તમિલનાડુ: તમિલનાડુના (Tamil Nadu) તંજાવુરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીંના એક મંદિરમાં (Temple) તહેવાર દરમિયાન વીજ કરંટ લાગવાથી 11 લોકોના મોત (Death) થયા હતા. પોલીસનું કહેવું છે કે મંદિરથી નીકળતી રથયાત્રા (Rathyatra) દરમિયાન આ ઘટના બની હતી. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે.
તંજાવુર પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના કાલીમેડુના અપ્પર મંદિરમાં બની હતી. રથયાત્રા મંદિરની બહાર નીકળ્યા બાદ જ્યારે રથને આગળ લઈ જવાનો વારો આવ્યો ત્યારે ઘણા બધા વાયરોના કારણે રથ આગળ વધતો ન હતો અને રથ પલટી જતાં તે હાઇ-ટેન્શન લાઇનનો સંપર્કમાં આવ્યો હતો. હાઈ-ટેન્શન લાઈવ વાયરના સંપર્કમાં આવવાથી રથમાં આગ લાગી હતા. આ દુર્ઘટનામાં બે બાળકો સહિત 11 લોકોએ જીવ ગુમાવ્યો છે અને ત્રણ લોકો ઘાયસ છે.
દુર્ઘટનામાં ઘાયલોને તંજાવુરની જ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ ઝોનના આઈજી વી બાલકૃષ્ણન અને તંજાવુરના એસપી રાવલી પ્રિયા ઘાયલોને જોવા હોસ્પિટલ પહોંચ્યા હતા. અકસ્માતની જે તસવીરો સામે આવી છે તેમાં રથ સંપૂર્ણપણે સળગી ગયેલો જોઈ શકાય છે.
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના કાર્યાલયે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો માટે 5-5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે.