અમદાવાદ જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ ફરાર થઇ ગયો હતો
પેરોલ ફર્લો સ્ક્વોડે આજવા રોડ પરથી ઝડપી પાડી પરત અમદાવાદ જેલમાં સોંપ્યો
યુવતી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ લૂંટ વિથ મર્ડરના ગુનામાં અમદાવાદ જેલમાં આજીવન કેદની સજા કાપતો કેદી વચગાળાના જામીન પર મુક્ત કરતા પરત જેલમાં હાજર નહી થઇને ફરાર થઇ ગયો હતો. પેરોલ ફર્લો સ્ક્વોડે આ ફરાર આરોપીને આજવા રોડ પર ઝડપી પાડપીને પરત અમદાવાદ જેલમાં સોંપ્યો છે.
વડોદરા સેન્ટ્રલમાં વિવિધ પ્રકારની કાચા અને પાકા કામના કેદીઓ સજા કાપતા હોય છે. આ કેદીઓમાંથી કેટલાક કેદીઓ વચગાળા, પેરોલ ફર્લો રજા પર ગયા બાદ નિયમ મુજબ પરત હાજર નહી થઇ બારોબાર ફરાર થઇ જતા હોય છે. ત્યારે આ ફરાર કેદીઓની ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા સતત શોધખોળ કરાઇ રહી છે. ત્યારે વર્ષ 2011માં અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની પાસેથી 1.25 લાખ તથા સાનાની ચેનની લૂંટ કરી હતી. ત્યારબાદ રેલવે સ્ટેશન પાસે લાવી ચાકુના ઘા ઝિંકીને હત્યા કરાઈ હતી. આ ગુનામાં આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીગો ઉર્ફે જિગ્નેશ ભાઇલાલ પરમાર (રહે. મંગલદીપ સોસાયટી, ચાણક્યપુરી સમા વડોદરા)ને આજીવન કેદની સજા ફટકારી હોય અમદાવાદ મધ્યસ્થ જેલમાં રાખ્યો હતો. દરમિયાન તેને વર્ષ 2021માં પાકા કામનો કેદી જેલમાંથી 14 દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરાયો હતો અને તેને પરત રજા પૂર્ણ થયા બાદ હાજર થવાનું હતું પરંતુ કેદી આરોપી હાજર નહી ફરાર થઇ ગયો હતો. દરમિયાન 4 મેના રોજ પેરોલ ફર્લો સ્ક્વોડને બાતમી મળી હતી કે આ કેદી આજવા રોડ પર રામદેવનગર -2માં છે. જેથી ટીમ રાત્રીના સમયે ત્યાં પહોંચી કેદીન ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ કેદીને પરત અમદાવાદ મધ્યસ્થ જેલમાં સોંપવામાં આવ્યો છે.