પ્રતિનિધિ વડોદરા તા.29
જામ્બુઆ ગામ પાસેના ખેતરમાં ઉગાડેલા ઘાસ ચરાવવા માટે માથાભારે ગોપાલકો તેમના પશુઓ લઇ ગયા હતા. જેથી ખેડૂત બે ભાઇએ અમારા ખેતરમાં ગાયો ચરાવો છો તેવુ કહેતા 10 જેટલા ગોપાલકોએ બંને ભાઇ પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ 10 પૈકી પાંચ ગોપાલકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના જામ્બુઆ ગામ પાસે પટેલ ફળિયામાં ખેડૂત નિતિશભાઇ રમણભાઇ પટેલ 27 જુલાઇના રોજ સાંજના સમયે તેમના સગા મોટાભાઇ સાથે માણેજા વોલ્ટેમ કંપનીની પાછળ આવેલા જામ્બુઆ ગામ પાસેના ખેતરમાં કામ કરતા હતા. તે દરમિયાન જશોદા કોલોનીમાં રહેતા મોહન ભરવાડ ગાયો સહિતના પશુઓનું ટોળુ લઇને ખેતરમાં ઘુસીને ગાયો ચરાવવા લાગ્યો હતો. જેથી ખેતર માલિક નીતિશભાઈના ભાઈએ મોહનભાઇને આ ઘાસ મારા પશુઓ માટે ઉગાડ્યું છે. કેમ અમારા ખેતરમાં પશુઓ ચરાવો છો તેવું કહ્યું હતું. ત્યારે તેણે પશુઓ તો હુ અહિયા જ ચરાવીશી તમારાથી થાય તે કરી લો તેમ કહી ઉભા પાકને નુક્સાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ તેણે અન્ય ગોપાલકોને બોલાવતા 10 જેટલા ગોપાલકો ભેગા થઈ ગયા હતા અને બંને ભાઇને ડર લાગતા ત્યાંથી ભાગીને નજીક આવેલા યોગી ફ્લોરેન્સા કોમ્પલેક્ષમાં જતા રહ્યા હતા. ત્યારે ગોપાલકોએ તેમનો પીછો કરી ત્યાં ધસી ગયા હતા અને બંને ભાઈ પર લાકડીઓ વડુ હૂમલો કર્યો હતો. તમે તમારા ખેતરમાં કેવા આવો છો તે જોઇએ છીએ, હવે બહાર રોડ પર પણ કેવા દેખાશો તો જીવતા જવા નહી દઇએ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ખેડૂતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે અલગ અલગ ટીમ ટેકનિકલ તથા હ્યુમન સોર્સીસના આધારે મોહનભાઈ બોઘાભાઈ ભરવાડ,ચોથાભાઇ હીરાભાઈ ભરવાડ, વિભાભાઈ ઉર્ફે વિઠ્ઠલભાઈ ભરવાડ, રઘુભાઈ હીરાભાઈ ભરવાડ અને ગોવિંદભાઈ સાજનભાઈ ભરવાડની ગણતરીની કલાકોમાં ધરપકડ (રહે.ભરવાડ વાસ, એરફોર્સ સ્ટેશનની પાસે, મકરપુરા ગામ, વડોદરા)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.