Vadodara

સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ પાસે કારે સ્કૂટર ચાલકને અડફેટે લેતાં ઇજા

ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે શહેરના ભાઇલાલ અમીન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં તે બેભાન અવસ્થામાં

(પ્રતિનિધિ) વડોદરા તા. 07

શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ પોતાના સ્કૂટર (એક્ટિવા) પર ગત તા. 03જી ફેબ્રુઆરીના રોજ રાત્રે શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસીની રાણી સર્કલ પાસેથી પસાર થતા હતા. તે દરમિયાન પાછળથી એક ફોર વ્હીલર ચાલકે ગફલતભરી રીતે કાર હંકારી સ્કૂટર સવારને અડફેટે લેતાં સ્કૂટર સવાર ઇજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે ભાઇલાલ અમીન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તે બેભાન અવસ્થામાં હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા લક્ષ્મીપુરા રોડ ખાતેના આરાધના ડુપ્લેક્ષમા મકાન નંબર 123મા રહેતા મોહનભાઇ લીલાધર અહેરાવર નામના 54 વર્ષીય આધેડ પોતાના પરિવાર સાથે રહે છે અને તેઓ ખાખરાનો ધંધો કરે છે. મોહનભાઇ ગત તા. 03જી ફેબ્રુઆરીના રોજ રાત્રે સાડા સાત વાગ્યાની આસપાસ પોતાના એક્ટિવા જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-ક્યુજી-0046 લઇને કામ માટે નિકળ્યા હતા. પરંતુ રાત્રે દસ વાગ્યા સુધી ઘરે પરત ન આવતાં તેમનાં ધર્મપત્ની ગૌરીબેને મોબાઇલ ફોન પર સંપર્ક કરતાં એસ.એસ.જી.હોસ્પિટલના નર્સે ફોન ઉપાડીને જણાવ્યું હતું કે તેમના પતિને સુભાનપુરા વિસ્તારમાં ઝાંસીની રાણી સર્કલ પાસેથી એમ્બ્યુલન્સ મારફતે બેભાન હાલતમાં લાવ્યા છે અને સારવાર ચાલી રહી છે. જેથી ગૌરીબેન એસ.એસ.જી.હોસ્પિટલ ગયા હતા જ્યાં તેમના પતિને માથાના આગળ અને પાછળના ભાગે ઇજાઓ પહોંચી હતી. તેઓ બેભાન અવસ્થામાં હતા. ત્યારબાદ ગૌરીબેન એક્ટિવા લેવા ઝાંસીની રાણી સર્કલ પાસે પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે, સાંજે સાડા આઠની આસપાસ એક ફોર વ્હીલર જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-પીજી-6350ના ચાલકે પાછળથી આવી એક્ટિવા સવારને ટક્કર મારી ભાગી ગયો છે. ઇજાગ્રસ્ત ને સૌ પ્રથમ સૌ પ્રથમ આચાર્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે ભાઇલાલ અમીન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેથી કાર ચાલક સાથે ગૌરીબેને વાત કરતાં તેણે સમાધાનની વાત કરી હતી. તેના કારણે જે તે સમયે કાર ચાલક વિરૂધ્ધ કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ બાદમાં કાર ચાલકે સારવારનો ખર્ચ આપવાનો નનૈયો ભણી દેતાં 06 ફેબ્રુઆરીના રોજ કાર ચાલક વિરૂધ્ધ ઇજાગ્રસ્તના પુત્ર હર્ષલ અહેરવારે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top