ખોડિયારનગરના યુવકને કલર કામ અપાવવા બહાને કારમાં બેસાડી લઇ ગયાં
પ્રતિનિધિ વડોદરા તા.6
વડોદરા શહેરના ખોડિયારનગર ચાર રસ્તા પાસે રહેતા શ્રમિક કામ માટે સંગમ ચાર રસ્તા પાસે ઉભા હતા. ત્યારે કલરકામના બહાને ત્રણ શખ્સોએ તેમનું કારમાં અપહરણ કર્યા બાદ કેલનપુર વિસ્તારમાં એક સુમસામ જગ્યા પર લઇ ગયા હતા. ત્યાં તેમને ત્રણેય જણાએ તેમને ઢોર માર માર્યા બાદ મોબાઇલ, ચાંદીનું કડુ અને વિંટ મળી રુ 30 હજારની લૂંટ ચલાવી હતી. ફરી તેમને કાર બેસાડી થોડે આગળ લઇ ગયા બાદ રોડ પર ફેંકી ટોળકી ફરાર થઇ ગઇ હતી. જેથી શ્રમિકે ટોળકી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવી છે.મૂળ વતન યુપીના અને હાલમાં વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ પર ખોડિયારનગર ચાર રસ્તા પાસે આવેલા સંતોષીનગરમાં રહેતા ફુલસિંહ ચીપ્રસાદ બાઘલે 4 જૂનના રોજ સંગમ ચાર રસ્તા પાસે કામ માટે ઉભો હતો. દરમિયાન ત્રણ શખ્સો એક કારમાં આવ્યા હતા અને તેમને સોમા તળાવ પાસે કલર કામ કરવાનુ છે તેમ કહયું હતું ત્યારબાદ તેમને કારમાં બેસાડી બધા કાચ બંધ કરી દીધા હતા. કાર સોમા તળાવથી આગળ પસાર થઇને કપુરાઈ ચોકડી પર આવી જતા તેમણે સોમા તળાવ ગયુ આપણે કઇ બાજુ જવાનું છે તેમ કહેતા તેઓએ શાંતીથી બેસી રહે તેમ કહ્યું હતુ. ગાડીના કાચ ખોલો મારો મને ગભરામણ થાય છે તેમ કહેતા તેમની બાજુમા બેઠેલા એક શખ્સે કમરના ભાગેથી ચપ્પુ કાઢી તેમને ચુપ ચાપ બેસ નહિ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી ત્યારબાદ તેઓ તેમને કેલનપુર ગામ પહેલા ફાટકથી આગળ કાર મેઇન રોડથી એક ગામની અંદર સુમસામ જગ્યા પર ચાર માળનુ એપાર્ટમેન્ટ હતુ ત્યા લઇ ગયા હતા. ત્રણેય જણાએ તેમને ઢોર માર્યા બાદ મોબાઇલ, ચાંદીનુ કડુ તથા ચાંદીની વીટીની લૂંટ લીધા હતા. ત્યારબાદ ફરી કારમાં બેસાડી દીધો હતો અને થોડી દુર લઇ ગયા બાદ તેમને નીચ ફેંકી ટોળકી ફરાર થઇ ગઇ હતી. લુંટારુ ટોળકીએ કારમાં યુવકનું કારમાં અપહરણ કરી સુમસામ જગ્યા પર લઇ ગયા બાદ માર મારી મોબાઇલ, ચાંદીનું કડુ અને વિટી મળી રૂ. 30 હજારની મતાની લૂંટ ચલાવી હતી. ફુલસિંહ બાઘલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં લુંટરુઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે