Business

“સાગબારા”

પંચમુખી હનુમાનજી હિલ આસ્થાનું કેન્દ્ર
સાગબારા તાલુકામાં સાતપુડાની પર્વતમાળા ચોમાસામાં સૌંદર્ય સોળે કળાએ ખીલેલું હોય છે, જેમાં પંચમુખી હનુમાનજી હિલ પ્રકૃતિપ્રેમીને સ્પર્શે છે. તેમાં ચોમાસામાં વાદળો જાણે હનુમાનજી હિલને સ્પર્શ કરતા હોય એવું લાગે છે. આ ડુંગર પર પંચમુખી હનુમાનજી બિરાજેલા હોવાથી દર મંગળવારે અને શનિવારે હનુમાન ભક્તોની ભીડ ઊમટી પડે છે. ચોમાસામાં ઝીરો વિઝિબિલિટી જેવાં દૃશ્યો સર્જાય છે.

60 વર્ષ જૂની સાગબારા જાલભાઈ ખજોત્યા હાઈસ્કૂલ આજે સ્માર્ટ બોર્ડ આધારિત

તા.14મી જૂન-1965ના રોજ સાગબારા કેળવણી મંડળ સંચાલિત શ્રી જાલભાઈ ખજોત્યા હાઈસ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતમાં આ વિસ્તારને શિક્ષણનું જ્ઞાન મળે એવા ધ્યેય સાથે શિક્ષણ પ્રેમી વડવાઓએ હાઇસ્કૂલ ઊભી કરી. આ શૈક્ષણિક કેમ્પસમાં લગભગ 16 એકર જમીન એ વખતે સ્થાનિક રાજવી પરિવારે દાનમાં આપી હતી. પહેલા તો પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી હતી અને એ સમયે અંકલેશ્વર પારસી બાવાજીઓએ આ વિસ્તારમાં સૌને અક્ષરજ્ઞાન માટે વિદ્યાધામ બનાવી શકાય એ માટે આર્થિક દાન કર્યું હતું. આ શૈક્ષણિક સંસ્થાનો પાયો આદ્યસ્થાપક મદનભાઈ લીમજીભાઇ પટેલ તેમજ પાટ ગામના જેઠાકાકાએ નાંખ્યો હતો. સમયાંતરે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ થઇ. માત્ર સાગબારા નહીં પણ ડેડિયાપાડા, કુકરમુંડા, સોનગઢ સહિત આજુબાજુના તાલુકાનાં બાળકો વિદ્યા લેવા માટે સાગબારા આવતા હતા. હાલ ધો-9થી 12 સુધીની હાઈસ્કૂલ ચાલે છે. આ હાઈસ્કૂલ દિનપ્રતિદિન હાઈટેક થતાં 8 સ્માર્ટ બોર્ડ પર બાળકો અભ્યાસ કરે છે. આજે સ્કૂલ કેમ્પસની વિશેષતા છે કે ફ્રી વાયફાય કાર્યરત છે. સાગબારા કેળવણી મંડળના મંત્રી સુભાષભાઈ જેઠાભાઈ વસાવાના કુશળ વહીવટથી આ હાઈસ્કૂલ વિદ્યાધામ બની છે. આ હાઈસ્કૂલમાં બાળકોએ ખેલ મહાકુંભ કે શાળાકીય સ્પર્ધામાં ખો-ખો, કબડ્ડીની રમતમાં જિલ્લા કક્ષાએ તથા સ્થાનિક લોકનૃત્ય નેપાળ સુધી ઉજળો દેખાવ કર્યો છે. આ સ્કૂલમાં આર્થિક રીતે નબળાં બાળકો આવતા હોવાથી શરૂઆતથી જ શૈક્ષણિક તૈયાર કરતા હોય છે. ભણવામાં નબળા હોય તેના માટે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર (ફુલ ટાઈમ) ખેતી અને સિવણના ક્લાસ લેવામાં આવતાં તેઓ આર્થિક રીતે પગભર થઈ સ્વમાનભેર જીવી શકે એવો પ્રયાસ છે. આ હાઈસ્કૂલમાં આ ગત વર્ષેનું ધો.10 બોર્ડનું પરિણામ 74.03 ટકા તેમજ ધો.12 બોર્ડનું પરિણામ પણ 85.22 ટકા જેટલું આવ્યું છે. આજે આ હાઈસ્કૂલમાં ધો.9થી 12માં કુલ 518 બાળક અભ્યાસ કરે છે. આ બાબતે જાલભાઈ ખજોત્યા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ કિશનભાઈ વલવી કહે છે કે, અહીં આવતા વિદ્યાર્થીઓને શરૂઆતથી તૈયાર કરવા પડે છે. ઘણા વિદ્યાર્થીઓ આર્થિક રીતે નબળા હોય એને તૈયાર કરી અમારી હાઈસ્કૂલ બોર્ડમાં સારું પરિણામ મેળવે છે. એનો અમને અનહદ આનંદ છે.

