વડોદરા : વડોદરા મહાનગરપાલિકા દ્વારા 19 ઈલેકશન વોર્ડમાં 19 વોર્ડ કચેરીઓ કાર્યરત કરાતા જ હવે વિસ્તારના વિકાસના કામોમાં સરળતા અને સુગમતા રહેશે લોકો કચેરીઓના ધક્કા ખાવામાંથી પણ બચશે. નવી 7 વોર્ડ કચેરીઓના પ્રારંભ સાથે જ તમામ વોર્ડમાં એક એક વોર્ડ કચેરીનો શુભારંભ કરાયો છે. વડોદરા શહેરમાં 19 ઇલેક્શન વોર્ડ છે જે સામે અગાઉ માત્ર 12 વહીવટી વોર્ડ કચેરીઓ કાર્યરાત હતી જેના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો ત્યારે લોકોની જટિલ સમસ્યા નું નિરાકરણ ઝડપી થાય અને સરળતાથી લોકોની મુશ્કેલીઓ દૂર થાય તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવી 7 વોર્ડ કચેરીઓની શરૂઆત કરવામાં આવી છે. આજે વિવિધ વિસ્તારોમાં મેયર, ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ અને મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓએ વડોદરામાં નવી કચેરીઓનો પ્રારંભ કરાવ્યો હતો. આમ 19 ઇલેક્શન વોર્ડ સામે 19 વહીવટી વોર્ડની નવી કચેરીઓના વોર્ડ ઓફિસરોએ પણ પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે.
વહીવટી વોર્ડ નં.5ની કચેરીનો સ્થાયી અધ્યક્ષના હસ્તે પ્રારંભ
વડોદરા શહેરમાં નવીન સાત વહીવટી વોર્ડ ઓફિસોની આજથી શરૂઆત કરવામાં આવી છે વોર્ડ નં.5 ખાતે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ સહિત સ્થાનિક કાઉન્સિલરની ઉપસ્થિતિમાં અને અધિકારીઓની હાજરીમાં પૂજા પાઠ સાથે નવી કચેરી કાર્યરત કરવામાં આવી હતી નવીન કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ડો. હિતેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે નવી સિસ્ટમથી નાગરિકોને એક જ કચેરીમાં પ્રશ્નોનું નિરાકરણ મળી જશે.
મેયર હસ્તે વોર્ડ નં.8-9ની કચેરીનો પ્રારંભ
વડોદરાના મેયર કેયુર રોકડિયાએ વોર્ડ નંબર 8 અને વોર્ડ નંબર 9ની કચેરીનો શુભારંભ કરાવ્યો હતો વોર્ડ નંબર 10મી કચેરી હવે વોર્ડ નં.8 ની કચેરી બની છે જ્યારે વોર્ડ નં. 10 ની જુની કચેરીમાં વોર્ડ નંબર 9ની ઓફિસ શરૂ કરવામાં આવી છે ત્યારે ઓફિસમાં પ્રારંભ સાથે જ લોકોને તકલીફો અને અગવડતા દૂર થશે તેવો મેયરે દાવો કર્યો હતો
નવી વહીવટી વોર્ડ કચેરીમાં સંકલન જળવાય તે હેતુથી બેઠકનું આયોજન
કોર્પોરેશનની વડી કચેરી ખાતે મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બે અલગ બેઠક મળવા પામી હતી. કોર્પોરેશનની આવકમાં કઈ રીતે વધારો થાય , નવા આયોજન સંદર્ભે ચર્ચા વિચારણા તેમજ વોર્ડ કચેરીમાં પ્રજા, કાઉન્સિલર અને અધિકારીઓ વચ્ચે સંકલન રહે તે હેતુસર બેઠક મળવા પામી હતી. જેમાં કોર્પોરેશનના વોર્ડ ઓફિસર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, અને રેવન્યુ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.