Charotar

વીરપુરમાં ત્રિપલ અકસ્માતમાં એકનું મોત

પુરપાટ ઝડપે જતી કારે ઓવરટેકની લ્હાયમાં અન્ય કાર અને બાઇકને હડફેટે ચડાવ્યા

વીરપુરના રતનકુવા પાટીયાથી આગળ પુરપાટ ઝડપે જતી કારે ઓવર ટેક કરવાની લ્હાયમાં એક બાઇક અને અન્ય કારને હડફેટે ચડાવ્યાં હતાં. જેમાં બાઇક સવારને મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણેક વ્યક્તિને નાની – મોટી ઇજા પહોંચી હતી. આ અંગે વીરપુર પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

વીરપુરના ડેભારી ગામમાં રહેતા ચેતનકુમાર સોમેશ્વર જોષી છેલ્લા કેટલાક સમયથી ઠાસરાના નેસ ગામમાં સ્થાયી થયાં છે અને તેઓ સરદારપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ચેતનકુમાર 22મીની સાંજમાં તેમના પત્ની નયનાબહેન તથા પુત્ર દેવ, ભવ્ય સાથે કાર નં.જીજે 13 એનએન 9457 લઇને ડેભારી વતનથી નેસ ગામમાં જવા નિકળ્યાં હતાં. તેઓ વીરપુર પસાર કરી બાલાસિનોર તરફ જવાના રોડ પર જતા રતનકુવા પાટીયાથી આગળ જતાં પાછળ મારૂતી વાન પુરઝડપે ધસી આવી હતી અને ઓવરટેક કરી હતી. આ દરમિયાન મારૂતી વાનના ચાલકની બેદરકારીથી સામેથી આવતું બાઇક નં.જીજે 7 ઇએચ 0756 સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેના કારણે તેના પર સવાર યુવક અને મહિલા રસ્તા પર જ પટકાયાં હતાં. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બેફામ સ્પીડમાં રહેલી મારૂતિ વાન કાબુમાં ન રહેતા તેણે ચેતનકુમારની ગારને પણ ટક્કર મારી દીધી હતી. પલકઝપકમાં થયેલા આ અકસ્માત અંગે ચેતનકુમારે તાત્કાલીક 108ને જાણ કરતાં ટીમ સ્થળ પર દોડી આવી હતી. પ્રથમ ઇજાગ્રસ્ત બાઇક સવાર મહિલાને સારવાર માટે વીરપુર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં. જ્યારે બન્ને કારમાં સવાર વ્યક્તિઓને નાની મોટી પહોંચતાં સારવાર આપવામાં આવી હતી.

આ અંગે વીરપુર પોલીસ મથકે અકસ્માત સર્જનાર કાર નં.જીજે 6 એચડી 6048ના ચાલક સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top