જે બાઈક પર આવ્યા હતા એ પણ ચોરીનુ નીકળ્યું, એક ચોર સ્થળ પરથી ફરાર થઈ ગયો
ચોર આવ્યા ચોર આવ્યાની વાતો વચ્ચે વારસિયા વિસ્તારમાં ખરેખર ચોરી કરવાના ઇરાદે ત્રણ રીઢા ચોર આવ્યા હતા. લોકોએ ઊભા રાખી પૂછપરછ કરતા તેઓ ભાગ્યા હતા. પરંતુ ભાગવા લાગ્યા ત્યારે ચોર ચોરની બૂમો પાડતા લોકોના ટોળાએ હથિયારો સાથે આવી બેને ઝડપી પડ્યા હતા. જ્યારે એક ભાગી ગયો હતો. બંનેને એટલી હદે માર માર્યો હતો કે ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડ્યા હતા જ્યાં એકનું મોત નીપજ્યું છે. ચોરી કરવા આવેલા ત્રણેય શખ્સો ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. અને તેમની સામે ઘર ફોડ તથા બાઇક ચોરી સહિતના ગુના પણ નોંધાયેલા છે.
વડોદરા શહેરમાં છેલ્લા કેટલા દિવસથી રાત્રિના સમયે ચોર ટોળકી ચોરી કરવાના ઇરાદે આવતી હોય છે. જેને લઈને લોકોએ ઉજાગરા કરવા પડી રહ્યા છે. લોકોમાં તસ્કર ટોળકી પ્રત્યે ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. દરમિયાન 18 ઓક્ટોબર ના રોજ રાત્રિના સમયે એકતા નગરમાં રહેતા રીઢા આરોપીઓ સેહબાજ અને ઈક્રમ ઉર્ફે અલી ત્રણ જણા ચોરીની બાઈક સાથે આ વિસ્તારમાં ચોરી કરવાના ઇરાદે આવ્યા હતા. બાઈક ગુરુ નાનક મંદિર સાઈડ પાર્ક કરીને ચાલતા આવી રહ્યા હતા તે દરમિયાન ત્યાં રાત્રિના સમયે ચોરો ની આશંકાએ ઉજાગરા કરતા જાગી રહેલા લોકોએ તેમને ઉભા રહેવા કહ્યું હતું. પરંતુ તેઓ ભાગવા લાગ્યા હતા. લોકોએ ચોર ચોર ની બૂમો પાડતા ટોળું ભેગું થઈ ગયું હતું અને હથિયારો સાથે ધસી આવેલા લોકોએ ઝડપાઈ ગયેલા બે ચોર શેહબાજ અને અલીને ઢોર માર માર્યો હતો. જ્યારે એક શખ્સ ફરાર થઈ ગયો હતો. પોલીસે તપાસ કરતા આ ત્રણેય શખ્સો ગુનાઈત ભૂતકાળ ધરાવે છે અને તેમની સામે બાઈક અને ઘરફોડ ચોરી સહિતના અને ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યુ છે. જે બાઈક લઈને આવ્યા હતા તે બાઈક પણ ચોરીની હોવાનું સામે આવ્યું છે તેની ફરિયાદ પણ લેવાની તજવીજ સિટી પોલીસે હાથ ધરી છે, તેમ ડીસીપી પણ પન્ના મોમાયાએ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે ચોર ટોળકીની અફવા તો ઘણા સમયથી આવી રહી છે. જેથી અમે લોકોને બેઠક કરીને સમજાવ્યા હતા કે કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ વિસ્તારમાં દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરો અને કાયદો પોતાના હાથમાં ન લેવા પણ અપીલ કરી હતી. સીસીટીવી ફૂટેજમાં ચોરો પર હુમલો કરનાર લોકોની ઓળખ કર્યા બાદ તેમની વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી પણ કરવામાં આવશે.