National

જમ્મુમાં રહસ્યમયી બિમારીથી 17 લોકોના મોતઃ આ ગામને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયું

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં એક રહસ્યમય રોગ ફેલાવાથી હંગામો મચી ગયો છે. આ ગંભીર બીમારીના કારણે રાજૌરી ડિવિઝનના અંતરિયાળ બાધલ ગામમાં અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા તમામ 17 લોકો ત્રણ અલગ-અલગ પરિવારના છે. તકેદારી લેતા સરકારે સમગ્ર ગામને કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યું છે.

કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કર્યા પછી આ ગામના લોકો કોઈપણ જાહેર અથવા ખાનગી કાર્યક્રમનું આયોજન કરી શકશે નહીં અને તેઓ કોઈપણ કાર્યક્રમમાં ભાગ લઈ શકશે નહીં. આટલી મોટી સંખ્યામાં લોકોના જીવ જવા છતાં એક વ્યક્તિ હજુ પણ આ બીમારીથી પીડિત છે અને તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

રાજૌરીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રાજીવ કુમાર ખજુરિયાએ ગામને ત્રણ કન્ટેઈનમેન્ટ ઝોનમાં વિભાજીત કરવાનો આદેશ જારી કર્યો છે. પ્રથમ વિસ્તારમાં તે તમામ પરિવારોનો સમાવેશ થાય છે જેમના ઘરોમાં મૃત્યુ થયા છે. જે લોકો રહસ્યમય રોગથી પ્રભાવિત લોકોના સંપર્કમાં આવ્યા છે તેમને બીજા કન્ટેઈનમેન્ટ ઝોનમાં રાખવામાં આવશે. આ લોકો પર સતત નજર રાખવામાં આવશે. તેમને રાજૌરીની સરકારી મેડિકલ કોલેજમાં ટ્રાન્સફર કરવામાં આવશે અને ત્યાં જવું ફરજિયાત રહેશે.

આ સિવાય કન્ટેનમેન્ટ ઝોન-3 પણ બનાવવામાં આવ્યો છે, જેમાં બાકીના ઘરોને આવરી લેવામાં આવશે. આ તમામ ઝોનમાં રહેતા લોકો માટે ખોરાક અને પાણીની દેખરેખ માટે કામદારો પણ તૈનાત કરવામાં આવશે. આદેશનું સંપૂર્ણ પાલન થાય તે માટે પોલીસ કર્મચારીઓ પણ તૈનાત રહેશે.

આ ઉપરાંત લોગ બુકની જાળવણી માટે અધિકારીઓ પણ તૈનાત રહેશે. જે પરિવારોએ રોગના કારણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમના ઘરોને સીલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે, ત્યારબાદ પરિવારના સભ્યો સહિત કોઈને પણ ઘરની અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં. ઘર સીલ કર્યા પછી, ફક્ત અધિકૃત કર્મચારીઓ અને અધિકારીઓ જ તેમાં પ્રવેશ કરી શકશે.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNS)ની કલમ 163 હેઠળ ગામને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. આ વિભાગ મેજિસ્ટ્રેટને કટોકટીની પરિસ્થિતિઓમાં લેખિત આદેશો આપવાનો અધિકાર આપે છે.

Most Popular

To Top