નવી પાઈપલાઈનો, બૂસ્ટર પંપથી નીચા દબાણની સમસ્યા દૂર થવાની આશા
શહેરમાં પાણી પુરવઠા માટે વિવિધ વિકાસ કામો હાથ ધરવા માટે રૂ. 86 કરોડથી વધુની ચુકવણીની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. આ દરખાસ્ત હેઠળ પાણી પુરવઠા પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા માટે વિવિધ વિસ્તારોમાં નવી પાઈપલાઈનો, ટેન્કર સેવા, બૂસ્ટર પંપ અને અન્ય કામોની ભલામણ કરવામાં આવી છે. સ્થાયી સમિતિ સમક્ષ હરણી ટી.પી. 50 મિક્સ પ્લાન્ટ માટે રૂ.22.63 કરોડના ખર્ચની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ કામ પાંચ વર્ષ માટે ક્રિષ્ણા કન્સ્ટ્રક્શન કંપનીને 20.51% વધારાની દરખાસ્ત સાથે મંજૂરી માટે ભલામણ કરવામાં આવી છે.
રાજીવ નગર ટી.પી. 45 માટે પાંચ વર્ષ માટે રૂ.15.21 કરોડના ખર્ચની દરખાસ્ત રજૂ કરાઈ છે. આ કામ પણ કૃષ્ણા કન્સ્ટ્રક્શન કંપનીને સોંપવા માટે ભલામણ કરવામાં આવી છે. પાણીગેટ વિસ્તારમાં નવીન ટાંકીના નિર્માણ માટે રૂ.25.10 કરોડના ખર્ચની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. ક્રિષ્ણા કન્સ્ટ્રક્શન કંપનીને 28.50% વધારાની દરખાસ્ત સાથે આ કોન્ટ્રાક્ટ આપવા ભલામણ કરાઈ છે. કપૂરાઈ કમાન્ડ વિસ્તારમાં ટી.પી. 41 અને 42 માટે પાણી પુરવઠાના નેટવર્કના કામ માટે રૂ. 4.75 કરોડની દરખાસ્ત રજૂ કરાઈ છે. આ કામ એ.કે. ઇન્ફ્રા દ્વારા કરવામાં આવશે.
ડભોઇ રોડ, ભારતવાડી ચાર રસ્તાથી ગાજરવાળી ટાંકી સુધી 300 મીમી વ્યાસની પાઈપલાઈન બદલવા માટે રૂ.74.78 લાખની દરખાસ્ત મંજૂર કરવા ભલામણ કરાઈ છે. આ કામ શ્રી હરિ કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવશે. ફતેગંજ બ્રિજ ખાતે હાલની પાણી લાઈન શિફ્ટ કરવા માટે રૂ. 93.49 લાખની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ કામ ભવિન એન્ટરપ્રાઇઝ દ્વારા કરવામાં આવશે.
દક્ષિણ ઝોન વોર્ડ 18 અને પૂર્વ ઝોન વોર્ડ 14માં પાઈપલાઈન બછાવટ અને બદલવાના કામ માટે રૂ.1.25 કરોડના ખર્ચની દરખાસ્ત રજૂ કરાઈ છે. શહેરના પૂર્વ ઝોનમાં સમર્પણ પાર્ક, મહાલક્ષ્મી પાર્ક અને આસપાસના વિસ્તારોમાં બૂસ્ટર પંપ સ્થાપન માટે રૂ.16.62 કરોડની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ કામ ક્રિષ્ણા કન્સ્ટ્રક્શન કંપની દ્વારા હાથ ધરાશે.
આ તમામ કામોને મંજૂરી મળતા શહેરમાં પાણી પુરવઠાની સમસ્યા ઉકેલવામાં મદદ મળશે તેવી આશા સેવાઈ રહી છે. ખાસ કરીને નીચા દબાણવાળા વિસ્તારોમાં નવા બૂસ્ટર પંપ અને નવી પાઈપલાઈન સ્થાપનથી વડોદરાના નાગરિકોને વધુ સારા પાણી પુરવઠાની સુવિધા મળશે. ઉલ્લેખનીય છેકે, શહેરમાં ઓછા દબાણથી પાણી આવવાની સહિતની છેલ્લા ઘણા સમયથી બૂમો પડી રહી છે. આ દરખાસ્તો અંગે સ્થાયી સમિતિ દ્વારા આગામી બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.
