Columns

વારસાને ભૂલી જવાનો? ભૂંસી નાખવાનો?

પાકિસ્તાનની સ્થાપના થઇ એ પછી સવાલ પેદા થયો કે વિદ્યાર્થીઓને શું ભણાવવું અને શું ન ભણાવવું? આખરે ગર્વ સાથે મુસલમાનો માટે સ્થાપવામાં આવેલો ઇસ્લામિક દેશ છે, જેવોતેવો દેશ થોડો જ છે! જેમ કે ઇતિહાસ ભણાવવો હોય તો તેની શરૂઆત ક્યાંથી કરવી? પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું ત્યારથી? વળી પાછો વિચાર કર્યો કે પાકિસ્તાન તો ઇસ્લામનું પરિણામ છે. જો ભારતમાં ઈસ્લામ ન આવ્યો હોત તો મુસલમાન ન હોત અને તેમને માટે પાકિસ્તાન બન્યું જ ન હોત, માટે પાકિસ્તાનની ભૂમિમાં ઈસ્લામ આવ્યો ત્યારથી પાકિસ્તાનનો ઇતિહાસ લખવાનું અને ભણાવવાનું શરૂ કરવું જોઈએ.

જેમને દૂરનું વિચારતા આવડતું હતું એવા લોકોએ સવાલ ઉપસ્થિત કર્યો કે ઈસ્લામ નહોતો પણ આજે જ્યાં પાકિસ્તાન રચાયું છે એ ભૂમિ તો એ પહેલાંથી હતી. જગતની પ્રાચીન સભ્યતામાંની એક સિંધુ નદીના કાંઠે વિકસેલી સભ્યતા માટે પાકિસ્તાની નાગરિકે ગર્વ લેવો જોઈએ કે નહીં? બૌદ્ધકાલીન વિશ્વપ્રસિદ્ધ તક્ષશિલા વિશ્વવિદ્યાલય અત્યારના પાકિસ્તાનમાં હતી તો એ માટે પાકિસ્તાનીઓએ ગર્વ લેવો કે નહીં? આ વિરાસત અત્યારના પાકિસ્તાનમાં ઇસ્લામનું આગમન થયું એ પહેલાંની છે એટલે તેની ઉપેક્ષા કરવાની?

એવી પણ દલીલ કરવામાં આવી કે ધર્મને ત્રાજવે વસુંધરાને તોળવાની ન હોય. ત્રાજવું નાનું પડશે અને ધર્મઘેલા લોકો રાષ્ટ્રભાવના શી કહેવાય એ સમજી નહીં શકે. ભૂમિને જો પ્રેમ કરવો હોય તો ભેદભાવ કર્યા વગર ભૂમિએ જે આપ્યું છે અને ભૂમિમાં જે બન્યું છે તેનો નિખાલસ સ્વીકાર કરવો જોઈએ. મુસલમાનોનું ઈસ્લામિક પાકિસ્તાન જો આ ભૂમિની પેદાશ છે તો સિંધુસભ્યતા અને બૌદ્ધસંસ્કૃતિ પણ આ જ ભૂમિની પેદાશ છે. પાકિસ્તાની મુસલમાનોના પરદાદાઓ પણ આ જ ભૂમિની પેદાશ છે, જ્યારે તેઓ મુસ્લિમ નહોતા અને તેમણે આ જ ભૂમિ ઉપર ઇસ્લામ સ્વીકાર્યો હતો.

આ સમસ્યા માત્ર પાÀકિસ્તાનની જ છે એવું નથી, જગતના મોટાભાગના મુસ્લિમ દેશો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા, ઈજીપ્ત, ઈરાન, તુર્કીમાં આ સમસ્યા મોટી છે કારણ કે આ દેશોમાં ઈસ્લામ પૂર્વેની સભ્યતા સમૃદ્ધ હતી અને તેનો વારસો ત્યાંની પ્રજા ભોગવે છે. એ વારસાને ભૂલી જવાનો? ભૂંસી નાખવાનો? એ દેશોમાં કેટલાક લોકોને એમ લાગે છે કે એ સમૃદ્ધ વારસો પ્રાગ-ઇસ્લામિક છે એટલે તેને નકારી ન શકાય. એ આપણો છે, આપણા વડીલોએ વિકસાવ્યો છે. એ ઈસ્લામ પૂર્વેનો છે કે પછી સહિયારો છે તેનાથી શું ફરક પડે છે? બીજી બાજુ એવા કેટલાક લોકો પણ છે જે એમ માને છે કે વિશ્વના એક માત્ર સાચા ધર્મના પ્રાદુર્ભાવ પછી જ સાચું જગત અસ્તિત્વમાં આવ્યું એટલે એ પહેલાંનાં કાચા-અધૂરા જગતને ભૂલી જવામાં કોઈ નુકસાન નથી. હકીકતમાં ભૂલી જ જવું જોઈએ અને ભૂંસી નાખવું જોઈએ. સાચા મુસલમાનની આ ફરજ છે.

