Charotar

1નડિયાદ: 10 સેકન્ડમાં પ્રમુખ કિન્નરીબેન શાહ કરોડોના વિકાસ કાર્યોને ‘સ્વછંદી’ મંજૂરી આપીને નીકળી ગયા

39 એજન્ડા મંજૂર કરવામાં સત્તાપક્ષ કે વિપક્ષ કોઈ રોઢાન નાખી શક્યુ

અપક્ષ સભ્યોએ ખાડાઓના મુદ્દે નગરપાલિકાની સામાન્ય સભા ગજવી

(પ્રતિનિધિ) નડિયાદ, તા.9

નડિયાદ નગરપાલિકાની આજે શુક્રવારે સામાન્ય સભા બોલાવાઈ હતી. પ્રમુખસ્થાને મળેલી આ સામાન્ય સભામાં સત્તાપક્ષ કે વિપક્ષ કોઈ અડચણ ઉભી કરી શક્યુ નહોતુ. અપક્ષ સભ્યોએ વિરોધ નોંધાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ અડગ બનીને આવેલા પ્રમુખ કિન્નરીબેન શાહે કાગળમાં લખ્યા મુજબ વાંચી જઈ અને સામાન્ય સભા શરૂ, મંજૂર અને પૂર્ણ કરી નાખી હતી અને 10 સેકન્ડમાં સામાન્ય સભાના 34 અને પ્રમુખ સ્થાનેથી 5 એજન્ડાને સ્વછંદી મંજૂરી આપી દીધી હતી.

આજની સામાન્ય સભામાં પ્રમુખ કિન્નરીબેન શાહ દ્વારા કોઈ એજન્ડા અંગે ચર્ચા કર્યા સિવાય અને ધ્વનિમતની પણ પરવાહ કર્યા વગર 34 એજન્ડા અને પ્રમુખ સ્થાનેથી લેવાયેલા 5 કામોને મંજૂર કરવામાં આવ્યા છે, તેમ કહી નીકળી ગયા હતા. તેમની આ સ્વછંદી મંજૂરી દરમિયાન વિરોધ પક્ષે ચર્ચા કરવા માટે અનેક પ્રયાસ કર્યા હતા, પરંતુ કોઈ પણ ચર્ચા વગર સત્તાધીશો અને અધિકારીઓ નીકળી ગયા હતા. છેલ્લા એક વર્ષમાં મંજૂર થયેલા કરોડો રૂપિયા ક્યા વાપર્યા તેવા સવાલોનો મારો અપક્ષ કાઉન્સિલરે ચલાવ્યો પણ જવાબ આપ્યા વિના આ સભાને બરખાસ્ત કરી દેવામાં આવી હતી. સામાન્ય સભાના મહત્વના એજન્ડા જોઈએ તો મોગલકોટ ટાંકી પાસે આવેલ નગર પ્રાથમિક શાળા નંબર 2નું મકાન જૂનું અને જર્જરીત થઈ ગયેલ હોય તે ઉતારી લેવા અને તે જગ્યાએ નવીન પીવાના પાણીની ટાંકીનું કામ અમૃત 2.0 અંતર્ગત મંજૂર થયેલ છે તે મુજબ કામગીરી કરવાની મંજૂરી બાબત, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક આવેલ શાળા નં.5 ટેલીફોન એક્ષચેન્જ સામે પીજ રોડનાં કમ્પાઉન્ડમાં આવેલ બિન ઉપયોગી અને જર્જરિત ઓરડાનું બાંઘકામ ઉતારી લેવા મંજુરી બાબત, નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં આ સાથે સામેલ વિવિધ રસ્તાની યાદી મુજબ ડામર રોડ બનાવવાનું કામ માર્ગ અને મકાન વિભાગને સોંપવા ઠરાવ કરવા બાબત, નિર્મળ ગુજરાત – 2.0 અંતર્ગત નડિયાદ નગરપાલિકાને રૂા.1.00 કરોડ તેમજ GVP બ્યુટીફીકેશન માટે રૂપિયા 17 લાખની ગ્રાન્ટ ફાળવેલ છે તે પૈકી નડિયાદ શહેરમાં આઈકોનિક રોડ બનાવવાનું કામ અને GVP બ્યુટીફીકેશનનાં કામ માટે ચીફ ઓફીસર નડિયાદ નગરપાલિકાને સત્તા આપવા મંજૂરી આપવા બાબત, નડિયાદ શહેર માટે વરસાદી પાણીના નિકાલ માટે માસ્ટર પ્લાન બનાવી તે મુજબ કામગીરી કરવા માટે ગ્રાન્ટ મેળવવા દરખાસ્ત કરવા તેમજ આગળની તમામ કાર્યવાહી કરવા ઠરાવ કરવા બાબતનો સમાવેશ થાય છે.

પાલિકાના પગથિયામાં ઈંટોના રોઢા નાખ્યા

આ બાદ વોર્ડ નં.6ના અપક્ષ સભ્ય માજીદખાન પઠાણે નડિયાદ શહેરમાં રસ્તા પર ઠેકઠેકાણે પડેલા ખાડાઓ મામલે ઈંટોના રોડાઓનું બાચકુ લાવી નગરપાલિકામા પગથિયાં પર ઠાલવ્યું હતુ. આ ઉપરાંત નગરપાલિકાના મુખ્યગેટ પાસેના આવનજાવનના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા હોવાથી આ કાઉન્સિલરે પોતાના ખર્ચે ટ્રેક્ટર ભરી રોડા નાખીને રોડને સમતલ કરી વિરોધ નોંધાવ્યો હતો. જો કે, બીજીતરફ થોડા જ સમયમાં પાલિકાએ ઈંટોના રોઢાનો આ કચરો હટાવી દીધો હતો.

