SURAT

મિત્રોએ ના પાડી છતાં ઘરે જમવા જતા યોગીચોકના 18 વર્ષીય દિવ્યાંશુનું રસ્તામાં મોત થયું

સુરત: કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં પાસોદરાથી ખડસદ પાસે સોમવારે મોડી સાંજે એક્ઝિબિશન ચાલતું હતું તેનો ડોમ વાવાઝોડાના કારણે ઉડી ગયો હતો. ડોમ 18 વર્ષના યુવક પર પડતા યુવકનું મોત નિપજ્યું હતું. યુવક તેનું કામ પતાવીને ઘરે જઈ રહ્યો હતો ત્યારે જ આ ઘટના બની હતી. પરિવાર તેની રાહ જોતો જ રહી ગયો.

સિવિલ હોસ્પિટલ અને પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર યોગી ચોકમાં શિવધારા સોસાયટીમાં વિરેન્દ્ર મોરડિયા પરિવાર સાથે રહે છે. રત્ન કલાકાર તરીકે કામ કરતા વિરેન્દ્ર મોરડિયાના પરિવારમાં પત્ની અને એકનો એક દીકરો દિવ્યાંશું ( 18 વર્ષ) છે. દિવ્યાંશું ઇલેક્ટ્રીક બાઈકની કંપનીમાં સર્વિસ વિભાગમાં નોકરી કરીને પરિવારને મદદરૂપ થતો હતો. સેવક એજ્યુકેશન ટ્રસ્ટ નિયમિત સમયાંતરે કોઈને કોઈ કાર્યક્રમ તેમજ એક્ઝિબિશનનું આયોજન કરતું હોય છે.

સોમવારે પાસોદરા પાસે ખડસદ ગામ ખાતે એબીસી કેમ્પસમાં સેવક એજ્યુકેશન ટ્રસ્ટનો કાર્યક્રમ હતો. ત્યાં વિવિધ સ્ટોલ લાગેલા હતા. તેમાં દિવ્યાંશું જે ઇલેક્ટ્રીક કંપનીમાં નોકરી કરે છે તે કંપનીનો પણ સ્ટોલ હતો. ગતરોજ સાંજે નોકરી પુર્ણ કરીને દિવ્યાંશું જમવા માટે ઘરે જવા નીકળ્યો હતો. તેજ સમયે વાવાઝોડું આવ્યું હતું અને ડોમ ઉડીને દિવ્યાંશુ પર પડ્યો હતો.

ડોમ તેની છાતી પર જ પડતા છાતી પર વજન આવી ગયું હતું. તેને સારવાર માટે સરથાણાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો પરંતુ ત્યાં ડોક્ટરોએ ના પાડતા સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો હતો. ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ બોડીને સ્મીમેર હોસ્પિટલમાં જ રાખવામાં આવી હતી. આજરોજ નવી સિવિલ હોસ્પિટલમાં તેનું પોસ્ટ મોર્ટમ થયું હતું. આગળની તપાસ કામરેજ પોલીસ કરી રહી છે.

સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરોએ માનવતા નેવે મુકી, પોસ્ટમોર્ટમ કરવાનો ઇનકાર કર્યો
દિવ્યાંશુના પરિવારને સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરોનો ખરાબ અનુભવ થયો હતો. ડોક્ટરોની બેદરકારી અને આળસના કારણે પરિવારજનોને જુવાન દીકરા દિવ્યાંશુની બોડી લઈને આમથી તેમ ફરવું પડ્યું હતું. સ્મીમેર હોસ્પિટલના તબીબોએ આજ રોજ એવું કહીને પોસ્ટ મોર્ટમ કરવાનો ઇનકાર કરી દીધો હતો કે આ કામરેજ પોલીસ સ્ટેશનની હદનો બનાવ હોવાથી તેઓ પોસ્ટમોર્ટમ કરેશે નહીં. ત્યારબાદ બોડીને નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. નવી સિવિલના ડોક્ટરોએ પરિવારની સ્થિતિ જોઈને તાત્કાલિક પોસ્ટ મોર્ટમ કરી આપ્યું હતું.

મિત્રોએ ઘરે જવાની ના પાડી હતી…….
દિવ્યાંશુ મોરડિયા બાઇક કંપનીમાં નોકરી કરે છે. બાઇક કંપનીનો સ્ટોલ હતો. આખો દિવસ નોકરી પુર્ણ કરીને દિવ્યાંશું ઘરે જમવા જવાનો હતો. ત્યારે તેના મિત્રોએ કહ્યું કે અહીં જમવાની વ્યવસ્થા છે તેથી ઘરે જમવા નહીં જાય અને અહીં જ જમી લે. પરંતુ દિવ્યાંશુએ કહ્યું કે તે ઘરે જ જમશે. તે ઘરે જવા નીકળ્યો અને આવો બનાવ બન્યો હતો. દિવ્યાંશું ઘરેથી જમીને પરત ખુડસદ એક્ઝિબિશનમાં સેવા માટે જવાનો હતો.

Most Popular

To Top