SURAT

સુમુલડેરીએ દૂધમાં પ્રતિ કિલો ફેટે રૂા. 20નો વધારો કર્યો

સુરત : ખાણ દાણ, પશુ ચારા, ટ્રાન્સપોર્ટેશન, લેબર ચાર્જમાં વધારાને લીધે દૂધ ઉત્પાદન અને દૂધ સંપાદન મોંઘુ થતાં સુમુલ ડેરીએ વર્ષમાં સતત પાંચમીવાર પશુપાલકો પાસેથી દૂધની ખરીદીમાં કિલો ફેટ દૂધના ભાવમાં વધારો કર્યો છે. 1 નવેમ્બર 2022થી લાગુ પડે એ રીતે સુમુલ ડેરીએ ભેંસના દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. ડેરીએ ગાયના દૂધનાં ખરીદ ભાવમાં કિલો ફેટે 10 વધાર્યા છે. સુમુલ ડેરીના વ્યવસ્થાપક મંડળના આ નિર્ણયથી સુરત- તાપી જિલ્લાનાં 2.50 લાખ પશુપાલકોને મોટી રાહત મળશે. સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ, ડિરેક્ટર નરેશભાઈ પટેલ અને સંદીપ દેસાઇએ જણાવ્યું હતું કે, સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા સંપૂર્ણ સહકારની ભાવનાથી દૂધ ઉત્પાદકોનું ધ્યાન રાખી અનેક ઐતિહાસિક નિર્ણયો કર્યા છે.

ગાયના દુધમાં કિલો ફેટે 10 અને ભેંસના દુધમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો
સુમુલ ડેરી સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોની આર્થિક પ્રગતિ થાય તે હેતુથી પશુપાલકોને મળી રહેલાં દૂધના ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.સતત ખર્ચાળ બનતા જતા પશુપાલન વ્યવસાયને ટકાવી રાખવા, દુધ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા માટે સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખ પશુપાલકોની માંગણીને ધ્યાનમાં રાખીને સુમુલના ચેરમેન માનસિંહભાઈ પટેલ અને તેમના નિયામક મંડળ દ્વારા ગાયના દુધમાં કિલો ફેટે 10 અને ભેંસના દુધમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ગાયના ફેટમાં કિલોએ 740 હતા તે વધીને 750 રૂપિયા થઇ ગયા છે. જ્યારે ભેંસના કિલો ફેટે 760 હતા. તેમાં 20 રૂપિયાનો વધારો થતા 780 રૂપિયા થઇ ગયા છે. આ ભાવ વધારો 1 નવેમ્બર 2022થી લાગુ પડશે.

માત્ર 1 વર્ષના ટૂંકા ગાળામાં ભેંસના કિલો ફેટ ભાવમાં 85 અને ગાયના દૂધમાં 70 રૂપિયા વધ્યા : જયેશ દેલાડ
સુમુલ ડેરીના સિનિયર ડિરેક્ટર જયેશ એન.પટેલ (દેલાડ)એ જણાવ્યું હતું કે 1 એપ્રિલથી સુમુલ કિલો ફેટ દૂધના ભાવમાં સતત ભાવ વધારો ચૂકવી રહ્યું છે. 2.50 લાખ પશુપાલકોના વિશાળ હિતને દયાને રાખી 1 નવેમ્બર 2022 થી ફરી ભેંસ અને ગાયના દૂધમાં ભાવ વધારો જાહેર કર્યો છે. માત્ર 1 વર્ષના ટૂંકા ગાળામાં ભેંસના કિલો ફેટ ભાવમાં 85 અને ગાયના દૂધમાં 70 રૂપિયા વધ્યા છે. 1 એપ્રિલના રોજ ભેંસના દુધનો ભાવ 695 રૂપિયા હતો. જે 1 નવેમ્બરે 780 થશે. એવી જ રીતે ગાયના દુધનો ભાવ 680 રૂપિયા હતો. જે 1 નવેમ્બરે 750 રૂપિયા પ્રતિ કિલો ફેટ થશે. એટલે કે સુમુલે ગ્રાહકો માટે જે દૂધના ભાવ વધાર્યા એની સામે સંપૂર્ણ સહકારીતાની ભાવનાથી મહત્તમ ઓછો ખર્ચ કરી પશુપાલકોને રૂપિયા સામે 85 પૈસા પરત કર્યા છે.

Most Popular

To Top