Madhya Gujarat

લુણાવાડા જનરલ હોસ્પિટલમાં મંત્રીએ મુલાકાત લેતાં દોડધામ

મલેકપુર : લુણાવાડા સ્થિત જનરલ હોસ્પિટલની એકાએક આરોગ્યમંત્રીએ મુલાકાત લેતાં દોડધામ મચી ગઈ હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ દર્દીઓ સાથે સીધો સંવાદ કરી તબીબો, દવાના જથ્થા અને સાધનોની સગવડ વિશે પુછપરછ કરતાં બાબુઓ પણ થોડા સમય માટે હેબતાઇ ગયાં હતાં. રાજયના આરોગ્ય રાજય મંત્રી નિમિષાબેન સુથારએ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાની જનરલ હોસ્પિટલ સહિત બારેલા, કડાણા, સંતરામપુર સહિત વિવિધ સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની આકસ્મિક મુલાકાત લીધી હતી.

આરોગ્ય રાજય મંત્રી નિમિષાબેન સુથારની આ આકસ્મિક મુલાકાતથી આરોગ્ય તંત્ર સર્તક બન્યું હતું. તેમાંય આ મુલાકાત દરમિયાન જનરલ હોસ્પિટલ, લુણાવાડા સહિત સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના દર્દીઓ સાથે સીધો સંવાદ સાધી તેઓની સાથે વાર્તાલાપ કરી તેઓને સારવારમાં કોઇ તકલીફ પડે છે કે કેમ ? કયા-કયા સાધનો ઉપલબ્ધ છે ?  કેટલા તબીબો છે ? સ્ટાફ સહિત ઉપલબ્ધ દવાઓનો જથ્થા સહિત હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં આપવામાં આવેલી સારવાર-નિદાન અને સ્ક્રિનીંગની વિગતો મેળવી હતી.

આમ આરોગ્ય રાજય મંત્રીએ તબીબો અને આરોગ્ય ટીમોને જે જવાબદારીઓ સોંપવામાં આવી છે, તે માટે તેઓ બંધાયલા હોઇ તેઓએ તેમના હૃદય ઉપર હાથ રાખીને પ્રજાજનોની સેવા કરતા રહેવાની જરૂરિયાત ઉપર ભાર મૂકી તમામને તેઓની જવાબદારીઓ સમયમર્યાદામાં કર્તવ્ય અને નિષ્ઠાથી બજાવવી પ્રજાની સેવા કરવાની શીખ આપી હતી. આ મુલાકાત દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ પાસેથી ટેલિ મેડીસીન, નિરામય ગુજરાત, આયુષ્યમાન કાર્ડ અન્વયે કરવામાં આવેલી કામગીરીની વિગતો મેળવી હતી. તેમજ તબીબો, નર્સિગ સ્ટાફ અને આરોગ્યના અધિકારીઓ સાથે આરોગ્યની સેવાઓને લગતા વિવિધ સૂચનો કરી ચર્ચા-વિચારણ કરી જરૂરી વિગતો મેળવી હતી.

Most Popular

To Top