Vadodara

વિદ્યુત ટેક્નિકલ કર્મચારી મંડળે વર્ગ-૩ અને ૪ના પડતર પ્રશ્નો અંગે ઉર્જા મંત્રીને રજૂઆત કરી

(પ્રતિનિધિ) વડોદરા, તા. ૩૧
ગુજરાત વિદ્યુત ટેક્નિકલ કર્મચારી મંડળ દ્વારા વર્ગ-૩ અને વર્ગ-૪ના ટેક્નિકલ કર્મચારીઓના પગાર, એલાઉન્સ, ઓવરટાઈમ સહિતના લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈને ઉર્જા મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. મંડળના જનરલ સેક્રેટરી રાજુભાઈ ખાત્રીની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલની શુભેચ્છા મુલાકાત લઈ કર્મચારીઓની સમસ્યાઓથી અવગત કરાવ્યા હતા.
રજૂઆત દરમિયાન જણાવાયું હતું કે ગુજરાત વિદ્યુત ટેક્નિકલ કર્મચારી મંડળ એ વર્ગ-૩ અને વર્ગ-૪ના ટેક્નિકલ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરનાર માન્યતા પ્રાપ્ત યુનિયન છે. ઉર્જા મંત્રી દ્વારા ટેક્નિકલ કર્મચારીઓની સલામતી, કાર્યસ્થિતિ તથા તેમના પરિવારજનોની ચિંતાઓ પ્રત્યે દર્શાવાયેલી સંવેદનશીલતા અને સહાનુભૂતિ બદલ કર્મચારી વર્ગ તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ઉર્જા વિભાગનો કાર્યભાર સંભાળ્યા બાદ સમગ્ર ટેક્નિકલ કર્મચારીઓમાં નવી ઉર્જા, ઉત્સાહ અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું હતું, જેના કારણે વિભાગની કાર્યક્ષમતામાં સકારાત્મક અસર જોવા મળી રહી છે. તેમ છતાં, ટેક્નિકલ કર્મચારીઓની સલામતી માટે જરૂરી સાધનો નિયત સમયમર્યાદામાં ન મળતા હોવા અને સલામતી બાબતે પૂરતા પગલાં ન લેવાતા હોવાની ગંભીર ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી.
આ ઉપરાંત, વર્ષોથી પડતર રહેલી માંગણીઓ જેમ કે કુશળ કારીગરોને વર્ગ-૩નો પગાર આપવા, એલાઉન્સમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા, રિસ્ક એલાઉન્સ તથા ઓવરટાઈમ ચુકવણી બાબતે યોગ્ય અને ન્યાયસભર નિરાકરણ આવે તેવી આશા તમામ ટેક્નિકલ કર્મચારીઓએ વ્યક્ત કરી હતી. ઉર્જા મંત્રીના સકારાત્મક અને કર્મચારીમૈત્રી અભિગમથી આવનારા સમયમાં ન્યાય, પારદર્શકતા અને કર્મચારી કલ્યાણને વધુ પ્રોત્સાહન મળશે એવો વિશ્વાસ કર્મચારી વર્ગે વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top