માંડવી દર્શન કરવા જઈ રહેલા આનંદનગરના બે મિત્રોને કાળ ભેટી ગયો; એકને પગમાં ગંભીર ફ્રેક્ચર, SSGમાં સારવાર હેઠળ


વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. આજે શહેરના વુડા સર્કલ પાસે વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક કારના ચાલકે બાઇક સવાર બે યુવાનોને જોરદાર ટક્કર મારતા બંને રસ્તા પર પટકાયા હતા. આ અકસ્માતમાં બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, કારેલીબાગ વિસ્તારમાં આવેલા આનંદનગરમાં રહેતા ગિલ્સ ઠાકોર અને તેનો મિત્ર સાગર પટેલ આજે બપોરના સમયે પોતાના બાઇક પર માંડવી તરફ દર્શન કરવા જઈ રહ્યા હતા. જ્યારે તેઓ વુડા સર્કલ થી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક અજાણ્યા કાર ચાલકે ગફલતભરી રીતે ગાડી હંકારી બંને મિત્રોને અડફેટે લીધા હતા.
અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઈજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ, ગિલ્સ ઠાકોરને પગના ભાગે ગંભીર ફ્રેક્ચર થયું છે, જ્યારે સાગર પટેલને પણ શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
હોસ્પિટલના બિછાનેથી ઈજાગ્રસ્ત યુવાને જણાવ્યું હતું કે, “અમે બંને મિત્રો શાંતિથી માંડવી દર્શન કરવા જઈ રહ્યા હતા, તે દરમિયાન એલ.એન્ડ.ટી. સર્કલ પાસે એક કાર ચાલકે અચાનક આવીને અમને ટક્કર મારી દીધી હતી.”
વડોદરા શહેરમાં વધી રહેલા અકસ્માતોને પગલે ટ્રાફિક પોલીસ અને તંત્ર સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.