Vadodara

વડોદરા મહાનગરપાલિકા ફાયર વિભાગને આધુનિક અને સક્ષમ બનાવવા વ્યાપક આયોજન

૯ થી ૧૬ ફાયર સ્ટેશન સુધીનો વિસ્તાર, કરોડોના ખર્ચે નવા સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સ

સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલભાઈ મિસ્ત્રી જણાવે છે કે વડોદરા શહેર સાંસ્કૃતિક અને કલાનગરી હોવા સાથે ઉત્સવોની નગરી પણ છે. શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ઉદ્યોગો વિકસેલા છે. ઉપરાંત ચાર દરવાજા વિસ્તાર સહિત પોળો જેવા ઘીચ વસ્તી ધરાવતા વિસ્તારો પણ આવેલ છે. આવા સંજોગોમાં કોઈપણ આપત્તિ કે અનિચ્છનીય બનાવ સામે તાત્કાલિક અને અસરકારક પ્રતિભાવ આપવો જરૂરી બને છે, જે માટે વડોદરા મહાનગરપાલિકાનો ફાયર વિભાગ તમામ સંજોગોમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યો છે

*વસ્તી પ્રમાણે ફાયર સ્ટેશનની જરૂરિયાત
વડોદરા શહેર તેમજ તેની આસપાસના ગામડાઓ અને વિકસતા ઉદ્યોગોને ધ્યાનમાં રાખી વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે ફાયર સ્ટેશનોમાં વધારો તેમજ ફાયર ફાઈટરોની ભરતી કરવામાં આવે છે. નિયમ મુજબ દર ૫૦,૦૦૦ વસ્તીદીઠ એક ફાયર સ્ટેશન હોવું જોઈએ, જેના અનુસંધાને હાલ વડોદરા મહાનગરપાલિકા પાસે ૯ ફાયર સ્ટેશન કાર્યરત છે. આવનારા સમયમાં આ સંખ્યા વધારીને કુલ ૧૬ ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલના ૯ ફાયર સ્ટેશન માટે અધિકારીઓ અને ફાયરમેન સહિત કુલ ૨૮૦ જગ્યાઓ ભરવામાં આવી છે.

*નવા ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સ માટે કરોડોની મંજૂરી
વડોદરા મહાનગરપાલિકાના અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ માટે સાયજીપુરા ખાતે રૂ. ૮.૬૫ કરોડના ખર્ચે ૩૦ સ્ટાફ ક્વાર્ટર્સ સાથેનું ફાયર સ્ટેશન તથા મકરપુરા ખાતે રૂ. ૧૨.૭૭ કરોડના ખર્ચે ૪૦ સ્ટાફ ક્વાર્ટર્સ સાથેનું ફાયર સ્ટેશન બનાવવા વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે.
તે ઉપરાંત હરણી વિસ્તારમાં મોટનાથ મહાદેવ મંદિર નજીક ૬૧૫૫ ચો.મી. જગ્યામાં આશરે રૂ. ૧૯ કરોડના ખર્ચે એક અત્યાધુનિક ફાયર સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. આ સ્ટેશનમાં ૧૦ ફાયર ટ્રક અને ૪૫ સ્ટાફ ક્વાર્ટર્સની સુવિધા ઉપલબ્ધ રહેશે. સ્ટેશન અને રહેણાંક સુવિધાઓ એક જ પરિસરમાં વિકસાવવામાં આવવાથી અધિકારીઓ અને કર્મચારીઓને કામના સ્થળે જ રહેવાની સગવડ મળશે, જેના કારણે ઈમરજન્સી સમયે સમય બચી શકશે અને બચાવ કામગીરી વધુ ઝડપી બની શકશે.

*આધુનિક સુવિધાઓથી સજ્જ ફાયર સ્ટેશન
તમામ નવા ફાયર સ્ટેશનોમાં મોકડ્રિલ રૂમ, સર્વિસ સ્ટેશન, સ્ટોર રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, કન્ટ્રોલ રૂમ તથા સ્ટ્રોંગ રૂમ જેવી મહત્વપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. કર્મચારીઓની સુવિધા માટે લોકર અને ચેન્જ રૂમ, જીમ તથા પૂરતી પાણીની વ્યવસ્થા રાખવામાં આવશે.
તાલીમ અને વહીવટી કામગીરી માટે ટ્રેનિંગ રૂમ, કોન્ફરન્સ હોલ, અધિકારીઓ માટે અલગ કેબિન, રેકોર્ડ રૂમ, ડાયનિંગ રૂમ અને સ્ટોર રૂમનો સમાવેશ કરવામાં આવશે. ઉપરાંત ફાયર ડ્રિલ માટે અલગ વિસ્તાર રાખવામાં આવશે, જેથી ફાયર ફાઇટર્સ નિયમિત અભ્યાસ દ્વારા પોતાની કુશળતા વિકસાવી શકે.

*નવા સ્ટેશન અને જૂના સ્ટેશનનું રીનોવેશન
સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલભાઈ મિસ્ત્રી વધુમાં જણાવે છે કે બિલ, સેવાસી પરિવાર/સોમાતાળાવ તથા તરસાલી વિસ્તારમાં નવા ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે ગાજરાવાડી અને વડીવાડી ખાતેના હાલના ફાયર સ્ટેશનોનું રીનોવેશન પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે.
આ રીતે વડોદરા મહાનગરપાલિકા ફાયર વિભાગની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે સતત અને પ્રામાણિક પ્રયત્નો કરી રહી છે.

Most Popular

To Top