આનંદ આજે એક યુવાન સફળ બિઝનેસમેન ગણાતો હતો અને તેણે આ સ્થાન પર પહોંચવા બહુ મહેનત કરી હતી અને હજી વધુ આગળ વધવા તે આંખ બંધ કરી દિન-રાત જોયા વિના દોડી રહ્યો હતો.ગયા અઠવાડિયે જ તેણે આખો પરિવાર સાથે બેસી શકે તે માટે ૮ સીટર એસ.યુ.વી. ખરીદી હતી.બધાએ રવિવારે નવી ગાડીમાં સાથે લોંગ ડ્રાઈવ પર જવાનો પ્રોગ્રામ બનાવ્યો; ઉત્સાહથી તૈયારીઓ શરૂ થઈ.
કયાં જઈશું? કયાં હોલ્ટ લઈશું? રસ્તામાં આવતા માતાજીના મંદિરમાં દર્શન કરીશું વગેરે નક્કી થઈ ગયું.નાસ્તા …પીપર ચોકલેટ …મુખવાસ… જ્યુસ…બધું આવી ગયું. રસ્તામાં અંતાક્ષરી રમીશું કે ગીતો સાંભળીશું તેની પર વિવાદ ચાલી રહ્યો હતો.આનંદનાં માતા -પિતા ,પત્ની ,બાળકો બધાં જ બહુ ખુશ હતાં.તેમની ખુશી જોઇને આનંદ પણ ખુશ હતો. પણ અચાનક શનિવારે રાત્રે એક ફોન આવ્યો અને કોઈ મીટીંગ માટે આનંદ વહેલી સવારની ફલાઈટમાં બહારગામ જવા નીકળી ગયો. માત્ર એટલું કહી ગયો, ‘યુ ઓલ કેરી ઓન ….આપણે સાથે બીજી વાર જઈશું …’બધાનો ઉત્સાહ મરી ગયો અને કોઈ લોંગ ડ્રાઈવ પર ગયું.સાંજે આનંદનો ફોન આવ્યો તેને પૂછ્યું, ‘કયાં છો ..
મજા આવી રહી છે ને…’પત્નીએ કહ્યું, ‘તમારા વિના અમે ગયા જ નથી. અમે ઘરે જ છીએ; બધા નારાજ છે.’ આનંદ બોલ્યો, ‘અરે એમાં નારાજ શું થવાનું, ગાડી તમારા માટે જ લીધી છે અને તમારી પાસે જ છે તો મજા કરો ને …આટલાં સુખ સાધનો હોવા છતાં ખુશ નથી રહી શકતાં.’પત્ની કંઈ બોલી નહિ. બીજે દિવસે આનંદ ઘરે આવ્યો. ત્યારે તેના પિતા આનંદની જૂની મોટર બાઈક સાફ કરી રહ્યા હતા.આનંદ બોલ્યો, ‘પપ્પા, આ બાઈક તો દસ વર્ષ જૂની થઇ ગઈ છે, શું કામ સાફ કરો છો.હવે આ બાઈકનું શું કામ છે..
આના તો કોઈ પૈસા પણ આવે તેમ નથી.’પપ્પા બોલ્યા, ‘તને યાદ તો છે ને કે તેં આ જાત મહેનતથી કમાઈને લીધી હતી અને જયારે બાઈક આવી ત્યારે આપણે તેની પૂજા કરી હતી…તું કેટલો ખુશ હતો …દિવસમાં ત્રણ વાર તેને સાફ કરતો…મમ્મીને કહેતો હું તને શાક લેવા લઇ જઈશ…વગેરે વગેરે …’આનંદ બોલ્યો, ‘હા પપ્પા, બધું યાદ છે …પણ હવે આ બાઈક કંઈ કામની નથી, આપની પાસે ત્રણ ત્રણ કાર છે …’ પપ્પા બોલ્યા, ‘બસ આ જ વાત તને સમજાવવા માંગું છું ..બાઈક હોય કે કાર તે તો બધા સુખનાં સાધનો છે.
થોડો સમય ખુશી આપે ..પછી તેની સાથે જોડાયેલો આનંદ પાછળ છૂટી જાય અને આપણે બીજા સાધન તરફ વળી જઈએ, પણ હંમેશા સાથે રહે છે પોતીકાઓનો પ્રેમ…પ્રિયજનોના ચહેરા પરનું સ્મિત …હાસ્ય ..મનનો ઉમંગ …અને સ્નેહભરી યાદો …માટે સુખનાં સાધનો કરતાં સાથે વિતાવેલી સુખની પળો વધુ મૂલ્યવાન હોય છે અને હંમેશા સાથે રહે છે….તું બહુ મહેનત કરે છે ..પરિવાર માટે કરે છે, પણ યાદ રાખજે, પરિવારને સુખનાં સાધનો આપવામાં કયાંક સુખની પળો ખોઈ ન બેસતો.’આનંદને પપ્પાની વાત અને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેને આવતી કાલે રજા મૂકી લોંગ ડ્રાઈવ પર જવાનું સરપ્રાઈસ પ્લાન કર્યું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.