કોરોના સામેની લડતમાં હવે કેન્દ્રમાંથી 16મી જાન્યુઆરીથી વેક્સિનેશનની કામગીરી શરૂ થવાની જાહેરાત કરવામાં આવતાં જ શહેરમાં પણ તંત્ર દ્વારા કોરોના વેક્સિનેશનની કામગીરીને લઈ તમામ શક્યતાઓ ચકાસી લેવામાં આવી છે. જે માટે શનિવારે તાબડતોબ મીટિંગ કરી વેક્સિનેશનની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં વેક્સિનેશન માટે કુલ 518 લોકેશન નક્કી કરાયાં છે. પરંતુ 16મી જાન્યુઆરીથી જો વેક્સિનેશનની કામગીરી શરૂ થાય તો, શહેરમાં સૌપ્રથમ 22 લોકેશન પરથી વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ નક્કી કરાયું છે.
જે અંગે વધુ માહિતી આપતા સુરત મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ડો.ઉમરીગરે જણાવ્યું હતું કે, દેશમાં 16 મી જાન્યુઆરીથી વેક્સિનેશનની કામગીરી શરૂ કરાશે તેવી શક્યતા છે. પ્રથમ તબક્કામાં દેશમાં કુલ 5000 લોકેશન પર, રાજ્યમાં 287 લોકેશન અને સુરતમાં 22 લોકેશન પરથી વેક્સિનેશનની કામગીરી શરૂ કરાશે. જે અંગેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. શહેરમાં પ્રથમ કયાં 22 લોકેશન પરથી વેક્સિનેશનની કામગીરી શરૂ થશે તે અંગે હજી ચર્ચા ચાલી રહી છે. પરંતુ એક-બે દિવસમાં તે નક્કી કરી દેવામાં આવશે.
22 લોકેશન પરથી 34,000 હેલ્થ વર્કરોને પ્રાથમિક તબક્કે વેક્સિન અપાશે
વેક્સિનેશન માટે સૌ પ્રથમ હેલ્થ વર્કરો, કો-મોર્બિડ પેશન્ટ તેમજ ફ્રન્ટલાઈન વર્કરોને પ્રાયોરિટી આપવામાં આવશે. મનપા દ્વારા આ તમામ લોકોનો ડેટા બેઝ તૈયાર કરી લેવાયો છે. જેમાં સૌ પ્રથમ 22 લોકેશન પરથી 34,000 ખાનગી તેમજ સરકારી આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા હેલ્થ વર્કરોને પ્રાયોરિટી આપવામાં આવશે. ત્યારબાદ 5,20,000 કો-મોર્બિડ પેશન્ટ અને ફ્રન્ટલાઈન વર્કરોને આવરી લેવામાં આવશે.
મનપાના હેલ્થ સ્ટાફને વેક્સિનેશન માટેની ટ્રેનિંગ પણ પૂર્ણ
ગત સોમવારથી મનપાના તમામ હેલ્થ વર્કરોને વેક્સિનેશન માટેની સંપૂર્ણ ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ટ્રેનિંગ વેક્સિનેશન માટે આપવામાં આવી હતી અને ડ્રાય રનમાં પણ તે માટેની તમામ શક્યતાઓ ચકાસી લેવામાં આવી હતી. સોમવારથી શુક્રવાર સુધી તમામ હેલ્થ વર્કરોને ટ્રેનિંગમાં આપવામાં આવી હતી. જે ટ્રેનિંગ સ્મીમેર હોસ્પિટલ ખાતે આપવામાં આવી હતી.
શરૂઆતમાં કયાં 22 લોકેશન પરથી વેક્સિનેશન કરાશે તે હજી નક્કી નથી
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં નિયત કરેલા હેલ્થ સેન્ટર, ખાનગી હોસ્પિટલ તથા પ્રાથમિક શાળામાં વેક્સિનેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ સેન્ટરો પર દર્દીને કોરોના વેક્સિન કઈ રીતે આપવી, વેક્સિનનો સંગ્રહ કઈ રીતે કરવો તથા આનુસાંગિક કામગીરી અન્વયે ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરમાં વેક્સિનેશન માટે 518 સેન્ટર નક્કી કરાયાં છે. તેમાં 447 શાળા, 70 અર્બન હેલ્થ સેન્ટર, મેટરનિટી હોમ, આરોગ્ય કેન્દ્રો અને 41 જેટલી અન્ય હોસ્પિટલનો સમાવેશ થાય છે. આ સેન્ટર પર કેવી રીતે કામ થશે ? કોઇને વેક્સિનની આડઅસર જોવા મળે તો તુરંત નજીકની કઇ હોસ્પિટલનો સંપર્ક કરવો ? કયા ડોક્ટરને જાણ કરવી ? વગેરે તૈયારીઓ ઝોનવાઇઝ થઇ ચૂકી છે. પ્રથમ તબક્કામાં મનપા દ્વારા 22 લોકેશન પરથી વેક્સિનેશનની કામગીરી કરાશે પરંતુ તે કયાં લોકેશનો હશે તે હજી નક્કી કરાયાં નથી.
વેક્સિનેશન માટે 5.50 લાખ લોકોનો ડેટા બેઝ તૈયાર
વેક્સિનેશનની કામગીરી શરૂ થાય તે પહેલાં જ મનપા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે કામ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી 5.50 લાખ લોકોના ડેટા બેઝ બનાવવામાં આવ્યો છે. જેમાં પહેલા તબક્કામાં હેલ્થકેર વર્કસ, બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન વર્કસ અને ત્રીજા તબક્કામાં 50 વર્ષથી વધુ અને 50 વર્ષથી નીચેના કો-મોર્બિડ લોકો છે તેઓને આવરી લેવામાં આવશે.
નવી સિવિલમાં વેક્સિનેશન માટે ડ્રાય રન : ઉત્તરાયણ પછી કોરોના વોરિયર્સને વેક્સિન અપાઇ તેવી શક્યતા
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સને વેક્સિનેશન માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી હતી. આજે ડોક્ટરોને વેક્સિન આપતા સમયે કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું પડશે તે અંગે રિહર્સલ કરીને એક ડ્રાયરન કરવામાં આવ્યું હતું.
નવી સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેડન્ટ ડો. શૈલેષ પટેલના જણાવ્યાં પ્રમાણે, હોસ્પિટલના ડોક્ટરો સહિત કામ કરતા કર્મચારીઓને સૌપ્રથમ કોરોનાની વેક્સિન આપવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. મનપા તંત્રના સહયોગથી આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. દેશના આરોગ્ય મંત્રાલય દ્વારા ઉત્તરાયણ બાદ ગમે ત્યારે વેક્સિન અપાય તેવી શક્યતા છે તેના ભાગરૂપે આજે નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ડ્રાયરનનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત મનપાના સ્ટાફ તેમજ હોસ્પિટલના સ્ટાફએ સાથે રાખીને વેક્સિનેશન દરમિયાન કઇ કઇ બાબતોને ધ્યાનમાં લેવી પડશે અને કેવી રીતે વેક્સિન અપાશે તે અંગેની માહિતી લેવાઇ હતી. જે લોકોને વેક્સિન અપાશે તેઓના આધારકાર્ડ સાથેની વિગતો એક સોફ્ટવેરમાં રેકોર્ડ તરીકે લેવામાં આવશે. સુરતમાં આશરે 20 થી વધુ ડોક્ટરોને મોકડ્રીલ સ્વરૂપે વેક્સિનેશન કરવામાં આવ્યું હતું.