો હતો. જે અંગેના કેસ કેસને 23 વર્ષે ચુકાદો આવ્યો છે જેમાં કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ જારી કર્યો છે.
એમાં એવી વિગત છે કે વર્ષ 1999 દરમિયાન ગાંધીનગર ગૃહ ખાતે કોન્ટેસ્ટ અને ગ્રૂપ ડાન્સનો પ્રોગ્રામનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમ સામે બજરંગ દળ તથા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ ભારતીય નારીનું અપમાન થતું હોવાનું જણાવી બારે વિરોધ પ્રગત કરવામાં આવ્યો હતો અને 25થી 30 લોકો ટાળાએ ઉધમ મચાવીને પ્રોગ્રામ બંધ કરાવવા માટે ઓફિસમાં ઘૂસી ફર્નિચરની તોડફોડ કરી ગાંધીનગર ગૃહના કાચ તોડી નાખી રૂ.13 હજાર જેટલું નુકસાન કર્યું હતું. જેમાં નીરજ જૈન, નરેન્દ્ર મિશ્રા, પ્રકાશ પટેલ સહિત પાંચ આરોપીઓ વિરુદ્ધ રાયોટિંગનો ગુનો ફતેગંજ પોલીસ મથકે નોંધાયો હતો.

આ કેસની સુનાવણી હાથ ધરાતા બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ 18 માં એડિશનલ સિનિયર સિવિલ જજ રાજેશકુમાર રમણલાલ મિસ્ત્રીએ નોંધ્યું હતું કે, આરોપીઓના નામ ફરિયાદમાં જણાયાં નથી. ફરિયાદ પક્ષના અન્ય સાક્ષીઓ દ્વારા પણ આરોપીઓ બનાવ સમયે હાજર હોય તેવી હકીકત દર્શાવેલી નથી અથવા આરોપીઓને ઓળખી બતાવ્યા નથી. ત્યારે માત્ર તપાસ કરનાર અમલદારના મૌખિક પુરાવાના આધારે અન્ય પુરાવાના સમર્થન વગર ફરિયાદ પક્ષનો કેસ પુરવાર થયેલ હોવાનું માની આરોપીઓને સજા કરી શકાય તેમ નથી. જેથી કોર્ટે આરોપીઓને નિર્દોષ છોડૂ મુકવા માટે હુકમ કર્યો છે.

Most Popular

To Top