આજે પણ ગામની મહિલાઓ પીવાના પાણી માટે દૂરથી બેડામાં પાણી
લાવવા મજબૂર

નંબર વન ગુજરાત કહેવાતી વાતોમાં આજે પણ સાગબારા મહિલાઓએ પીવાના પાણી માટે દર દર ભટકવું પડે છે. સરકાર હર ઘર નલની વાતો કરતી હોય તો પણ આજે પણ બે ટાઈમ પીવાના પાણી લેવા માટે વલખા મારવા પડે છે. ભૂતકાળમાં અન્ય કામો થવા છતાં હજુ પણ પીવાના પાણીનો પ્રશ્ન હજુ હલ થયો નથી. તત્કાલીન મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણી દ્વારા વર્ષો પહેલાં સાગબારા-ડેડિયાપાડા તાલુકામાં પાણી માટે રૂ.308 કરોડ મંજૂર તો કરાયા, નળો ફિટ થયા પણ પાણી માટે લોકો રાહ જુએ છે. સાગબારા સહિત સમગ્ર ડેડિયાપાડા તાલુકામાં પીવા માટે અણીશુદ્ધ પાણીની સમસ્યાના ઉકેલ માટે તત્કાલીન મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીની હયાતીમાં રૂ.308 કરોડની માતબર રકમ ટ્રાયબલ જૂથ પાણી પુરવઠા યોજના હેઠળમાં અમલમાં મુકાઈ હતી. આ યોજના હેઠળ પાઈપ લાઈન અને મૂકેલા સ્ટેન્ડ હાલમાં તૂટેલી હાલતમાં જોવા મળતાં પાણી પહેલા જ ખર્ચો આવી ગયો છે. તંત્ર જો નલ સે જલ યોજના યોગ્ય ને સકારાત્મક રીતે સાકાર કરે તો વાંધો નથી. પણ વેઠ ઉતારે તો માત્ર ખર્ચાળરૂપ બને એવી ભીતિ છે.

સાગબારામાં આવેલાં મંદિરો ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર
સાગબારાની ધરતી પર વર્ષો જૂના પૌરાણિક અંબા માતા સહિત મહાદેવનું મંદિર આવેલું છે. સાથે જ હનુમાનજી અને બળિયાદેવનું મંદિર આવેલું છે. અહીં ભાવિક ભક્તોએ જલારામ મંદિરનું પણ નિર્માણ કર્યું છે.

સાગબારાવાસીઓનું રેલવે લાઈનનું સપનું સપનું જ રહી ગયું!
ભૂતકાળમાં કોસંબાથી કેવડી-ઉમરપાડા અને અંકલેશ્વરથી ઝઘડિયા-નેત્રંગ વચ્ચે નેરોગેજ રેલવે લાઈન અસ્તિત્વમાં હતી. નેત્રંગ કે કેવડી-ઉમરપાડાથી સાગબારાને કનેક્ટ કરી મહારાષ્ટ્રના નંદુરબારને જોડવાનો સરવે હાથ ધરવામાં આવ્યો હતો. એ વખતે સાગબારા GEB પાસે રેલવે સ્ટેશન બનશે એવા અહેવાલો હતા. ત્યારે સાગબારાજનોને આશા હતી કે “હાશ…રેલવેમાં મુસાફરી કરીશું.” કમનસીબે રેલવે માત્ર સરવે પૂરતી મર્યાદિત રહેતાં સૌમાં નિરાશા જન્મી હતી. વરવી વાસ્તવિકતા છે કે, કોસંબાથી કેવડી-ઉમરપાડા તેમજ અંકલેશ્વરથી ઝઘડિયા-નેત્રંગ વચ્ચે નેરોગેજ રેલવે લાઈન બંધ કરી દેવાતાં સાગબારાવાસીઓ માટે માત્ર સપનું જ રહી ગયું. નેત્રંગ વિસ્તારમાં અગાઉનાં વર્ષોમાં પૂરને કારણે પાટા પણ ઉખડી જતાં તહસનહસ હાલતમાં છે.

સાગબારાની પ્રાથમિક શાળામાં સ્માર્ટ બોર્ડથી બાળકો અભ્યાસ કરે છે

વિદ્યા માનવીના જીવનમાં સફળતાની ચાવી છે. દેશને આઝાદી મળ્યા બાદ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય સાથે હોવાથી દ્વિભાષી મુંબઈ રાજ્યમાં તા.2જી ઓગસ્ટ-1954માં સાગબારા પ્રાથમિક શાળાનો પાયો નંખાયો હતો. એ વખતે વાંસની કામળી અને માટીથી લીપેલા કાચા ઘરમાં શિક્ષણ મળે એવી લાગણી હતી. શરૂઆતમાં બાળકોને અક્ષરજ્ઞાન મળે એવો ધ્યેય હતો. બાદ ગુજરાત છૂટું પડ્યું. સમયાંતરે પ્રાથમિક શાળામાં નવી સુવિધા મળતાં ધો.1થી 8માં આજે હાઈટેક યુગમાં બાળકો અભ્યાસ કરે છે. 10 રૂમ ધરાવતી સાગબારા પ્રાથમિક શાળામાં કુલ 171 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. આજે આ શાળામાં સ્માર્ટ બોર્ડથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવાય છે. સાથે G-શાળા હોવાથી શિક્ષકો સાથે ખુદ બાળકો રજિસ્ટ્રેશન બાદ અભ્યાસ કરે છે. આ શાળાનાં બાળકો ગયા વર્ષે તાલુકા કક્ષાએ વિજ્ઞાનમેળા કૃષિમાં પાકમાં ઓટોમેટિક સાચવણીમાં પ્રથમ આવ્યો હતો. સ્પર્ધામાં પણ આ શાળાનાં બાળકોએ ભાગ લીધો હતો. આ સ્કૂલમાં કુલ સ્ટાફ 6 શિક્ષકનો છે. હાલ પુસ્તકાલયનો રૂમ બની રહ્યો છે. શાળાના આચાર્ય વિશાલભાઈ વસાવા કહે છે કે, બાળકોમાં યાદશક્તિ પણ ખૂબ જ ગજબની છે. શિક્ષણમાં ખૂબ જ ગળાડૂબ થઈ જાય છે. બાદ અન્ય પ્રવૃત્તિમાં પણ ખૂબ રસ રાખે છે. શાળામાં વોકેશનલ ટ્રેનિંગમાં બાળકોએ વેસ્ટમાંથી બેસ્ટ કામ કર્યું છે. વાંસની વસ્તુઓમાંથી ઘણી વસ્તુઓ બનાવી હતી. એ માટે લગભગ ત્રણ દિવસ કામગીરી કરી હતી.

Most Popular

To Top