વડોદરા: ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતી ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. બીજી તરફ બુટલેગરો પણ શહેરમાં દારૂ ઘુસાડવા અવનવા નુસ્ખાઓ અપનાવતા રહે છે. ત્યારે શહેરમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડવા સિમેન્ટ કોંક્રિટ મિક્સર ટ્રકની ઉપયોગ કરવામાં આવ્યો હતો.
શહેરમાં શનિવારે મોડીરાત્રે પોલીસની નાક નીચે રૂ. 13.99 લાખ રૂપિયાના વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું. જેની જાણ શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનને થતા કટિંગ થઈ રહેલી જગ્યાએ પોલીસ ત્રાટકી હતી અને સિમેન્ટ કોંક્રિટ મિક્સર ટ્રકમાં છૂપાવેલો લાખોનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો અને બે આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે બે બુટલેગર આરોપીને વોન્ટેડ જાહેર કર્યાં હતા.
શહેરની પાણીગેટ પોલીસ મથકના પીઆઇ કે.પી પરમારને બાતમી મળી હતી કે, વાઘોડિયા રોડ સ્થિત વૈકુંઠ સોસાયટી નજીક ગજાનંદ ફ્લેટ પાસે કુખ્યાત બુટલેગર વિક્રમ નટવરસિંહ ચાવડા(રહે, ગજાનંદ સોસાયટી, વાઘોડિયા રોડ) અને નિલેષ પટેલ(રહે, કિશનવાડી)ના માણસો વિદેશી દારૂ મંગાવીને કટિંગ કરી રહ્યા છે.
મળેલ બાતમીના આધારે પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતના સ્ટાફે વાઘોડિયા રોડ સ્થિત વૈકુંઠ સોસાયટી નજીક ગજાનંદ ફ્લેટ પાસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે એક સિમેન્ટ કોંક્રિટ મિક્સર ટ્રક અને એક મહિન્દ્રા લોગન કાર જપ્ત કરી હતી. જપ્ત કર્યાબાદ પોલીસ ટ્રકને પાણીગેટ પોલીસ સ્ટેશન લાવી હતી.
જેમાંથી ટોક્સિસ દરમિયાન 13.99 લાખ રૂપિયાની કિંમતની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે ટ્રકમાં દારૂની હેરાફેરી કરનાર પ્રતિક ઉર્ફે ગોબો રમેશચંદ્ર ભટ્ટ(રહે, સ્લમ ક્વાર્ટ્સ, બાવચાવડ, પાણીગેટ, વડોદરા), અને વિરલ વિક્રમભાઇ મિસ્ત્રી,(રહે, વાડી, ભાંડવાડા, વડોદરા)ની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. આ ઉપરાંત પોલીસે બંને આરોપીઓ પાસેથી 13.99 લાખ રૂપિયાની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો, 15 લાખની કિંમતનું સિમેન્ટ કોંક્રિટ મિક્સર ટ્રક, 5 લાખની કિંમતની કાર, રોકડા 42 હજાર રૂપિયા, 6 મોબાઇલ ફોન સહિત કુલ 34,71,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત કુખ્યાત બુટલેગર વિક્રમ નટવરસિંહ ચાવડા (રહે, ગજાનંદ ફ્લેટ, વાઘોડિયા રોડ) અને નિલેષ પટેલ (રહે, કિશનવાડી)ને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે પ્રતીક, વિરલ, કુખ્યાત બુટલેગર વિક્રમ ચાવડા અને નિલેશ પટેલ સહિત અન્ય લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ કરી છે.
- પોલીસે ઝડપેલા મુદ્દામાલની વિગત
- # સિમેન્ટ મિક્સર ટ્રક ~ 15,00,000
- # મહિન્દ્રા લોગન કાર ~ 5,00,000
- # રોકડ રૂપિયા ~ 42,000
- # મોબાઈલ નંગ-6 ~ 30,000
- # કુલ મુદ્દામાલ ~ 34,71,200
ઝડપાયેલા જથ્થો ખાલી કરવા આખો સ્ટાફ કામે લાગ્યો
વાઘોડિયા રોડ પર કટિંગ થઇ રહેલા સ્થળ પરથી દારૂ ભેરેલા મિક્સર ટ્રકને પાણીગેટ પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. ત્યારબાદ આખા સ્ટાફને બહાર બોલાવીને સિમેન્ટ કોંક્રિટ મિક્સર ટ્રકમાંથી દારૂનો જથ્થો ખાલી કરવામાં આવ્યો હતો. જેમાં મિક્સર ટ્રકમાંથી પોલીસકર્મીઓને દારૂનો જથ્થો ખાલી કરવા માટે એક કલાકથી વધુ સમય લાગ્યો હતો.