વડોદરામાં શો રદ્દ, ઓર્ગેનાઇઝર્સની તપાસ શરૂ કરાઈ

પ્રખ્યાત કોમેડિયન સમય રૈનાના શો પર વિવાદ સર્જાતા હવે તેના પડઘા ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. એક જાણીતા યુટ્યુબરના વિવાદાસ્પદ નિવેદન બાદ સમય રૈનાના જુના શોના ક્લિપ્સ વાયરલ થયા, જેમાં એક પછી એક અશોભનીય ટિપ્પણીઓ સામે આવી હતી. આ વિવાદ વધતા વડોદરા સહિતના શહેરોમાં તેના કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. વડોદરામાં પંડિત દિનદયાલ નગરગૃહ ખાતે 18 ફેબ્રુઆરીના રોજ યોજાનાર શો માટે બુક માય શો એપ પર ઓનલાઇન બુકીંગ શરૂ થયું હતું. જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશનની તપાસમાં ખુલ્યું કે પાલિકા દ્વારા આવા કોઈ શો માટે મંજૂરી આપવામાં આવી નથી.
વડોદરા પાલિકા દ્વારા ટિકિટ બુકીંગ પ્લેટફોર્મ ‘બુક માય શો’ અને અન્ય સંબંધિત એપ્લિકેશનને નોટીસ ફટકારવામાં આવી છે. પાલિકા ટુરીઝમ વિભાગના અધિકારી અંકુશ ગરૂડએ સ્પષ્ટ કર્યું કે ઓનલાઇન પ્લેટફોર્મ પર શો બુકિંગ બતાવાયું હોવા છતાં, પાલિકાની સત્તાવાર સિસ્ટમમાં કોઈ બુકીંગ નોંધાયું નથી. “અમે બુક માય શોને નોટીસ આપી છે અને તેમણે શો માટે બુકિંગ કરાવનારની વિગતો રજૂ કરવી પડશે. હજી સુધી અન્ય પ્લેટફોર્મનો ખુલાસો થયો નથી, પણ જો આવો કિસ્સો સામે આવશે તો તેમને પણ નોટીસ આપવામાં આવશે,” તેમ અંકુશ ગરૂડએ જણાવ્યું હતું. શોના ટકીટો અગાઉથી વેચાઈ ચૂક્યા છે, પણ હવે કાર્યક્રમ રદ્દ થવાને કારણે ટકીટ ખરીદનારને રિફંડ આપવામાં આવશે કે કેમ તે અંગે કોઇ સ્પષ્ટતા થઈ નથી. પાલિકા દ્વારા ઓર્ગેનાઈઝર્સ સુધી પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
