National

ટ્રેનના કોચની અંદર પેસેન્જરો ગેસનો બાટલો લઈ ગયા, ચા-નાસ્તો બનાવતા હતા ત્યારે લાગી આગ

બેંગ્લોર(Banglore): તમિલનાડુના (Tamilnadu) મદુરાઈ રેલવે સ્ટેશન (Madurai Railway Station) નજીક આજે શનિવારે મળસ્કે મોટી દુર્ઘટના ઘટી છે. અહીં ટ્રેનની અંદર આગ (Fire In Train) લાગી હતી. આ ઘટનામાં 10 લોકોના મોતના અહેવાલ બહાર આવ્યા છે.

મદુરાઈ રેલવે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર લખનઉથી રામેશ્વર જતી ટ્રેનની પ્રાઈવેટ પાર્ટીના કોચમાં આગ લાગી હતી. આ ઘટનામાં 10ના મોત થયા છે, જ્યારે 20 લોકોને ઈજા પહોંચી છે. રેલવેએ મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાની રાહત જાહેર કરી છે.

ગઈ તા. 17 ઓગસ્ટે પ્રાઈવેટ પાર્ટી કોચની ટ્રેન લખનઉથી મુસાફરી શરૂ કરી હતી. આવતીકાલે રવિવારે ચેન્નાઈ પહોંચવાનું હતું. ત્યાર બાદ તે ફરી લખનઉ પરત ફરવાની હતી.

અધિકારીઓ અનુસાર આગ લાગવાની ઘટનાની જાણકારી સવારે 5.15 કલાકે મળી હતી. ત્યારે ટ્રેન મદુરાઈ યાર્ડ જંકશન પર ઉભી હતી. રેલવે અનુસાર કેટલાંક પેસેન્જર ગેરકાયદે રીતે ગેસના બાટલા લઈને પ્રાઈવેટ પાર્ટીના કોચમાં ઘુસ્યા હતા. મદુરાઈ જંકશન નજીક તે બાટલામાં આગ લાગી હતી. રેલવે તરપથી હેલ્પલાઈન નંબર 9360552608, 8015681915 જાહેર કરાયા છે.

ટ્રેનમાં ચા-નાસ્તો બની રહ્યો હતો ત્યારે આગ લાગી
પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રેનના પ્રાઈવેટ પાર્ટી કોચમાં કેટલાંક મુસાફરો ગેરકાયદે ગેસના બાટલા લઈ પ્રવેશ્યા હતા. ટ્રેનના આ કોચમાં એક જ ગ્રુપના 65 પેસેન્જરો હતો. ટ્રેનનો નંબર 16730 (મદુરાઈ પુનાલુર એક્સપ્રેસ) છે. સવારે 3.47 વાગ્યે ટ્રેન મદુરાઈ પહોંચી હતી. ત્યારે પ્રાઈવેટ પાર્ટી કોચને પાર્ક કરાયો હતો.

આ કોચમાં કેટલાંક પેસેન્જરો ચા-નાસ્તો બનાવી રહ્યાં હતાં. ચા-નાસ્તો બનાવવા માટે તેઓએ ગેસના બાટલાનો ઉપયોગ કર્યો હતો. આ બાટલાના લીધે પ્રાઈવેટ પાર્ટી કોચમાં આગ લાગી હતી. આગ લાગી હોવાનું ધ્યાન પર આવતા જ મોટા ભાગના પેસેન્જરો કોચની બહાર ઉતરી ગયા હતા. બીજા કોઈ કોચને નુકસાન થયું નથી.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું
ટ્રેન દુર્ઘટના અંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુ:ખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે, મદુરાઈ ટ્રેન દુર્ઘટના અત્યંત દુ:ખદ અને હૃદય વિદારક છે. તેમણે ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે. મુખ્યમંત્રીએ ઈજાગ્રસ્તોની ઝડપી સારવાર માટે આદેશ આપ્યા છે. યુપી સરકારે ટોલ ફ્રી નંબર 1070 જાહેર કર્યો છે.

Most Popular

To Top