શહેરના હરણી વારસિયા રીંગ રોડ પર રખડતાં ઢોરને કારણે વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું
જ્યાં બનાવ બન્યો તેની નજીક એસ્સાર પેટ્રોલ પંપ આવેલું છે સીસીટીવી કેમેરામાં કયું પશુ હતું તે સ્પષ્ટ ન થતાં પોલીસ અસમંજસમાં
(પ્રતિનિધિ) વડોદરા તા. 12
શહેરના હરણી વારસિયા રીંગ રોડ પર ગત તા. 09 ફેબ્રુઆરીના રોજ વારસિયા વિસ્તારમાં રહેતા વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડ પોતાની ફરજ બજાવી પરત ઘરે જતા હતા તે દરમિયાન અચાનક રખડતાં પશુને કારણે તેઓ ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું આ બનાવ બાદ વડોદરા મહાનગરપાલિકા એક્શનમા આવી હતી અને રખડતાં પશુઓ સામે ઝૂંબેશ શરૂ કરી છે. પરંતુ મૃતક વૃધ્ધ ના મામલે પોલીસને રખડતાં પશુ અને તેના માલિકના સઘળ મળ્યા નથી.
પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા ગિરીશભાઈ ચીમનભાઇ દળવી નામના આશરે 66 વર્ષીય વૃદ્ધ ખાનગી સિક્યુરિટીમા ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા તેઓ ગત તા. 09 મી ફેબ્રુઆરીના રોજ રાત્રે પોતાની ફરજ પરથી છૂટીને વારસિયા સ્થિત પોતાના ઘરે જતા હતા તે દરમિયાન વારસિયા રીંગ રોડ પર આવેલા એસ્સાર પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા હતા ત્યારે અચાનક એક રખડતાં પશુ સાથે ટકરાવથી તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડને ઇમરજન્સી એમ્બ્યુલન્સ 108 મારફતે એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા જ્યાં ગત તા. 10 ફેબ્રુઆરીના વહેલી સવારે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.બનાવની જાણ થતાં વારસિયા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી. પરંતુ રખડતાં પશુનો માલિક હજી સુધી મળી આવ્યો નથી બીજી તરફ આ વિસ્તારમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાની કામગીરી દરમિયાન આ બનાવ જ્યાં બન્યો હતો ત્યાં અંધારાને કારણે સ્પષ્ટ પણે રખડતાં પશુની ચોક્કસ માહિતી જાણી શકાઇ ન હોવાનું વારસિયા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી એસ.એમ.વસાવાએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને રખડતાં પશુઓ મુદ્દે સંખત ટકોર સાથે સૂચનાઓ આપી હોવા છતાં શહેરમાં રખડતાં પશુઓ સામે કાર્યવાહી કરવામાં વડોદરા મહાનગરપાલિકા નિષ્ક્રિય રહ્યું છે જેના કારણે રોડ ટેક્સ અને વેરો ભરતા લોકોને રખડતાં પશુ મુક્ત સારા રોડ રસ્તાઓ મળતા નથી.શહેરમા ઘણાં લોકોએ રખડતાં પશુઓને કારણે જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો કાયમી ખોડખાંપણ નો ભોગ બન્યા છે જેના કારણે તેમના પરિવારને ભોગવવાનો વારો આવ્યો છે પરંતુ પાલિકાનું તંત્ર જાણે ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છે શહેરના તરસાલી,સમા, વારસિયા, ગધેડા માર્કેટ ચારરસ્તા, વાઘોડિયારોડ, આજવારોડ એરપોર્ટ સર્કલ નજીક, હરણી, છાણી જેવા વિસ્તારોમાં રખડતાં પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે જ્યારે પણ રખડતાં પશુઓને કારણે કોઇ ઘટના બને ત્યારે ચાર દિવસ પાલિકાની ઢોર શાખા સફાળા ઉંઘમાંથી જાગી એક્શનમા આવે છે અને ફરી પરિસ્થિતિ જૈસે થે ની જોવા મળે છે જેના કારણે નિર્દોષ નાગરિકો રખડતાં પશુઓને કારણે ભોગ બની રહ્યાં છે.
હું રજા પર હતો. રખડતાં પશુને કારણે વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું તે મામલે તપાસ ચાલી રહી છે જ્યાં આ બનાવ બન્યો હતો તે વારસિયા રીંગ રોડ પર અંધારું ખૂબ હોવાથી રખડતાં પશુ અંગેની સ્પષ્ટ માહિતી મળી નથી જેના કારણે આ રખડતાં પશુનો માલિક કોણ છે તે અંગેની માહિતી જાણી શકાઇ નથી જો કે વારસિયા પોલીસની તપાસ ચાલુ છે અને જેવી માહિતી મળશે અને તપાસમાં બહાર આવશે તો ચોક્કસ આ પશુના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
-એસ.એમ.વસાવા-પો.ઇ. વારસિયા પોલીસ સ્ટેશન
