સુરત એરપોર્ટ કાર્ગો સિક્યુરિટી બિલ્ડિંગ પાસે 26.74 ગ્રામ ગાંજો મળી આવતા ડુમસ પોલીસે ભરૂચથી જથ્થો મોકલનાર ચેતના એન્ટરપ્રાઈઝ તથા ચેન્નાઈના એક વ્યક્તિ સામે નાર્કોટિક્સનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે. ડુમસ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ભરૂચની ચેતના એન્ટરપ્રાઈઝ ચેન્નાઈના સર્વનમ એમ. જી-૫૫ ફર્સ્ટ મેઇન રોડ, અન્ના નગર ઇસ્ટ ખાતે 26.74 ગ્રામ ગાંજાનો જથ્થો પતરાની નાની ડબ્બીઓમાં મોકલવા માટે સુરત એરપોર્ટ કાર્ગો સિક્યુરીટી બિલ્ડિંગ ઓફિસ નં-૧૬ પાસે મુક્યો હતો.
ડીટીડીસી પ્રા.લી.કુરિયર કંપની દ્વારા આ માલ મોકલાયો હતો. ઇન્ડિગોની કાર્ગો ફ્લાઈટ જવાની હતી ત્યારે ચેન્નાઈ સ્કેનિંગમાં શંકાસ્પદ જણાઈ આવ્યું હતું. જેથી ખોલીને જોતા અંદર ગાંજો દેખાતા પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા ભરૂચ ખાતેના ચેતના એન્ટરપ્રાઇઝ દ્વારા ચેન્નઇ ખાતે સર્વનમ એમ. જી-૫૫ ફસ્ટ મેઇન રોડ ખાતે આ જથ્થો મોકલાયો હતો. ડુમસ પોલીસે ચેતના એન્ટરપ્રાઇઝ અને ચેન્નઈમા એર વ્યક્તિ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસ માટે તપાસનો વિષય છે કે આટલી માત્રામાં ગાંજો કેમ મોકલવામાં આવતો હતો? એરપોર્ટથી આ પહેલા પણ ગાંજાનું સ્મગલિંગ થતું હતું કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે.