સ્વ. કમલેશકુમાર પંડ્યાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે યોજાયો કાર્યક્રમ
શિનોર:
શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ મનન વિદ્યાલય ખાતે સ્વર્ગસ્થ કમલેશકુમાર પંડ્યાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ રાત્રે સંગીતમય સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક આયોજનમાં ગામજનો તથા ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી.

મનન વિદ્યાલય માત્ર શિક્ષણક્ષેત્રે જ નહીં, પરંતુ ધાર્મિક, રાષ્ટ્રીય, સામાજિક, આરોગ્ય તથા પ્રજાલક્ષી પ્રવૃત્તિઓમાં પણ સતત સક્રિય રહી બાળકોની સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા માટે પ્રયત્નશીલ છે. એ જ પરંપરાને અનુસરી સ્વ. કમલેશકુમાર પંડ્યાની વાર્ષિક સ્મરણાંજલિ રૂપે આ સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.
છઠ્ઠી વાર્ષિક સ્મરણાંજલિ નિમિત્તે તારીખ 30 ડિસેમ્બર 2025ના રોજ રાત્રે 9 વાગ્યે મનન વિદ્યાલય, સાધલી ખાતે પરમ પૂજ્ય ગુરુજી અશ્વિનકુમાર પાઠકના સ્વરમધુર કંઠે સંગીતમય સુંદરકાંડ પાઠનું રસસભર રસપાન ભક્તોએ કર્યું હતું. પાઠ દરમિયાન ભક્તિભાવથી ભરેલું વાતાવરણ સર્જાયું હતું અને બાળકો તથા ભક્તોએ એકાગ્રતાપૂર્વક સુંદરકાંડનો લાભ લીધો હતો.
પંડ્યા અમીષાબેન, પંડ્યા યશકુમાર તથા સમગ્ર મનન પરિવાર દ્વારા આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સૌ ભક્તોએ સ્વ. કમલેશકુમાર પંડ્યાને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
રિપોર્ટર: અમિત સોની