વાસણા ફાયર સ્ટેશન ખાતે ઐરાવતનું જનરલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું :
ઐરાવત 81 મીટર અંદાજિત 240 ફૂટ ઊંચાઈ સુધી પહોંચીને 24 માળ સુધીની ઇમારતોમાં આગ પર કાબુ મેળવી શકે છે :



( પ્રતિનિધિ )વડોદરા,તા.24
વડોદરામાં ફાયર વિભાગ દ્વારા ફિનલેન્ડથી રૂ. 25 કરોડના ખર્ચે હાઇડ્રોલિક એલીવેટર પ્લેટફોર્મ મંગાવ્યું છે કે જે 81 મીટર અંદાજિત 240 ફૂટ ઊંચાઈ સુધી પહોંચીને 24 માળ સુધીની ઇમારતોમાં આગ પર કાબુ મેળવી શકે છે. આ મશીન વડોદરાની ઊંચી ઇમારતોમાં આગ અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવશે.

વડોદરા શહેરના ફાયર બ્રિગેડના વાસણા ફાયર સ્ટેશન ખાતે મુંબઈથી આવેલા એન્જિનિયર દ્વારા ઐરાવત ફાયર મશીનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. હવે જ્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાલિકા દ્વારા 30 માળ ઉપરાંતની બાંધકામની પરવાનગી આપવાની વિચારણા થઈ રહી છે. ત્યારે ફાયર અધિકારીઓ દ્વારા ઐરાવત નામનું ફાયર મશીન વાસણા ફાયર સ્ટેશન ખાતે રાખવામાં આવ્યું છે. ત્યારે આજરોજ તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જો કોઈ બહુમાળી ઈમારતમાં આગ લાગવાથી દુર્ઘટના બને તો તેને પહોંચી વળવા માટે ઐરાવત નામનું આ મશીન લાવવામાં આવ્યું છે. જેનું મુંબઈથી આવેલા એન્જિનિયરોની ટીમ દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ અંગે વાસણા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર પ્રવીણ સિસોદિયાએ જણાવ્યું હતું કે, ઐરાવત અમે 81 મીટરની હાઇરાઇઝ બિલ્ડીંગમાં ફાયર કોલ થાય એ દરમિયાન ઉપયોગમાં લઈએ છીએ અને ઐરાવતનું વિકલી અમે ઓપરેટિંગ કરીએ છે અને જનરલ ટેસ્ટિંગ કરીએ છે. અત્યારે કંપનીમાંથી માણસ આવેલા છે તેમના થ્રુ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ખાસ મુંબઈથી માણસો આવેલા છે અને દરેક પાર્ટ્સનું ઓપરેટિંગ કરીને ટેસ્ટિંગ કરે છે. જો કોઈ જગ્યાએ સેન્સરનો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ તાત્કાલિક ક્લિયર કરીને અમને આપે છે. અત્યારે અમારા વાસણા ભાયલી વિસ્તારમાં ઘણી બધી હાઈરાઈઝ બિલ્ડીંગ થઈ છે અને લેટેસ્ટ હમણાં થોડા દિવસ પહેલા જ મને મેસેજ મળ્યો હતો. અમારા એચઓડી તરફથી કે 30 માળની મકાનની પરવાનગી હવે ભવિષ્યમાં આપવામાં આવશે ત્યારે એ સમયે અમારે આ ઐરાવત ગાડી ઉપયોગમાં આવશે.
