નડિયાદ: નડિયાદમાં ખાનગી કંપનીની જુદી-જુદી શાખાઓમાં ચાલતી ડેટાએન્ટ્રીની સ્કીમમાં ભરેલાં રૂપિયા છેલ્લાં પાંચેક મહિનાથી અટવાયાં હોવાના આક્ષેપ સાથે ગ્રાહકોએ શુક્રવારના રોજ કંપનીની ઓફિસમાં હોબાળો મચાવ્યો હતો. આ હોબાળા બાદ જાગેલી પોલીસે તપાસ કરતાં કંપનીએ 22 હજાર યુવકો સાથે 50 કરોડનું ફુલેકું ફેરવ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે ચાર શખસ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
નડિયાદના કોલેજ રોડ પર રહેતા દિક્ષુબહેન દેસાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, છએક માસ પહેલા જાણવા મળ્યું હતું કે, માસ્ટર સોલ્યુશન નામની કંપની અમુક નાણાં ઇન્વેસ્ટ કરીએ તો ડેટા એન્ટ્રી પ્રમાણેના ટકાવારી લેખે નાણા પરત મળે છે. આ ઉપરાંત તમારા રેફરન્સથી થયેલા થાપણદારોના ડેટા એન્ટ્રીના કામના 10 ટકા કમીશન પણ આપવામાં આવતું હતું. કંપનીના નીતિ નિયમો મુજબ ડેટા એન્ટ્રીઓના નાણા દર પંદર દિવસમાં એકાઉન્ટમાં ચુકવવાનું વચન આપવામાં આવતું હતું. તે પણ એક ટકાનો ટીડીએસ, ટેક્સના નાણાની કપાત કરી બાકીના નાણા બેન્કમાં જમા કરાવે છે.
આ જાણ્યા બાદ એકાદ વર્ષ પહેલા દીક્ષુબહેને તપાસ કરતાં રૂ. 15 હજારથી રૂ. એક લાખ સુધીના ઇન્વેસ્ટ ઉપર કંપની આઈડી આપતી હતી. આ ઉપરાંત ડેટા એન્ટ્રીનું કામ મળથું અને તેમાં પ્રથમ 48 કલાકમાં ડેટા એન્ટ્રીની રકમ ખાતામાં જમા થશે. તેવી હકિકત જાણવા મળતાં દીક્ષુબહેને પણ કંપનીની વેબ સાઇટ પર 8મી જુલાઇ,21ના રોજ નોંધણી કરાવી હતી. બાદમાં કંપનીના નિયમ મુજબ 11 મહિનાનો સમય પુરો થતા ડિપોઝીટ તથા જમા થયેલી ડેટા એન્ટ્રીની રકમ પરત મળશે. તેવું કંપની તરફથી વિશ્વાસ આપવામાં આવ્યો હતો.
આથી, દીક્ષુબહેને તેના ભાઇ પાર્થ દેસાઇને રોજગારી મળે તે માટે રૂ.90 હજારનું ઇન્વેસ્ટ કર્યું અને તેના ભાઈના નામે 75 હજારનું ઇન્વેસ્ટ કર્યું હતું. આથી, પાર્થને દરરોજ 700 ડેટા એન્ટ્રીનું કામ મળતું હતું. ચારેક મહિના કામ કરતાં ખાતામાં રેગ્યુલર એક હજાર ડેટા એન્ટ્રી પ્રમાણે રૂપિયા મળતાં હતાં. પરંતુ કંપનીના નિયમ મુજબ પ્રથમ 48 કલાકમાં ખાતામાં જમા થતાં હતાં, તેમાં અનિયમિતતા શરૂ થઇ ગઈ હતી. દર પંદર દિવસે નાણા જમા થતાં હતાં. તે પછી નવેમ્બર,21થી નાણા મળવાનું બંધ થઇ ગયું હતું. આ અંગે કંપનીના મેનેજર ચિરાગ તથા બીજા મેનેજર મિતુલને વાત કરી હતી. તેમના બોસ રાહુલ વાઘેલા, કંપનીના ભાગીદાર સીંગ નામના વ્યક્તિને નડિયાદ, ડભાણ રોડ પર આવેલી માસ્ટર સોલ્યુશન પ્રા. લી. કંપનીની ઓફિસ જે શુભમ પાર્ટી પ્લોટની સામે વૃંદાવન સોસાયટીની ાગળ આવેલા શોપીંગમાં દુકાન નં.111માં ઓફિસ બનાવેલી હોય ત્યાં રૂબરૂ વારંવાર ધક્કા ખાઇ નાણા બાબતે પુછપરછ કરી હતી.
