ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન ૩ લાખ જેટલા મૃતકના આંકડાઓ જે આજે જાહેર કર્યા છે તે તદ્દન ખોટા અને અભ્યાસવિહોણા છે, આવા બેજવાબદારીભર્યા નિવેદનો કરી કોંગ્રેસે ગુજરાતને બદનામ કરવાનું બંધ કરવું જોઈએ, રાજ્ય સરકાર સાંખી લેશે નહી. તેવું પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું
જીતુ વાધાણીએ વધુમાં કહ્યું કે, કોરોનાકાળમાં રાજ્ય સરકારની અસરકારક કામગીરીના પરિણામે દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં મૃત્યુ દર ઓછો રહ્યો છે. રાજ્યમાં ૧૦,૦૮૮ જેટલા નાગરિકનાં કોરોનાકાળમાં મૃત્યુ થયાં છે. આ સંદર્ભે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરી છે જે અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા જે દિશાનિર્દેશો મળશે એ મુજબ રાજ્ય સરકાર સહાય ચૂકવશે.
કોંગ્રેસ શાસિત રાજ્ય મહારાષ્ટ્રમાં ૧૪,૦૨૮, પંજાબમાં ૧૬,૫૫૩, રાજસ્થાનમાં ૮,૯૫૪, છત્તીસગઢમાં ૧૩,૫૫૨ તથા આપ શાસિત દિલ્હીમાં ૨૫,૦૯૧ નાગરિકોના મોત કોરોનાકાળમાં થયા છે જેની સામે ગુજરાતમાં ૧૦,૦૮૮ મોત થયા છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જે મોતના આંકડા જાહેર કર્યા છે એ પણ હવે ખોટા છે.
કોરોનાકાળ દરમિયાન જે મોત થયા છે. તેને WHO અને આરોગ્ય વિભાગની ગાઇડલાઇન અનુસાર જ ડેથ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. આ સમયમાં અન્ય બિમારીથી જે લોકો મૃત્યું પામ્યા છે એને કોરોનાના મૃત્યુમાં ખપાવીને આંકડો મોટો બનાવવાનો કોંગ્રેસે હીન પ્રયાસ કર્યો છે તે અત્યંત નિંદનીય છે.