ગત ચોમાસામાં આ વોર્ડમાં 19 જેટલા ભુવા પડ્યા હતા
શ્રેણીક પાર્કથી અટલાદરા STP સુધીની 2.60 કિ.મી. લંબાઈમાં ટ્રીન્ચલેસ GRP લાઈનિંગથી કામ થશે
શહેરના પશ્ચિમ ઝોનના વોર્ડ નં. 12માં શ્રેણીક પાર્ક સર્કલથી અકોટા-દાંડીયા બજાર બ્રીજ જંકશન થઈને અટલાદરા STP સુધી આવેલી 1800 મીમી વ્યાસની જૂની ડ્રેનેજ ગ્રેવિટી લાઇનના રીહેબીલીટેશન માટે વડોદરા મહાનગરપાલિકાએ રૂ. 79.29 કરોડ (+GST)ના ખર્ચ સાથે ટેન્ડર સ્થાયી સમક્ષ રજૂ કરાયું છે. અકોટા, મુંજમહુડા, શિવાજી સર્કલ અને બીપીસી રોડ જેવા વિસ્તારોની ડ્રેનેજ લાઇન મુખ્ય નિકાસ લાઇન સાથે જોડાયેલી છે. ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદથી આ લાઇન તૂટી ગઈ હતી, જેના કારણે પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ હતી. આ સાથે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકો માટે સલામતીના પ્રશ્નો પણ ઉભા થયા હતા.
કન્સલ્ટન્ટ M/s NJS India Pvt. Ltd. દ્વારા આ પ્રોજેક્ટ માટે સર્વે કરવામાં આવ્યો હતો. આ લાઇનના રીહેબીલીટેશન માટે GRP Type II (ગ્લાસ રેઈનફોર્સ પ્લાસ્ટિક) અપનાવાશે, જે મુંબઇ, દિલ્હી અને વારાણસી જેવા શહેરોમાં પણ ઉપયોગમાં લેવામાં આવી છે. આ પદ્ધતિ મજબૂત અને લાંબા ગાળે ટકાઉ હોવાને કારણે મહાનગરપાલિકા દ્વારા પસંદ કરવામાં આવી છે. આ કામ માટે 27 જાન્યુઆરી 2025 ના રોજ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ માટે ત્રણ ઈજારદારો દ્વારા અલગ અલગ ભાવ આપવામાં આવ્યા હતા, જેમાં Welspun Michigan Engineers Ltd. ની બિડ 4.44% વધુ હોવા છતાં ટેક્નિકલ અને ફાઇનાન્શિયલ વિશ્લેષણ બાદ મંજૂર કરવામાં આવી. ટેંડર સ્ક્રુટિની કમિટીએ 20 ફેબ્રુઆરી 2025ના રોજ અંતિમ મંજૂરી આપી હતી.
2.60 કિ.મી. લંબાઈની ડ્રેનેજ લાઇનનું પુનઃસ્થાપન સાથે સુવેજ નિકાલ માટે વધુ સક્રિય અને મજબૂત સિસ્ટમ તૈયાર થશે. આગામી ચોમાસામાં વિસ્તારના લોકોને ઓછી તકલીફ પડે એવું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. GRP લાઈનિંગ અને ટ્રીન્ચલેસ ટેક્નોલોજી વડોદરાના ડ્રેનેજ સિસ્ટમ માટે નવા યુગની શરૂઆત સાબિત થશે. મહાનગરપાલિકા આ પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરીને શહેરવાસીઓને સુવિધા ઉપલબ્ધ કરાવશે.