આ મુદ્દા પ્રમુખ સ્થાને લેવાયા

આ સાથે સાથે પ્રમુખ સ્થાનેથી પણ 5 કામોની મંજુરી અપાઈ છે. કારોબારી સમિતિની ભલામણ મુજબ સંતરામ નિલયમ કોમ્પલેક્ષમાં આવેલ ખાલી પડી રહેલ દુકાનો/ગોડાઉનો/ઓફીસો પૈકી નિયમોનુસાર કાર્યવાહી કરી અસલ ભાડુઆતોને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ફાળવવા બાબતે સરકારમાં દરખાસ્ત કરવા અને જે શરતોએ કિંમત તથા દરખાસ્ત અંગે જે નિર્ણય થઈને આવે તે મુજબ અમલ કરવા બાબત, મ્યુનિ.ઈજનેરના રીપોર્ટ મુજબ નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ સોશ્યલ કલબ સામે, ઉડેવાળ તળાવ પાસે આવેલ તથા સરદાર પટેલ સ્ટેચ્યુથી બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધીના કાંસ પર આવેલ દુકાનોના સ્ટેબીલીટી રીપોર્ટ માટે પ્રિન્સીપાલ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, વલ્લભ વિદ્યાનગરના રજુ કરેલ કોટેશન રકમ મંજૂર કરવા બાબત, સહિતના ઠરાવોનો સમાવેશ થાય છે.

78 કરોડ ક્યાં વાપર્યા? : માજીદખાન પઠાણ, અપક્ષ સભ્ય

સત્તાધારી પક્ષ ગણતરીની મિનિટમાં આ સામાન્ય સભા બરખાસ્ત કરી દીધી છે. અમને સાંભળ્યા પણ નહોતા અમારો આક્ષેપ છે કે છેલ્લા એક વર્ષમાં 78 કરોડ વાપરવામાં આવ્યા છે. પણ આ નાણાં ક્યાં વપરાયા છે તેનો કોઈ સભામાં ચર્ચા નથી થઈ, આજે નડિયાદ શહેરમાં ઠેકઠેકાણે રસ્તાઓ તૂટી ગયેલા છે અને ખાડાઓનુ સામ્રાજ્ય છે. વોર્ડ નંબર 4,5,6ની અંદર તો રોડ જ કેટલા સમયથી બન્યા નથી તો આટલી બધી માતબર રકમ ક્યાં વપરાય તે મોટો પ્રશ્ન છે ? આજે પ્રજાની સગવડ માટે વપરાયેલા પૈસા ખુદ નગરપાલિકા પણ વાપરી શકતી નથી તેનો દાખલો મેં પુરવાર કર્યો છે મેં મારા સ્વખર્ચે નગરપાલિકાના ગેટ પાસે પડેલા ખાડાને પુરાવ્યા છે. આ મુદ્દે સત્તાધારી પક્ષને આંખો ખુલે તે માટે રોડાનુ બાચકુ લાવી નગરપાલિકાના પગથિયાંમા ઠાલવી રોષ વ્યક્ત કર્યો છેઃ માજીદખાન પઠાણ, અપક્ષ સભ્ય

સંતરામ મંદિરને જગ્યા ભાડે આપવાના નિર્ણયનું સ્વાગત, નિયમોનું પાલન હિતાવહઃ ગોકુલ શાહ

નડિયાદ નગરપાલિકાએ સામાન્ય સભામાં શહેરની એક જગ્યા સંતરામ મંદિરને આપવાનો નિર્ણય કર્યો છે, તેનું સ્વાગત કરીએ છીએ, પરંતુ આ જગ્યા આપવા માટે સરકારી નિયમોેનું ચોકસાઈપૂર્વક પાલન જરૂરી છે. જેથી ભવિષ્યમાં હાલ જે 13 દુકાનોનો વિવાદ ચાલી રહ્યો છે, તે મુજબનો વિવાદ સંતરામ મંદિર જેવા પવિત્ર સ્થાન સાથે ઉભો ન થાય. વધુમાં નગરપાલિકાએ માર્ગ અને મકાન વિભાગ પાસે કરોડોના ખર્ચે રોડ બનાવ્યા અને તે બિસ્માર થઈ ગયા છે. આ રોડની જવાબદારી લેવા માટે હવે કોઈ તૈયાર નથી. તેવામાં નગરપાલિકા પુનઃ રોડની કામગીરી માર્ગ મકાનને આપવાનો નિર્ણય કર્યો છે, તે ખોટી બાબત છે, નગરપાલિકા જો સ્થાનિક એજન્સી પાસે રોડ બનાવડાવે, તો તેવા સંજોગોમાં રોડ ખરાબ થાય તો એજન્સી સામે કાર્યવાહી કરવાની પણ સત્તા રહે છે અને જવાબદારી ફીક્સ કરી શકાય છે. તો સામાન્ય સભામાં 31 નંબરથી કે.ડી.ગોસ્વામી એજન્સી સામે કાર્યવાહી કરવાનો વિચાર કરવાનો ઠરાવ કરાયો છે, ત્યારે સેકન્ડોમાં આટોપી લેવાયેલી સામાન્ય સભામાં આ એજન્સી સામે શું કાર્યવાહી કરવી તેની ચર્ચા કરાઈ નથી, તો હવે આ કાર્યવાહીનો નિર્ણય કેવી રીતે કરાશે? તે મહત્વની બાબત છેઃ ગોકુલ શાહ, અપક્ષ સભ્ય

Most Popular

To Top