
2026માં જે સ્માર્ટફોન આવશે તેમાં પ્રોસેસર ફાસ્ટ થશે. કેમેરા લેન્સમાં પણ પરિવર્તન આવશે. સાઈબર સુરક્ષા AI બેઝ્ડ થશે. 5000 mAhની બેટરી ભૂતકાળ થઈ જશે. આમ તો હવે મોટાભાગની કંપનીઓ 4500થી 5000ની બેટરી આપતી નથી, છતાં 2026માં તો માર્કેટમાં આવી રહેલા 90% સ્માર્ટફોન્સમાં 7000 પ્લસ mAhની બેટરી જ જોવા મળશે.
AIની આ વર્ષે આવતા ફોન્સમાં મોટી ભૂમિકા હશે. કેટલાય ફીચર્સ ઓપરેટ કરવા માટે AI ટૂલ્સ ઉપયોગી થઈ પડશે. અત્યાર સુધી જે એપ્સ બેઝ્ડ AI છે તેનું સ્થાન આ વર્ષે ફોનમાં ઓપરેટિંગ સિસ્ટમમાં AI ટૂલ્સ લેશે. કોલ્સ, મેસેજ, ફોટો, વીડિયો અને સર્ચ સહિતના ફીચર્સમાં મોબાઈલના AI ટૂલ્સની અસર જોવા મળશે. જે નંબર પરથી સતત ફોન્સ આવશે તે તમે સેવ નહીં કરો તો પણ એનું નામ બતાવવા માંડશે. જે નંબરમાંથી સતત ફોન આવશે એ તમારા પ્રાયોરિટી લિસ્ટમાં રહેશે. મેસેજ વાંચી દેવાથી લઈને સર્વિસ મેસેજ ડિલિટ કરવા હશે તો એ માટે તમારે બહુ માથાકૂટ કરવી નહીં પડે. માત્ર ફોનને કમાન્ડ જ આપવાનો રહેશે.
ફોન દરમિયાન રિયલ ટાઈમ વોઈસ ટ્રાન્સલેશનથી લઈને સેકન્ડમાં ડોક્યુમેન્ટ્સ શોધી આપવાથી માંડીને મીટિંગની સમરી, સ્માર્ટ ફોટો એડિટિંગ ટૂલ્સ, રિમાઈન્ડર્સ વગેરે AIથી સરળ બનશે. અત્યાર સુધી ચેટજીપીટી, જેમિનાઈ વગેરે એપ્સની મદદથી જે કામ થતું હતું એ જ કામ હવે મોબાઈલમાં કંપનીઓએ જે AI એજન્ટ મૂક્યા હશે તે કરી આપશે.
અત્યારે આપણે AI ઈમેજ બનાવવા માટે એપ્સની મદદ લેવી પડે છે. ઘણી કંપનીઓ આ વર્ષે ફોટો સાથે એવું ટૂલ જોડી રહી છે જે તમે આપેલી ઈમેજના આધારે વિવિધ ઈફેક્ટ્સની ઈમેજ બનાવી આપશે. તે એટલે સુધી કે તમારે પ્રોમ્પ્ટ આપીને ઈમેજ બનાવવી હશે તો સુવિધા પણ મોબાઈલ આપશે. તે ઉપરાંત અત્યાર સુધી આઈફોનમાં ગેલેરી જે રીતે આપમેળે મેનેજ થતી હતી એવું હવે લગભગ 20 હજારની કિંમતમાં મળતા મોબાઈલમાં પણ થવા માંડશે. ફેસના આધારે ગેલેરી સ્વયં મેનેજ થાય છે એવું ફીચર ઉમેરાશે તો ગેલેરીના સેંકડો ફોટોમાંથી ચોક્કસ વ્યક્તિના ફોટો શોધવાનું આસાન બનશે. ટૂંકમાં, તમારા નવા ફોનમાં AIનો દબદબો વધશે.
આ વર્ષમાં જે મહત્ત્વનું પરિવર્તન જોવા મળશે એમાં મલ્ટિ સ્ક્રીન નોંધપાત્ર બનશે. મલ્ટિ સ્ક્રીનને આપણે પ્રચલિત અર્થમાં ફોલ્ડેબલ ફોન્સ કહીએ છીએ. 2026માં ફોલ્ડેબલ ફોન્સની ડિમાન્ડ વધશે. ડિમાન્ડ વધશે એટલે માર્કેટમાં એવા ફોન્સ વધુ માત્રામાં આવશે. કેટલીય કંપનીઓ 2025માં ફોલ્ડેબલ ફોન્સ આપી ચૂકી છે. આ વર્ષે જે કંપનીઓ બાકી રહી ગઈ છે એ પણ મલ્ટિ સ્ક્રીન ફોન્સ લઈને આવશે.
સેટેલાઈટ ઈન્ટરનેટ કનેક્ટ થઈ જાય એવા સ્માર્ટફોન માર્કેટમાં આ વર્ષે આવશે. સેટેલાઈટ ઈન્ટરનેટ અત્યારે સૌને મોંઘું લાગે છે, પરંતુ ભવિષ્યમાં એના યુઝર્સ વધશે. મોબાઈલ એવા બનશે કે તમારે સેટેલાઈટ ઈન્ટરનેટનો ઉપયોગ કરવો હશે તો તમે કરી શકશો. ઘણી કંપનીઓ પાછળના કવરને એવી રીતે ડિઝાઈન કરી રહી છે.
2026માં ખૂબ જરૂરી એક પરિવર્તન આવશે પર્યાવરણ ફ્રેન્ડલી ડિઝાઈન. ક્લાઈમેટ ચેન્જ હવે ક્લાઈમેટ ક્રાઈસિસ બની ગઈ છે ત્યારે ટેક્નોલોજી સસ્ટેનેબલ હોય તે દિશામાં વ્યાપક પ્રયોગો થઈ રહ્યાં છે. એમાં સસ્ટેનેબલ ડિઝાઈન અને મટિરિયલ મુખ્ય છે. મોબાઈલ એવા મટિરિયલમાંથી બનશે કે જે રિસાઈકલ થઈ શકે. અત્યારે ઈ-વેસ્ટથી દુનિયામાં હાહાકાર મચી ગયો છે. એ ઈ-વેસ્ટને પહોંચી વળવાનું કામ કપરું થતું જાય છે ત્યારે મોબાઈલ કંપનીઓ પણ સસ્ટેનેબલ મોબાઈલ પ્રોડક્શન તરફ વળી છે.
ભારતમાં ગેમર્સ વધતા જાય છે. આ વર્ષના અંતે દેશમાં 60 કરોડ ગેમર્સ છે. તેના કારણે ગેમિંગ ફોન્સ હવે મેઈનસ્ટ્રીમમાં આવશે. મોબાઈલ મેકર્સ કંપનીઓ ભારતના મોટા ગેમિંગ માર્કેટને ધ્યાનમાં રાખીને ગેમિંગ ફ્રેન્ડલી મોબાઈલ ફોન લાવી રહી છે. કુલિંગ ફેન્સ, શોલ્ડર ટ્રિગર્સ, RGB લાઈટિંગ, સ્ક્રીન રિફ્રેશ જેવા કન્ફિગ્રેશન હવે મોબાઈલમાં મળતાં થશે. આવા ફોન્સ થોડાં મોંઘા હશે, પરંતુ ભારતનું માર્કેટ તેના માટે સજ્જ છે. • આનંદ ગાંધી