અંતે પાકિસ્તાનમાં અને અન્યત્ર બીજા પ્રકારના લોકોનું પલડું ભારી નીવડ્યું અને પ્રાગ-ઇસ્લામિક વિરાસતને ભૂલવાનું અને ભૂંસવાનું શરૂ થયું. શિક્ષણસંસ્થાઓ કબજે કરવામાં આવી અને ત્યાં ધર્મઝનૂની અને અક્કલના ઓથમીરોને ગોઠવવામાં આવ્યા. ગેરઇસ્લામિક વિરાસતને ભુલાવનારા પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યા અને એ વિરાસતને ભૂંસવાનું તાલેબાની આંદોલન શરૂ થયું. આપણો ધર્મ જગતનો શ્રેષ્ઠ ધર્મ છે અને આપણે જગતની શ્રેષ્ઠ પ્રજા છીએ. જગતે આપણી પાસેથી શીખવું જોઈએ અને જગત આપણું ઋણી છે અને રહેશે.

તેઓ વિશ્વગુરુ એવો શબ્દપ્રયોગ કરતા નથી પણ પોતાને એટલે કે ઇસ્લામને તેમ જ મુસલમાનોને અન્ય ધર્મીઓ માટે પથદર્શક કહે છે. નકારનારી વિચારધારાને પરિણામે શું થયું? સત્તાધીશો, ધર્મગુરુઓ, અખંડ વિરાસતને ખંડિત કરનારાઓ, શિક્ષણસંસ્થાઓ ઉપર કબજો કરનારાઓ, સહિયારી વિરાસતને ભુલાવનારા પાઠ્યપુસ્તકો લખી આપનારાઓ, અખંડ વિરાસતને ભૂંસવા માગનારા તાલેબાનો વગેરે એકબીજાને સહારે પેદા થયા અને તેમની વચ્ચે એક ધરી રચાઈ જેણે પાકિસ્તાનને બરબાદ કરી નાખ્યું.  હવે જ્યારે આવી પ્રવૃત્તિ ભારતમાં શરૂ થઈ છે ત્યારે બે સવાલ પૂછવા રહ્યા. ખાસ કરીને એ લોકોને જેઓ ધર્મઘેલા હિન્દુત્વવાદીઓ છે.

પહેલો સવાલ એ કે જે માર્ગ તમે આજે અપનાવવા માગો છે એ માર્ગ પાકિસ્તાન સહિતના મુસ્લિમ દેશો દાયકાઓથી અપનાવતા આવ્યા છે. એ દેશો આ માર્ગ અપનાવીને આબાદ થયા કે બરબાદ થયા? એક દેશનું નામ આપો જે આ માર્ગ અપનાવીને આબાદ થયા હોય. બીજો પ્રશ્ન એ કે વિધર્મીઓના વાસ્તવ તેમ જ વારસાને ભૂલાવવા અને ભૂંસવાના સંગઠિત રીતે લાખ પ્રયત્નો કર્યા પછી પણ એ ભૂલાયા અને ભૂંસાયા છે? એક દાખલો આપો. આનું દેખીતું કારણ એ છે કે બેવકૂફોને ડરાવવા અને રડાવવા માટે એ જ સામગ્રી કામમાં આવે છે જેને તેઓ ભૂલાવવા અને ભૂંસવા માગે છે.

અફઘાનિસ્તાનમાં બામિયાનમાં બુદ્ધની પ્રતિમાઓને તોડી નાખ્યા પછી પણ એ ખંડેર આજે પણ અફઘાનિસ્તાનમાં બૌદ્ધ વારસાની દાસ્તાન આપે છે. આવતીકાલે સમજો કોઈ હિંદુ તાલેબાન તાજમહેલને તોડી નાખે તો પણ એ મુઘલ સામ્રાજ્યના વૈભવની દાસ્તાન આપતો રહેશે. જેનું પોતાનું અસ્તિત્વ વિધર્મીઓના ખૌફ પર આધારિત હોય એ ક્યારેય વિધર્મીઓને, તેમના અસ્તિત્વને અને તેમના વારસાને ભૂલી કે ભૂંસી ન શકે. 

જે આ પ્રવૃત્તિ કરે છે તેમનો પોતાનો સત્તાકીય સ્વાર્થ હોય છે. પ્રજા ઉપર વર્ચસ્વ બની રહેવું જોઈએ અને પ્રજા હાથમાંથી જવી ન જોઈએ પણ જે લોકો કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર ભરમાઈને ટેકો આપે છે તેમના હાથમાં શું આવે છે? બરબાદ પેઢીઓ. જો વિવેકનો સૂર્ય ઊગતા વાર લાગે તો એક બે નહીં અનેક પેઢીઓની બરબાદી. નુકસાન મુસલમાનોનું, મુઘલોનું, ગાંધીજીનું કે સેક્યુલર હિંદુઓનું નથી થવાનું તમારું પોતાનું થવાનું છે.

Most Popular

To Top