Vadodara

વડોદરા : ભારત-ઇંગ્લેન્ડની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 3 ઝડપાયા, મુખ્ય સટોડિયો ફરાર

કોયલી વિસ્તારમાં ચાલતા સટ્ટા પર પીસીબી પોલીસની રેડ, રૂ.1.20 લાખનો મુદ્દામાલ કબજે

પ્રતિનિધિ વડોદરા તા.7

વડોદરા જિલ્લાના કોયલી વિસ્તારમાં રહેણાક મકાનમાં પીસીબી પોલીસે દરોડો પાડીને ભારત અને ઇંગ્લેન્ડની મેચ પર સટ્ટો રમતા ત્રણ જેટલા શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે મુખ્ય આરોપી નહી પકડાતા તેને વોન્ટેડ જાહેર કર્યા છે. પીસીબીએ સ્થળ પરથી લેપટોપ અને 10 મોબાઇલ મળી રૂ. 1.20 લાખનો મુદ્દામાલ કબજે કરીને જવાહરનગર પોલીસને સોંપ્યો છે.

હાલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન્ડે સિરીઝ ચાલી રહી છે. ત્યારે 6 ફેબ્રુઆરીના રોજ ક્રિકેટ મેચ હોય તેના પર સટોડિયા દ્વારા સટ્ટો રમાઇ રહ્યો હતો. જેથી સટોડિયાઓને પકડવા માટે પીસીબીની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી તે દરમિયાન કોયલીમાં ઓમકાર ગ્રીન સોસાયટી પાસે આવતા બાતમી મળી હતી કે નવાયાર્ડ વિસ્તારમાં રહેતો જોકીમ મેકવાન ઓમકાર ગ્રીન ખાતે રહેણાક મકાન નંબર 12માં અન્ય લોકોને ભેગા કરીને ઓનલાઈન સટ્ટો રમાડે છે અને હાલમાં ભારત અને ઈંગ્લેન્ડની મેચ પર સટ્ટો રમાડી રહ્યો છે. જેથી પીસીબી પોલીસની ટીમે બાતમી મુજબના સ્થળ પર દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી ત્રણ જેટલા સટોડિયા રમેશ ઝવેર સોલંકી, જયોતિષકુમાર બીજલ મહેતા અને શેખર પ્રદિપ કશ્યપ ઝડપાઇ ગયા હતા. પીસીબી પોલીસ દ્વારા મકાનમાંથી લેપટોપ રૂ.20 હજાર અને 10 મોબાઇલ રૂપિયા એક લાખ મળી રૂ.1.20 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે સટ્ટો રમાડનાર મુખ્ય આરોપી જોકીમ મેકવાન (રહે. નવાયાર્ડ) નહી પકડાતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પીસીબીએ ત્રણ આરોપી સહિત મુદ્દામાલ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે.

Most Popular

To Top