સુરતઃ શહેરમાં દિવાળીનીઓ રજાઓ શરૂ થવાની સાથે જ પાર્ટીઓનો દોર શરૂ થઈ ગયો છે. પ્રી દિવાલી સેલિબ્રેશનના નામ પર ઠેરઠેર પાર્ટીઓના આયોજનો થઈ રહ્યાં છે. આ પાર્ટીઓમાં દારૂની છોળો ઉડતી હોય છે. ત્યાર બાદ મોડી રાત સુધી ડાન્સ થતો હોય છે. થોડા સમય પહેલાં એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બુટેલગર સાથે ડુમસ સાયલન્ટ ઝોનમાં દારૂની પાર્ટી મનાવતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. હવે પાલ-દાંડી રોડના ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ પકડાઈ છે.
રવિવારની રાત્રે પાલ દાંડી રોડના એક મોટા ફાર્મ હાઉસમાં શહેરના કેટલાંક બિલ્ડર અને નબીરાઓ દ્વારા પાર્ટીનું આયોજન કરાયું હતું. અહીં દારૂ પીવાનો મુખ્ય કાર્યક્રમ હતો. દારૂની પાર્ટી અંગે બાતમી મળતા પાલ પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે દરોડા પાડતા પાર્ટીમાં નાસભાગ મચી ગઈ હતી. પાછલા દરવાજે ખેતરોમાં નબીરાઓએ ભાગવા પ્રયાસ કર્યો હતો.
તેમ છતાં પોલીસે 17 જેટલાં બિલ્ડર, નબીરાઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આ 17 પૈકી 16 જણા રાજાપાઠમાં હતાં. બધા મોટા ઘરના હતા. લક્ઝુરીયસ કાર લઈ ફાર્મ હાઉસ પર દારૂ પીવા પહોંચ્યા હતા. તેઓને પોલીસ સ્ટેશન લઈ જવાયા ત્યારે ઓળખ છુપાવવાના હેતુથી મીડિયા સામે રૂમાલ અને માસ્કથી ચહેરા છુપાવતા નજરે પડ્યા હતા.
પોલીસ સૂત્રોએ કહ્યું કે, પાલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા દાંડી રોડ પર સ્થિત ભરવાડ વાસની પાસે આવેલા ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલતી હતી. જેની બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. પાર્ટીના રંગમાં ભંગ પડ્યો હોય તેમ ભાગવાનો પ્રયત્ન કરે તે અગાઉ 17 નબીરાઓને ઝડપી લીધા હતાં. જેમાંથી 16 જેટલા નબીરાઓ રાજાપાઠમાં હોવાનું સામે આવ્યું હતું.
આરોપીઓ મહેફિલ માણવા માટે પોતાની લક્ઝુરિયસ કાર લઈને ફાર્મ હાઉસ ખાતે ગયા હતાં. હાલ પોલીસે મુદ્દામાલ સહિત નબીરાઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાંથી 16 નબીરા પીધેલી હાલતમાં મળ્યા હતાં. તમામ નબીરાઓ મોટા ઘરના હોવાથી પોલીસ સ્ટેશનમાં પોતાના ચહેરા છુપાવવા કોઈ હાથ રૂમાલને ચહેરા પર બાંધીને ઉભા રહ્યા હતા તો કોઈ પોતાના ચહેરા નીચે ઝૂકાવીને ઉભેલી હાલતમાં મળ્યા હતાં.