ગાંધીનગર-સુરત: ગુજરાતભરમાં (Gujarat) આજથી ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓનો (Board Exam) આરંભ થયો છે. જેમાં સુરત (Surat) સહિત જિલ્લામાં કુલ 589 પરીક્ષા કેન્દ્રો પરથી 1.60 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યાં વહેલી સવારે વાલીઓ પોતાના બાળકોને પરીક્ષા કેન્દ્ર સુધી છોડવા માટે આવ્યા હતા.
પરીક્ષાના પ્રારંભિક પ્રસંગે શાળા પરિવાર દ્વારા પણ વિદ્યાર્થીઓને ગુલાબનું પુષ્પ અને ચોકલેટ વડે મોઢું મીઠું કરાવી વેલકમ કરવામાં આવ્યા હતા. પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓના ચહેરા પર અતિ ઉત્સાહ અને સ્મિત છલકાઈ આવી હતી. હાલ ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઇ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી આપવામાં આવેલા આદેશોના પગલે તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીથી લઈ શરબત અને ORS સુધીની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જ્યારે દરેક શાળામાં એક આરોગ્યની ટીમ પણ સ્ટેન્ડ બાય મુકવામાં આવી છે.
9.30 કલાકે વિદ્યાર્થીઓને કેન્દ્રમાં પ્રવેશ અપાયો
આજથી શરૂ થયેલી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના પગલે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓને વાલીઓ શાળાએ પહોંચી ગયા હતા.જ્યાં શહેરની અલગ અલગ શાળાઓ બહાર વિદ્યાર્થીઓને વાલીઓનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અગવડ ના પડે તે માટે યોગ્ય બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જ્યાં સવારે 9:30 વાગ્યાના ટકોરે તમામ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
ગુલાબના ફૂલ આપ્યા, ચોકલેટથી મોંઢું મીઠું કરાવાયું
પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને આવકારવા સુરત જિલ્લા શિક્ષણ અધિકારી અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ શાળાએ પહોંચ્યા હતા. જ્યાં સુરતના પીપલોદ ખાતે આવેલી શારદાયતન સ્કૂલમાં જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ પરમાર અને ડીસીપી રાકેશ બારોટ દ્વારા વિદ્યાર્થીઓને વેલકમ કરવામાં આવ્યા હતા. બીજી તરફ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા શાળાના શિક્ષકો દ્વારા પણ વિદ્યાર્થીઓને ગુલાબનું પુષ્પ આપી ચોકલેટ વડે મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના ચહેરા પર પરીક્ષાને લઈને અતિ ઉત્સાહ અને અને સ્મિત જોવા મળી હતી.
બોર્ડની પરીક્ષા આપવા પહોંચેલા ઋષિકુમારોનું વૈદિક પરંપરાથી સ્વાગત કરાયું
બોર્ડની પરીક્ષા આપવા શ્રી સાંડિલ્ય ઋષિવેદ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો ધોતી-કૂર્તા પહેરી કેન્દ્રો પર પહોંચ્યા હતા. તેઓ સતત મંત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. ધોરણ 10ની પરીક્ષા આપવા જતા ઋષિ કુમારોને સંસ્કૃત પાઠશાળા તરફથી વૈદિક પરંપરાગત મુજબ શુભકામના પાઠવવામાં આવી હતી. ઋષિ કુમારો વૈદિક પરંપરાથી મંત્રોચ્ચાર સાથે તિલક કરી, સરસ્વતી માતાની પૂજા કરાવી અને ઋષિ કુમારોના પરંપરાગત વસ્તુઓ ધારણ કરાવી પરીક્ષા સેન્ટર સુધી ગયા હતા. ઋષિ કુમારો ધોતી, કુર્તો પહેરી પરંપરાગત બ્રાહ્મણ વેશમાં પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા.