જ્યારે જાય ત્યારે કંપનીના થાપણદાર કોઇને કોઇ હાજર હોય તેઓ પણ તેમની રજુઆતો કરતાં હતાં. આમ, દિવસે દિવસે થાપણદારોની ફરિયાદો વધતી ગઈ હતી. આ સમયે કંપનીવાળા પંદર દિવસમાં ખાતામાં નાણા પડી જશે. તેવી બાહેંધરી આપતાં હતાં. હાલ કંપનીમાં થોડો પ્રોબ્લેમ હોય જેથી થોડી રાહ જોવા વિશ્વાસ આપતાં હતાં. આથી, વિશ્વાસમાં આવી ડેટા એન્ટ્રીનું કામ ચાલુ રાખતાં હતાં. આશ્ચર્યજનક બાબત એ છે કે, કંપનીના સંચાલકોએ વેબસાઇટ પર માસ્ટર સોલ્યુશન પ્રા. લી. કંપનીનું નામ બદલી માસ્ટર ડીજીટલ ટેકનોલોજી પ્રાઇવેટ લીમીટેડ નામ આપી દીધું હતું. તેમાં નડિયાદ, નડિયાદની આસપાસના આશરે 387 જેટલા ઓનલાઇન ગ્રાહકોએ આ કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું હતું. આ ઉપરાંત રાજ્યભરમાંથી 22 હજાર જેટલા થાપણદારોએ પણ રૂ.50 કરોડ કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. આમ કંપનીના સંચાલકોએ માસ્ટર સોલ્યુશન પ્રા. લી. તથા પાછળથી માસ્ટર ડીજીટલ ટેકનોલોજી પ્રા. લી. નામની ઓફિસ નડિયાદમાં શરૂ કરી મોટું કૌભાંડ આચર્યું હતું.
કેવી રીતે આચર્યું કૌભાંડ ?
માસ્ટર સોલ્યુશન પ્રા. લી. કંપની તથા પાછળથી માસ્ટર ડીજીટલ ટેકનોલોજી પ્રા. લી. નામની ઓફિસ શરૂ કરી તેમની વેબસાઇટ બનાવી હતી. આ વેબસાઇટ પર 6થી 8 ડીજીટના બાર કોર્ડ પ્રોજેક્ટમાં ડિપોઝીટની રકમ ઉપર જુદા જુદા રેડ ઓફ ઇન્કમનું વળતર તથા ઓનલાઇન એક બાર્ડકોટ દીઠ રૂ.1 મળશે. તેવી ડેટા એન્ટ્રીની જાહેરાત મુકી રોજગાર વાંચ્છુ પાસેથી ડિપોઝીટ મેળવી હતી. બાદમાં 11 મહિનાનો ડિઝીટલ કરાર કરી વેબસાઇટ તથા મોબાઇલ એપ્લીકેશનમાં લોગઇન આઈડી તથા પાસવર્ડ આપે તેમાં બારકોર્ડની ઓનલાઇન ડેટા એન્ટ્રી કરાવી તેના રૂપિયા તથા ડિપોઝીટની રકમ ઓળવી ગયાં હતાં.
પોલીસે કોની કોની સામે ગુનો નોંધ્યો ?
– માસ્ટર ડીજીટલ ટેકનોલોજી કંપનીનો સીંગ નામનો પાર્ટરન
– રાહુલ વાઘેલા
– મિતુલ મેનેજર
– ચિરાગ મેનેજર
(તમામ રહે. ડભાણ રોડ, શુભમ પાર્ટી પ્લોટની સામે, વૃંદાવન સોસાયટીની આગળ આવેલા શોપીંગમાં દુકાન નં.111માં આવેલી ઓફિસ).
જેટલુ વધુ રોકાણ એટલી વધુ એન્ટ્રીનું કામ મળતું હતું
માસ્ટર સોલ્યુસન પ્રા. લી. દ્વારા રૂ.15 હજારથી રૂ.એક લાખ સુધી ડિપોઝીટ ભરનારને કામ આપવામાં આવતું હતું. તેમાં 15 હજાર ભરનારને 200 ડેટા એન્ટ્રીનું કામ અને રૂ.એક લાખ ઇન્વેસ્ટ કરનારને એક હજાર ડેટા એન્ટ્રીનું કામ મળતું હતું. તેમાં એક એન્ટ્રી સાચી હોય તો એક રૂપિયો ચુકવતાં હતાં. પરંતુ ખોટી હોય તો એક રૂપિયો કાપી પણ નાંખતાં હતાં.