Fashion

વાળની સુંદરતા અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

વાળની સુંદરતા અને સ્વાસ્થ્ય માટે
ફાયદાકારક હેર ઓઇલ્સ

આપણાં દાદી-નાની અને મમ્મીઓ ઘણી વાર કહે છે કે વાળમાં તેલ નાખવું વાળના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. એનાથી વાળ લાંબા, ભરાવદાર અને મજબૂત બને છે. આયુર્વેદ સૌંદર્યશાસ્ત્ર અનુસાર પણ અઠવાડિયામાં એક કે બે વાર વાળ ધોતા પહેલાં વાળમાં તેલ નાખવું આવશ્યક ગણાય છે. આજની યુવતીઓને વાળમાં તેલ નાખવાનું પસંદ નથી, તેઓ મોટા ભાગે વાળ કોરા જ રાખે છે. તેમને ભલે આ વિચાર જુનવાણી લાગે પરંતુ ભરાવદાર, મુલાયમ વાળ માટે એકદમ કારગત ઉપાય છે. સપ્તાહમાં બે વાર તેલ નાખી આખી રાત રાખવાથી વાળને પોષણ મળે છે. હેર ઓઇલમાં પણ ઘણું વૈવિધ્ય હોય છે. હેર ઓઈલમાં વાળની વૃદ્ધિ, રૂક્ષ ખોપરી અને ખોડાનો મુકાબલો કરવો, ડેમેજ રીપેર કરવું, વાળને શાઇન આપવા સાથે પોષણ આપવાના ગુણો હોવા જોઇએ. યોગ્ય હેર ઓઇલની પસંદગી કરતા પહેલાં તમારા વાળનો પ્રકાર અને ગુણવત્તા જાણવા પણ જરૂરી છે. તમે તેલના કોમ્બિનેશન પણ ટ્રાય કરી શકો.

કોપરેલ
વાળનો ગ્રોથ વધારવા માટે સૌથી લોકપ્રિય તેલોમાં એક છે કોપરેલ. કોપરેલમાં ફેટી એસિડ વધુ માત્રામાં હોય છે. જે હેર ફોલિકલ્સને પોષણ આપે છે. તેમાં કાર્બોહાઇડ્રેટ, મિનરલ્સ અને વિટામિન્સ પણ હોય છે જે વાળના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. શુદ્ધ કોપરેલને વાળમાં લગાડતાં પહેલાં હૂંફાળું કરો. તમે એમાં લીમડો, બ્રાહ્મી કે આમળા જેવી જડીબુટ્ટી પણ નાખી શકો.


ફાયદા
વાળના ગ્રોથમાં મદદ કરવા સાથે એ વાળને સ્વસ્થ, મુલાયમ અને ચમકદાર બનાવવામાં પણ સહાય કરે છે. કોપરેલનો કન્ડિશનર તરીકે પણ ઉપયોગ કરી શકાય કારણ કે એમાં વિટામિન Eઅને એન્ટી ઓકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. કોપરેલ બધા પ્રકારના વાળ માટે ફાયદાકારક છે. ડ્રાય, ડેમેજ અને ડલ વાળ માટે બહુ લાભદાયી છે. વાળનો ગ્રોથ ધીરેથી થતો હોય તેમણે પણ વાળમાં કોપરેલ નાખવું જોઇએ.
ઓલિવ ઓઇલ
આ એક વર્સેટાઇલ ઓઇલ છે. એમાં પ્રોટેક્ટિવ અને મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે. એ વાળના કુદરતી કેરોટિનને પ્રોટેકટ કરે છે અને એના એન્ટી ઓક્સિડન્ટ ગુણો પ્રાકૃતિક કન્ડિશનરનું કામ કરે છે. સારા પરિણામ માટે ઓર્ગેનિક, એકસ્ટ્રા વર્જીન વર્ઝનનો ઉપયોગ કરો. એમાં રહેલું ઓલિક એસિડ મોઇશ્ચરને વાળમાં લોક કરે છે. વાળને મૂળમાંથી પોષણ આપે છે.


ફાયદા
એ વાળને મુલાયમ બનાવવાની સાથે એક સારું સ્ટ્રકચર આપે છે. પોતાના એન્ટી ઇન્ફલેમેશન ગુણને કારણે ખોડાની સમસ્યામાં પણ ફાયદો કરે છે. જયારે એમાં લીંબુનો રસ નાખી ઉપયોગમાં લેવામાં આવે ત્યારે એ ગરમીને કારણે વાળને થતા નુકસાનથી બચાવે છે. ડેમેજ, ડલ, ડ્રાય અને ખોડા માટે બહેતર છે. ઓલિવ ઓઇલ સૂકા કે ભીના વાળમાં નાખી શકાય. ગરમ કરીને પણ નાખી શકાય. વાળ ધોવાના 1/2 કલાક પહેલાં વાળના મૂળ અને લટમાં લગાડી ગરમ ટુવાલ વિંટાળી દો. થોડી વાર બાદ શેમ્પુથી વાળ ધોઇ નાખો.
લેમનગ્રાસ ઓઇલ
આ એક એસેન્શિયલ ઓઇલ છે જે બહુ સુગંધિત જડીબુટ્ટીમાંથી બનાવવામાં આવે છે. એમાં ઘણા પ્રકારનાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. એ હેર ફોલિકલ્સને મજબૂત બનાવે છે અને વાળ ઓછા ખરે છે. વાળને શાઇની બનાવે છે.
ફાયદા
આ ઓઇલમાં એન્ટી ફંગલ અને એન્ટી વાયરલ ગુણ હોય છે. સ્કેલ્પ સંબંધિત અનેક પરેશાનીમાંથી છૂટકારો મેળવવામાં, ખોડો ઓછો કરવામાં અને ડ્રાય સ્કેલ્પને મોઇશ્ચરાઇઝ્ડ કરવાનું કામ કરે છે. બધા પ્રકારના વાળ માટે આ ઓઇલ બેસ્ટ છે પરંતુ જેમની સ્કેલ્પ એકસ્ટ્રા ડ્રાય હોય અને બહુ તનાવગ્રસ્ત રહેતા હોય એમને માટે વધુ ફાયદાકારક છે. 2 ટેબલ સ્પૂન કોપરેલમાં 10 ટીપાં લેમનગ્રાસ ઓઇલ મિકસ કરી સ્કેલ્પનું માલિશ કરી આખી રાત રહેવા દો. તમે શેમ્પુ કે કન્ડિશનરની બોટલમાં પણ થોડાં ટીપાં મિકસ કરી શકો.
દિવેલ
આ તેલ બહુ જાડું અને ચીકણું પરંતુ ગુણોથી ભરપૂર છે. વિટામિન E, પ્રોટીન અને ખનિજથી ભરપૂર આ તેલ ખોડાથી છૂટકારો મેળવવામાં મદદ કરે છે. એમાં રહેલું રિસિનોલિક એસિડ સ્કેલ્પ ઇન્ફલેમેશન દૂર કરવામાં મદદ કરે છે.


ફાયદા
દિવેલ વાળને મોઇશ્ચરાઇઝ કરી સ્મુધ બનાવે છે, લોહીના પરિભ્રમણમાં મદદ કરે છે આથી વાળ ઝડપથી વધે છે.શુષ્ક સ્કેલ્પથી પરેશાન માટે ફાયદાકારક છે. સ્કેલ્પ અને વાળમાં દિવેલ લગાડી આખી રાત રહેવા દો. એ ચીકણું હોવાથી હૂંફાળા પાણીથી વાળ ધુઓ. દિવેલનો નિયમિત ઉપયોગ કરવાથી વાળ સ્વસ્થ, ભરાવદાર, ચમકદાર થાય છે. ચીકાશ ઓછી કરવા તમે એમાં એટલી જ માત્રામાં તલનું તેલ મિકસ કરી શકો.
અનિયન ઓઇલ
એનાથી વાળ ઓછા ઊતરે છે. સલ્ફર, વિટામિન C B9, B 6, પોટેશિયમ અને અન્ય ઘણાં મિનરલ્સ જેવાં પોષક તત્ત્વોથી ભરપૂર કાંદાના બ્યૂટી બેનિફિટસ છે. વાળના મૂળને મજબૂત કરવા, વાળના ગ્રોથ અને મુલાયમ બનાવવામાં મદદ કરે છે.
ફાયદા
આ તેલના એન્ટી ઇન્ફલેમેશન, ફંગલ, એન્ટી ઓક્સિડન્ટસ અને એન્ટી બેકટેરિયલ ગુણ તમારી સ્કેલ્પ સહિત વાળ સંબંધિત અનેક સમસ્યાઓમાં ઉપચાર તરીકે કામ કરે છે.
ડ્રાય હેર અને વાળ તૂટવાથી પરેશાન લોકો માટે ફાયદાકારક છે. ઊતરેલા વાળને ઝડપથી પાછા મેળવવા ઇચ્છનાર માટે બેસ્ટ છે કારણ કે એ હેર ફોલિકલ્સમાં ફરીથી જાન પૂરવાનું કામ કરે છે. ભરાવદાર વાળ મેળવવા ઇચ્છનાર માટે પણ આ તેલ સારું છે. એને સીધા સ્કેલ્પ અને વાળમાં લગાડી આખી રાત રહેવા દો. એનો ઉપયોગ ડીપ કન્ડિશનિંગ ટ્રીટમેન્ટ માટે પણ કરી શકાય છે.

Most Popular

To Top