પાકિસ્તાન: પાકિસ્તાનના (Pakistan) પંજાબમાં (Punjab) મંગળવારે એક પેસેન્જર બસ (Bus) અને ઓઈલ ટેન્કર (Oil Tanker) વચ્ચેની અથડામણમાં લગભગ 20 લોકોના મોત (Death) થયા છે. ત્રણ દિવસમાં આ બીજો મોટો માર્ગ અકસ્માત છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના લાહોરથી લગભગ 350 કિમી દૂર મુલ્તાનમાં એક ‘મોટર-વે’ પર બની હતી. ઈમરજન્સી સર્વિસ ‘રેસ્ક્યૂ 1122’ના પ્રવક્તાએ જણાવ્યું કે, “લાહોર-કરાચી બસ અને ઓઈલ ટેન્કર વચ્ચેની અથડામણમાં 20 લોકોના મોત થયા છે. ટક્કર બાદ બસમાં આગ લાગી હતી, જેના કારણે મુસાફરો આગની લપેટમાં આવી ગયા હતા. આ સાથે જ તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તેમણે કહ્યું, “અકસ્માતમાં જીવ ગુમાવનારા કેટલાક લોકોના મૃતદેહ સંપૂર્ણપણે સળગી ગયા હતા અને તેમની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. તેમના મૃતદેહને ડીએનએ ટેસ્ટ માટે પરિવારને સોંપવામાં આવશે.
- પાકિસ્તાનના પંજાબમાં બસ અને ઓઈલ ટેન્કર વચ્ચે અથડામણ
- અકસ્માતમાં બંને વાહનોમાં આગ લાગી
- આગની લપેટના કારણે બસમાં સવાર મુસાફરો જીવતા સળગી ગયા
- 20 લોકો જીવતા દાઝી ગયા, ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા
- ત્રણ દિવસ પહેલા જ એક માર્ગ અકસ્માત થયો હતો
અકસ્માત બાદ બંને વાહનોમાં આગ લાગી
અકસ્માત બાદ બંને વાહનો આગની લપેટમાં આવી ગયા હતા, જેના કારણે બચાવ કામગીરી હાથ ધરવામાં બચાવ અને ફાયર બ્રિગેડની ટીમોને ઘણી મુશ્કેલી પડી હતી. પંજાબના મુખ્યપ્રધાન પરવેઝ ઈલાહીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને સંબંધિત આરોગ્ય અધિકારીઓને ઘાયલોને વધુ સારી સારવાર આપવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે વહીવટીતંત્રને અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને મૃતકોની ઓળખ કરવામાં મદદ કરવા પણ કહ્યું છે.
ત્રણ દિવસ પહેલા પણ થયો હતો ગંભીર અકસ્માત
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શનિવારે એક ટ્રક અને બસ વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યાં અકસ્માત થયો હતો તે રસ્તા પર વરસાદી પાણી જમા થઈ ગયા હતા. અકસ્માત પછી, બસ શેરડીના ઢગલા હેઠળ દટાઈ ગઈ હતી અને બચાવ ટીમને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં ઘણો સમય લાગ્યો હતો.