GANDHINAGAR : આજે વિધાનસભામાં વર્ષ ૨૦૨૧-૨૨ની જળસંપત્તિ વિભાગની સિંચાઇ અને ભૂમિ સંરક્ષણ માટે મહેસુલની રૂ.૧૧૪૪ કરોડ અને મુડી હેઠળ રૂ. ૩૮૨૭ કરોડની અંદાજપત્રિય જોગવાઈ મંજૂર કરાઈ હતી. જળ સંપત્તિ વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ( NITIN PATEL) કહ્યું હતું કે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ૬૯% પાણીની ઉપલબ્ધિ છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં ફકત ૧૧%, સૌરાષ્ટ્રમાં ૧૭% અને કચ્છમાં ૩% પાણીની ઉપલબ્ધિ છે. ગત વર્ષે ૨૦૨૦માં રાજ્યમાં ઘણા સારા પ્રમાણમાં વરસાદ થયો છે, જેના કારણે રાજ્યનાં ૨૦૪ જળાશયોમાં ૧૫૧૨૮ મિલિયન ઘનમીટર પાણીનો જથ્થો ચોમાસા દરમ્યાન સંગ્રહ થયો છે તેમજ નર્મદા ડેમ પણ ઓવરફલો થયો હતો. આ જથ્થો છેલ્લા ૧૧ વર્ષમાં આ જળાશયોમાં સંગ્રહ થયેલા જથ્થાની સરખામણીમાં સૌથી વધુ છે.
તેમણે કહ્યું હતું કે આદિજાતિ વિસ્તારના ખેડૂતોને પણ સિંચાઈની સુવિધા ઉપલબ્ધ બનાવવા માટે પણ ખાસ આયોજન સરકારે કર્યુ છે. આદિજાતિ વિસ્તારમાં વસતા અનુસુચિત જનજાતિના લોકો માટે કુલ રૂ. ૧૩૪૯ કરોડની બજેટ જોગવાઇ કરેલ છે. આ વિસ્તારોમાં ૧૩ મોટી ઉદવહન સિંચાઇ યોજનાઓ રૂ. ૫૦૪૨ કરોડના ખર્ચે હાથ ધરી છે. આ યોજનાઓથી ૧૧ જિલ્લાના ૩૧ તાલુકાના ૭૯૩ ગામોના ૩,૪૮,૮૧૦ એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આ ૧૩ યોજનાઓમાંથી ૩ (ત્રણ) યોજનાઓ પુર્ણ થઈ છે, જ્યારે ૧૦ (દસ) યોજનાઓ પ્રગતિ હેઠળ છે. જેમાં કુલ ૭૪ તળાવો અને ૧૨ નદીઓ, કાંસમાં પાણી ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકો, સુરત જિલ્લાનો માંગરોળ તાલુકો અને ભરૂચ જિલ્લાના ઝઘડિયા, વાલિયા, અને નેત્રંગ તાલુકા માટે કરજણ જળાશય આધારિત રૂ. ૪૧૮ કરોડ કિંમતની પાઇપ લાઇન યોજનાની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ યોજના પુર્ણ કરવા માટે રૂ. ૩૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેનાથી ૧૮૫૦૦ એકર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે.
પટેલે જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં રૂ.૫૯૦ કરોડના ખર્ચે કાકરાપાર-ગોરધા-વડ ઉદ્વહન પાઇપલાઇન યોજનાથી માંગરોળ અને માંડવી તાલુકાના આશરે ૪૮૯૦૦ એકર વિસ્તારને સિંચાઇના લાભો ઉપલબ્ધ થયા છે. જેના માટે રૂ.૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ઉકાઇ જળાશય આધારિત સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુંકરમુંડા તાલુકાના અંદાજે ૬૭૨૦૦ એકર વિસ્તારને લાભ આપવા માટેની રૂ. ૯૬૨ કરોડના ખર્ચે સોનગઢ–ઉચ્છલ–નિઝર ઉદ્દવહન પાઇપલાઇન નંખાશે. જેના માટે રૂ. ૩૩૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સુરત જિલ્લાના ઉમરાપાડા તથા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કુલ ૭૩ ગામોના ૫૩૭૦૦ એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધાનો લાભ આપવા માટે રૂ. ૭૧૧ કરોડની તાપી-કરજણ લીંક પાઇપલાઇન યોજનાના કામો પ્રગતિ હેઠળ છે, જેના માટે રૂ. ૧૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.