Gujarat

૩૪ જિલ્લા પંચાયત પ્રમુખોને રૂ. ૧ કરોડની વાર્ષિક વિવેકાધીન ગ્રાન્ટ મંજૂર

ગ્રામીણ વિસ્તારોના સર્વગ્રાહી વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય

વડોદરા:
રાજ્યના જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારોના સર્વગ્રાહી અને સર્વસમાવેશી વિકાસને વેગ આપવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ રાજ્યની તમામ ૩૪ જિલ્લા પંચાયતોના પ્રમુખોને રૂ. ૧ કરોડની વાર્ષિક વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવામાં આવશે, જેનો ઉપયોગ સ્થાનિક અગત્યતા ધરાવતા વિકાસ કામો માટે કરી શકાશે.
મુખ્યમંત્રીએ આ બાબતે સામાન્ય વહીવટ વિભાગને જરૂરી દિશાનિર્દેશો આપ્યા છે. રાજ્યમાં હાલમાં ધારાસભ્યોને વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ વિકાસ કાર્યો માટે રૂ. ૨.૫ કરોડની ગ્રાન્ટ ફાળવવાની પ્રથા અમલમાં છે. તેવી જ રીતે, જિલ્લા પંચાયતોના પ્રમુખોને પણ વિકાસ કાર્ય માટે સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકાય તે હેતુસર આ વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
જિલ્લા પંચાયતના પ્રમુખોએ પોતાના-પોતાના જિલ્લાઓમાં ગ્રામીણ વિકાસ કાર્યોને વધુ ગતિ મળે અને સ્થાનિક જરૂરિયાત મુજબ અગત્યના કામોને પ્રાથમિકતા આપી શકાય તે માટે મુખ્યમંત્રી સમક્ષ વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવાની રજૂઆત કરી હતી. આ રજૂઆતોને મુખ્યમંત્રીએ સકારાત્મક અને ત્વરિત પ્રતિસાદ આપતા રૂ. ૧ કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.
આ નિર્ણયથી જિલ્લા સ્તરે વિકાસ યોજનાઓ વધુ અસરકારક રીતે અમલમાં આવશે, સ્થાનિક જરૂરિયાતોને ઝડપી પ્રતિભાવ મળશે અને રાજ્યના ગ્રામીણ વિસ્તારોના વિકાસમાં નવી ગતિ આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

Most Popular

To Top