સુરતની સ્કૂલમાં પશ્ચાતાપ પેટી મુકાઈ
સુરતમાં કોઈ વિદ્યાર્થી ચોરીના ઈરાદે કાપલી લાવ્યા હોય તો તે ક્લાસરૂમ બહાર મુકવા માટે પશ્ચાતાપ પેટી મુકાઈ છે.બોર્ડની એક્ઝામને લઈને સુરતના પ્રેસિડેન્સી સેન્ટર શાળા સેન્ટરમાં ખાસ વ્યવસ્થા કરાઈ છે. શાળા દ્વારા પશ્ચાતાપ પેટી રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ ભૂલથી કોઈ સાહિત્ય સાથે લઈ ગયા હોય તો પશ્ચાતાપ પેટીમાં મૂકવા માટેની તક આપવામાં આવી રહી છે.
ગેરરીતિ રોકવા સીસીટીવી કેમેરા ફીટ કરાયા, ટીમો બનાવાઈ
તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરા થી સજ્જ કરવામાં આવ્યા છે. દરેક પરીક્ષા કેન્દ્રો પર શહેર પોલીસ દ્વારા પોલીસ જવાનોને સુરક્ષા-બંદોબસ્તના ભાગરૂપે તૈનાત કરવામાં આવ્યા છે. પરીક્ષા દરમ્યાન ગેરરીતિ ન થાય તે માટે અધિકારીઓને બે અલગ અલગ ટીમો ની નિમણૂક કરવામાં આવી છે. જે ટીમો દ્વારા પરીક્ષા કેન્દ્ર પર જઈ સુપરવિઝન કરશે.
સુરતમાં કુલ 1.60 લાખ વિદ્યાર્થી બોર્ડ એક્ઝામ આપી રહ્યાં છે
સુરત જિલ્લામાં આજથી શરૂ થયેલી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં કુલ 1.60 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં ધોરણ 10 માં 91,446, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 50,313 અને ધોરણ 12 સાયન્સ માં 18 હજારથી વધુ વિધાર્થીઓ નોંધાયા છે. બોર્ડની પરીક્ષાના પ્રારંભિક પ્રસંગે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ પરમાર જણાવ્યું હતું કે સુરત સહિત જિલ્લામાં એક પણ સંવેદનશીલ પરીક્ષા કેન્દ્ર નથી.શહેર સહિત જિલ્લામાં 589 પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે.
ધો. 10 બોર્ડની પરીક્ષામાં 787 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં
આજે તા. 11 માર્ચ સોમવારથી શરૂ થયેલી ધો. 10 બોર્ડની પરીક્ષામાં સુરતમાં કુલ 81,223 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે 787 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. આજે ગુજરાતીની પરીક્ષા 50,342 વિદ્યાર્થીઓએ આપી હતી. આ પરીક્ષામાં 521 વિદ્યાર્થી ગેરહાજર રહ્યાં હતાં. આ ઉપરાંત હિન્દીની પરીક્ષા 6845, મરાઠી 3142, અંગ્રેજી 19882, ઉર્દુ 697 અને ઉડિયા (પ્રથમ ભાષા)ની પરીક્ષા 315 વિદ્યાર્થીએ આપી હતી.
શહેર ટ્રાફિક પોલીસ પરીક્ષાર્થીઓને કેન્દ્ર સુધી પહોંચાડવા ખડેપગે તૈયાર
સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ પરમાર એ જણાવ્યું હતું કે તમામ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી,શરબત સહિત ORS ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને તેને ધ્યાનમાં લેતા ખાસ આરોગ્ય વિભાગની એક ટીમો પણ દરેક પરીક્ષા કેન્દ્રો પર મૂકવામાં આવી છે. શાંતિપૂર્ણ માહોલની અંદર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થાઓ શાળા અને સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી કરવામાં આવી છે.. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર સુધી જો કોઈ વિદ્યાર્થીઓને પહોંચવામાં અગવડ પડે તો તેવા સંજોગોમાં શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પણ પોલીસ કંટ્રોલ રૂમના 100 નંબર ઉપર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
રાજ્યમાં 15.89 લાખ વિદ્યાર્થી બોર્ડ એક્ઝામ આપી રહ્યાં છે
સમગ્ર ગુજરાતમાં આજથી 15.89 લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. જેમાં સુરતની વાત કરવામાં આવે તો શહેર સહિત જિલ્લામાં કુલ 589 પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રોને સીસીટીવી કેમેરા થી આવરી લેવામાં આવ્યા છે. જ્યારે દરેક પરીક્ષા કેન્દ્ર પર પોલીસ જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.