અમદાવાદના ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશનની કામગીરી આજે મંગળવારે તા. 29 એપ્રિલની સવારે ચંડોળા તળાવ વિસ્તારમાં ચાલી રહી છે. 50 બુલડોઝર સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોલીસની મદદથી ગેરકાયદેસર બાંધકામો તોડી પાડ્યા છે. દરમિયાન આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્ચા હતા પરંતુ હાઈકોર્ટે અરજી નકારી કાઢી હતી.
- ચંડોળા તળાવ વિસ્તારમાં અત્યાર સુધીમાં 1000થી વધુ ગેરકાયદે મકાનો, ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા
- ચંડોળા તળાવ ખાતે 2000 પોલીસ કર્મચારીઓ હાજરીમાં ડિમોલીશન હાથ ધરાયું
- 5000થી વધુ મકાનો અને ઝૂંપડાઓ તોડી પાડવામાં આવશે
અમદાવાદ પોલીસ છેલ્લાં કેટલાંક દિવસથી ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પકડી રહી હતી. દરમિયાન અહીં લલ્લુ બિહારી નામના માથાભારે ઈસમે આલિશાન ફાર્મહાઉસ બનાવ્યું હોવાનું તંત્રના ધ્યાન પર આવ્યું હતું. લલ્લુ બિહારી દ્વારા બાંગ્લાદેશીઓને આશ્રય આપવામાં આવતો હોવાનું અને તેઓના બોગસ આધારકાર્ડ બનાવી આપવાનું કૌભાંડ પણ લલ્લુ બિહારી દ્વારા ચલાવવામાં આવતું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. તેના પગલે તંત્ર દ્વારા લલ્લુ બિહારી વિરુદ્ધ સખ્ત કાર્યવાહી હાથ ધરાઈ હતી.
શાહઆલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટે કુખ્યાત છે. આ વિસ્તારમાં આડેધડ ગેરકાયદે બાંધકામો ખડકી દેવાયા છે. હવે આ બાંધકામોને ધ્વસ્ત કરવાની કામગીરી શરૂ કરાઈ છે. 50 જેસીબી મશીન સાથે AMCની ટીમ પણ હથોડાથી બાંધકામો તોડી રહી છે. મોડીરાતથી જ ચંડોળા તળાવ પાસે બુલડોઝરો અને ટ્રકોને ગોઠવી દેવામાં આવ્યાં હતાં. વહેલી સવારે 5ઃ30થી ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહતને તોડી પાડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સ્થળ પર ગોઠવી દેવાયો હતો.
ડિમોલિશન ઝુંબેશ વિશે વિગતો આપતાં, જોઈન્ટ સીપી (ક્રાઈમ) શરદ સિંઘલે જણાવ્યું હતું કે, સિયાસતનગર એક બંગાળ વસાહત હતી જ્યાં મોટાભાગના બાંગ્લાદેશીઓ રહેતા હતા. એએમસીએ એક સર્વે હાથ ધર્યો અને જાણવા મળ્યું કે ત્યાં ગેરકાયદેસર બાંધકામ હતું. ડિમોલિશન ઝુંબેશ ચાલી રહી છે. અહીં કુલ 50 જેસીબી કામ કરી રહ્યા છે અને લગભગ 2,000 પોલીસકર્મીઓ તૈનાત છે. તેમણે કહ્યું કે વર્ષ 2009 માં પણ અહીં કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ પછી ધીમે ધીમે આ લોકોએ તળાવ પર માટી નાખીને પોતાના ઘરો બનાવ્યા. તાજેતરમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક સર્વે હાથ ધર્યો હતો, જેના પછી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સ્થાનિક લોકો હાઇકોર્ટ પહોંચ્યા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ કાર્યવાહી સામે સ્થાનિક લોકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. સ્થાનિક લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહીને પડકાર ફેંકીને તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. જોકે હાઈકોર્ટે અરજી નકારી કાઢી હતી.
6500 શંકાસ્પદ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની અટકાયત
પોલીસ મહાનિર્દેશક (DGP) સહાયે જણાવ્યું હતું કે અમદાવાદ અને સુરતમાં મોટા સર્ચ ઓપરેશન પછી, રાજ્યભરમાં સમાન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં લગભગ 6,500 શંકાસ્પદ ગેરકાયદેસર બાંગ્લાદેશી સ્થળાંતર કરનારાઓની અટકાયત કરવામાં આવી હતી અને તેમની ઓળખ ચકાસવામાં આવી હતી.