પાણી પુરવઠા વિભાગે કરેલી પ્રાથમિક તપાસમાં યોગેશ વસાવા દોષી સાબિત
સંજય માળી અને ગુણવંત સોલંકી વાલ્વ બંધ કરવા જતા હોવાના સીસીટીવી ફૂટેજ મળ્યાં હતા

વડોદરા મહાનગરપાલિકાના ઉત્તર ઝોનમાં ત્રણ દિવસ સુધી પાણી પુરવઠો બંધ રહેવાના બનાવમાં એક અધિકારી અને એક કર્મી વિરુદ્ધ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગમાંથી રોડ વિભાગમાં બદલી થયેલા નાયબ કાર્યપાલક ઇજનેર યોગેશ વસાવા અને તેમને સહકાર આપનાર સુપરવાઇઝર સંજય માળીને પાલિકાએ સસ્પેન્ડ કર્યા છે. આ મામલે સૌપ્રથમ “ગુજરાતમિત્ર” દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં પાલિકાના વહીવટી વિભાગે પોલીસ તપાસ પૂર્ણ થાય તે બાદ જ કાર્યવાહી કરવાની વાત કરી હતી. પરંતુ પાણી પુરવઠા વિભાગે કરેલી પ્રાથમિક તપાસમાં યોગેશ વસાવા દોષી હોવાનું બહાર આવતા તાત્કાલિક આ નિર્ણય લેવાયો. પ્રાથમિક તપાસ મુજબ, યોગેશ વસાવાએ સુનિયોજિત રીતે ઉત્તર ઝોનના કેટલાક વિસ્તારોમાં પાણીના વાલ્વ બંધ કરાવ્યા હતા. આ કામ માટે તેમણે રોડ વિભાગમાં હોવા છતાં જેસીબી ડ્રાઈવર ગુણવંત સોલંકી અને સુપરવાઇઝર સંજય માળીને આદેશ આપ્યો હતો. વિભાગે પ્રાપ્ત કરેલા સીસીટીવી ફૂટેજમાં ગુણવંત સોલંકી અને સંજય માળી વાલ્વ બંધ કરવા જતા હોવાનો પુરાવો પણ મળ્યો છે.
સાથે જ, પ્રાથમિક પૂછપરછ દરમિયાન સંજય માળીએ પણ સ્વીકાર્યું કે, તેણે યોગેશ વસાવાના કહેવા પર જ વાલ્વ બંધ કર્યા હતાં. આ બાબતને ધ્યાનમાં રાખીને પાણી પુરવઠા વિભાગે વિગતવાર રિપોર્ટ તૈયાર કરી વહીવટી શાખામાં મોકલ્યો હતો. જો કે, શરૂઆતના દિવસોમાં પાલિકાના વહીવટી વિભાગે આ ગંભીર મામલામાં જરૂરી તાત્કાલિક પગલાં ન લેતા પ્રશ્નો ઊભા થયા હતા. અનેક દિવસ સુધી યોગેશ વસાવાને છાવરવામાં આવ્યા હતા. હવે, પ્રાથમિક તપાસમાં દોષ સાબિત થતાં પાલિકાએ બંનેને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે. આ સમગ્ર કાવતરામાં અન્ય કોઈની સંડોવણી બહાર આવે છે કે કેમ તેને લઈને હવે સૌ કોઈની નજર પોલીસ તપાસ પર મંડરાયેલી છે.