Gujarat

ગાંધીનગર નજીકના દહેગામની મેશ્વો નદીમાં 10 યુવાન ડૂબ્યા, ગણેશ વિસર્જન પહેલા યુવાનો નહાવા પડ્યા હતાં

ગાંધીનગર : ગાંધીનગરના દહેગામ નજીક આવેલા વાસણા- સોગઠી ગામની મેશ્વો નદીમાં નાહવા પડેલા દસ યુવકો ડૂબ્યા હતા. જેમાંથી આઠ મૃતદેહને બહાર કાઢવામાં આવતા ભારે અરેરાતી ફેલાઈ જવા પામી હતીય આ ગોઝારી ઘટનાની જાણ ગામમાં થતા સમગ્ર ગામમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ગાંધીનગરના દહેગામ નજીક આવેલા વાસણા- સોગઠી ગામ નજીકની મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન કાર્યક્રમ માટે ગામ લોકો જવાની તૈયારી કરી રહ્યા હતા, તે પહેલા કેટલાક યુવાનો અગાઉથી જ નદીમાં પહોંચી ગયા, અને નાહવા પડ્યા હતા. જેમાં 10 જેટલા યુવાનો નદીમાં ડુબવા લાગ્યા હતા. બાદમાં ગણેશ વિસર્જન માટે પાછળથી આવી રહેલા ગ્રામજનોએ આ યુવાનોને ડૂબતા જોઈ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ યુવાનોને બચાવી શક્યા ન હતા. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડ, પોલીસને થતા તાત્કાલિક કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઉપરાંત સ્થાનિક તરવૈયાઓની મદદથી નદીમાં ડૂબેલા લોકોને બચાવવા માટે પ્રયાસો હાથ ધરાયા હતા. જોકે પાણીમાં ગરકાવ થઈ ગયેલા 10 યુવાનો પૈકી આઠ યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ પણ બે યુવાનોની શોધખોળ ચાલી રહી છે.

આ ઘટનાની જાણ ગામમાં ફેલાતા સમગ્ર ગામ અને આસપાસના ગામમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. ઘટનાની જાણ વહીવટી અધિકારીઓને થતા ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારી, મામલતદાર, પ્રાંત અધિકારી, પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવી બચાવ રાહત કામગીરી હાથ ધરી હતી. પરંતુ યુવાનોને બચાવી શકાય ન હતા.

બીજી તરફ સ્થાનિક રહીશોમાંથી મળતી માહિતી મુજબ આ તમામ યુવકો વાસણા- સોગઠી ગામના મોટાવાસના રહેવાસી છે. જેમાંથી ત્રણથી ચાર યુવાનો એક જ કુટુંબમાં કાકા બાપાના ભાઈઓ થાય છે, જ્યારે અન્ય યુવાનો તેમના મિત્રો હોવાની માહિતી સામે આવી છે. હાલમાં ઘટના સ્થળે પોલીસ સહિત કાફલો પહોંચી જતાં તમામ મૃતદેહોને પોસ્ટમોટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે હજુ બે યુવાનોની શોધખોળ ચાલી રહી છે.

Most Popular

To Top