લખનઉ: મંગળવારની સાંજે ઉત્તરપ્રદેશની (UP) રાજધાની લખનઉમાં (Lakhnaw) આવેલા હઝરતગંજ વિસ્તારમાં એક બહુમાળી ઈમારત એકાએક ધરાશાયી (Building Collapsed) થઈ હતી. લખનઉમાં આ પ્રકારની પહેલી ઘટના બની હોય અફરાતફરી મચી ગઈ હતી. સાંજથી જ ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન (Rescue Operation) શરૂ કરી દેવાયું હતું, જે આખી રાત ચાલ્યું હતું. સવાર સુધીમાં ઈમારતના કાટમાળમાંથી 14 લોકોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે હજુ પણ કાટમાળમાં 3થી 4 લોકો દબાયા હોવાની આશંકાના પગલે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. આ અકસ્માતમાં કોઈના મોતના સમાચાર નથી.
સિલિન્ડરની મદદથી કાટમાળમાં ફસાયેલા લોકોને ઓક્સિજન પહોંચાડાયો
આ ઇમારતનું નામ ખનૌ બિલ્ડિંગ હતું. તેમાં કેટલાંક લોકો કામ કરી રહ્યાં હતાં. બિલ્ડિંગ ધરાશાયી થતા તેમાં લોકો દટાઈ ગયા હતા. તંત્રના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 14 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે પરંતુ હજુ 3થી 4 લોકો કાટમાળમાં ફસાયેલા હોઈ શકે છે. તેઓના અવાજ બહાર આવી રહ્યાં છે. તેથી NDRFની ટીમ દ્વારા બચાવ કાર્ય કરવામાં આવી રહ્યો છે. ડોક્ટરો પણ રાત્રિથી જ ઘટના સ્થળે પહોંચી ગયા છે. સિલિન્ડરની મદદથી કાટમાળ નીચે ફસાયેલા લોકો સુધી ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે.
સતત 12 કલાક કરતા વધુ સમયથી ચાલી રહી છે બચાવ કામગીરી
ઉત્તર પ્રદેશના ડીજીપીએ કહ્યું કે લખનૌ દુર્ઘટનામાં 12 કલાકથી સતત બચાવ કાર્ય ચાલી રહ્યું છે. જેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેઓ સુરક્ષિત છે. હજુ સુધી આ મામલે FIR નોંધવામાં આવી નથી. આરોપીની ધરપકડ કરવાની બાકી છે. બિલ્ડિંગ ધરાશાયી થવા પાછળના કારણો પણ જાણી શકાયા નથી. જાણકારી મળતા જ ઘટનાસ્થળે પહોંચેલા નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે જણાવ્યું હતું કે લખનઉના હઝરતગંજ વિસ્તારમાં વજીર હસન માર્ગ પર બહુમાળી ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં બચાવ કામગીરી ચાલી રહી છે.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
શું હતી ઘટના?
યુપીની રાજધાની લખનૌમાં મંગળવારે સાંજે મોટી દુર્ધટના બની હતી. લખનૌના વજીર હસનગંજ રોડ ઉપર એક પાંચ માળની રહેણાંક ઈમારત એકાએક ઘરાશયી થઈ હતી. જે ઈમારત ધરાશયી થઈ છે તેનું નામ અલાયા એપાર્ટમેન્ટ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માત બાદ તરત જ SDRF અને NDRF ટીમોને ઘટનાસ્થળે મોકલવા સૂચના આપી હતી. NDRFની વધારાની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને 45 જવાન રાહત અને બચાવ કાર્યમાં જોતરાયા હતા.